Editorial

માન ન માન, મૈં તેરી પાર્ટી કા એમપી .

By GS Team
18 Jun 20262 mins read
માન ન માન, મૈં તેરી પાર્ટી કા એમપી                               .

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- હવે દેશના રાજકારણનો વિકાસ થઈ ગયો છે, સિદ્ધાંતો ને ચૂંટણી ઢંઢેરો ને એવું બધું કોણ પૂછે છે?

નાનકડા ટાઉનના નાનકડા નેતાજીનાં ઘરનું  બારણું કોઈએ ખખડાવ્યું. 

'કોણ?'

'હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ...તમારો મેમ્બર ઓફ પાર્લામેન્ટ?'

'હેં? નવી ચૂંટણીને તો હજુ બે-ત્રણ વર્ષની વાર છે! કેમ આવવું થયું?'

'અરે પહેલાં દરવાજો તો ઉઘાડો...અમે હવે મહેમાન નથી.'

વિનવણી સાંભળી નેતાજીએ દરવાજો ખોલ્યો. ત્યાં તો એક જણ નહિ, પરંતુ આખું ટોળું ઘરમાં ઘૂસ્યું.'હમારી પાર્ટી ઝિંદાબાદ... હમારા નેતા કૈસા હો... બિલકુલ આપ  કે જૈસા હો...'

નેતાજી ચક્કર ખાઈ ગયા. 'આ બધી શું ધમાલ છે? ગલી-મહોલ્લામાં કોઈ નાટક છે? એનું રિહર્સલ મારા ઘરે કરવાનું છે? સોરી , નોટ એલાઉડ.'

એક સંસદસભ્ય કહે, 'ડોન્ટ વરી, નેતાજી. આમ તો આખા દેશનું રાજકારણ જ એક નાટક છે. અમે ગઈકાલ સુધી વિરોધનું નાટક કરતા હતા, હવે તરફેણનું નાટક કરશું. રાજકારણમાં હવે  આવું  બધું જ એલાઉ છે.'

નેતાજી હેબતાઈને કહે,'નીકળો મારા ઘરમાંથી બહાર, નહિ તો પોલીસને બોલાવું છું.'

બીજા સંસદસભ્ય નેતાજીને સોફા પર બેસાડતાં કહે, 'તમારે ચિંતા કરવાની જરુર નથી. અમે પોલીસને લઈને જ આવ્યા છીએ. આખરે હવે તમે ૨૦ સંસદસભ્યો ધરાવતી પણ શાસક જોડાણમાં સામેલ પાર્ટીના પ્રમુખ છો. તમે રાષ્ટ્રીય સ્તરે અગત્યની વ્યક્તિ છો.'

નેતાજી ઉકળ્યા.'વ્હોટ નોનસેન્સ? ગેટ આઉટ...ગેટ આઉટ...'

'અરે નેતાજી...તમારી વાત સાચી છે. રાજકારણમાં અત્યારે આવું  બધું નોનસેન્સ જ ચાલે છે. જુઓ અમે અમારી પાર્ટી માંથી આત્મનિર્ભરતાપૂર્વક ગેટઆઉટ થઈ ગયા. પછી પક્ષાંતર નડે નહિ એટલે અમે હવે તમારી પાર્ટીના સંસદસભ્ય બની જવાનું નક્કી કર્યું છે. માન ન માન, મૈ તેરી પાર્ટી કા સંસદસભ્ય...'

નેતાજી કહે, 'પણ મેં તો  પાલિકા-પંચાયત લડવાના શોખ ખાતર એકાદ વાર આ પાર્ટીનું પાટિયું રજિસ્ટર કરાવ્યું હતું. મને પોતાને પાર્ટીનું આખું નામ બોલવામાં ફાંફા પડે છે. પાર્ટીના શું સિદ્ધાંતો છે તેની મનેય ખબર નથી. પાર્ટીનો એજન્ડા, ચૂંટણી ઢંઢેરો એવુું કાંઈ છે જ નહિ.'

એક સંસદસભ્ય નેતાજીની પીઠ પર હાથ પસવારતાં કહે, 'ટેન્શન ન લો  નેતાજી.  દેશમાં રાજકારણનો ઘણો વિકાસ થઈ ગયો છે. હવે સિદ્ધાંત ને ચૂંટણી ઢંઢેરો ને એજન્ડા ને એવી બધી કોઈને ક્યાં જરુર છે. આપણો તો એક જ સિદ્ધાંત જિસ કે તડ મેં લડ્ડુ, ઉસ કે તડ મેં હમ.'

આ સાથે જ સૌ આગંતુક સાંસદસભ્યોએ નેતાજીને ઊંચક્યા અને તેમને ગોળ ગોળ ફેરવીને  ગાવા  લાગ્યા. 'એક દૂસરે  સે કરતેં હૈં પ્યાર હમ.એક દૂસરે કે લિયે બેકરાર હમ...'

આટલો બધો પ્રેમ અને માન નહિ ઝીલી શકતાં નેતાજી બેહોશ થઈ ગયા. દેશની બાકીની પ્રજાની જેમ જ...

આદમનું અડપલું

બંગાળ ચૂંટણીમાં ઘૂસણખોરોનો મુદ્દો ચગ્યો હતો. કોઈને કલ્પના ન હતી કે આ ચૂંટણી પછી કોઈની પાર્ટીમાં જ બેધડક ઘૂસી જનારા રાજકીય ઘૂસણખોરો અસ્તિત્ત્વમાં આવશે.