માણસોને સરહદો નડે, ભૂતોને નહીં

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- દુનિયાભરમાં હેલોવીન નિમિત્તે આંતરરાષ્ટ્રીય ભૂત મંચની દરખાસ્ત
ચળકતી ગોલ્ડન સેન્ડ અને અલ્ટ્રા બ્લૂ સી વોટર્સ ધરાવતાં દુનિયાના એક રમણીય બીચ પર કેટલાંક ભૂતોની ઈન્ટરનેશનલ મીટિંગ મળી.
ઈન્ડિયન ભૂતઃ વાઉ! નાઈસ લોકેશન! બાકી અમારી હોરર ફિલ્મોમાં તો એવાં ક્લિશે હોય છે કે ભૂત હંમેશાં કોઈ અંધારી, સૂમસામ, બાવાંઝાળાં ધરાવતી ઊંડી ગૂફામાં જ રહેતાં હોય. આવા બીચ પર મસ્તી કરવાની તો ફિલ્મી ભૂતોને ભાગે આવતી જ નથી.
મેક્સિકન ભૂતઃ મેં એક વાર સબ ટાઈટલ્સ સાથે તમારી હોરર ફિલ્મ જોઈ હતી. મને તો એ બહુ ફની લાગી.
કોરિયન ભૂત : ડફોળ, એ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેની હોરર ફિલ્મ જ હશે, પણ સબટાઈટલ્સનું ટ્રાન્સલેશન એઆઈથી થયું હશે એમાં તને એ કોમેડી લાગી હશે. અમારી ફિલ્મો પણ ઈન્ડિયાવાળા આવા ભળતા ટ્રાન્સલેશનને કારણે ઊંધું સમજે છે અને પછી અમારી ફિલ્મોને એડોપ્ટ કરી કચરો બનાવી નાખે છે.
જાપાનીઝ ભૂતઃ લ્યા, ફિલ્મો જેવી નકામી ચર્ચાઓમાં ટાઈમ ન બગાડો. અમને જાપાનીઝોને તો ભૂત થયા પછી પણ એક સેકન્ડ પણ બગડે તે ન ગમે.
અમેરિકન ભૂતઃ મારા જેવા પ્રેસિડેન્ટના આગમન પહેલાં તમે બધા ભેગા થઈને ગપ્પાં મારવા માંડયા એટલે આ બધા લોચા પડયા. જુુઓ, આપણા અધોગત જગતના જમાદાર પણ અમે જ છીએ. હાલ હેલોવીન અને તેને મળતા આવતા પિતૃઓ કે મૃતાત્માઓને યાદ કરવાના તહેવારની સીઝન વિશ્વના અનેક દેશોમાં એકસાથે આવી છે. તો એ નિમિત્તે મને થયું કે બધાં ભૂતોનો પણ એક આંતરરાષ્ટ્રીય મંચ બનાવીએ.
ચીની ભૂતઃ ઓ જગત જમાદાર, તારા આ મંચમાં અમારે ન જોડાવું હોય તો? હું તો મારો ચોકો અલગ બનાવીશ. આંતરરાષ્ટ્રીય એકતાના નામે તારે ભૂતોના પણ ઈન્ટરનેશનલ મોટા ભા થવું છે... પણ યાદ રાખ, નોબેલ શાંતિ પુરસ્કારની લ્હાયમાં કંઈક લોકો જીવતેજીવ ભૂત થઈને ભટકે છે . બાકી, મર્યા પછી જે આત્માને કાયમી શાંતિ ન લેવી હોય એ જ ભૂત સમાજમાં એન્ટ્રી લે છે. એટલે અહી એવા ધખારા કરવા જ નહીં. સૌએ પોતપોતાની હદમાં રહેવું.
અમેરિકી ભૂતઃ જે ભૂતો મારા મંચમાં નહીં જોડાય તેમને અમારે ત્યાં આવવાના વિઝા નહીં મળેય અમારી હદમાંથી પકડાશે તેમને દેશનિકાલ કરી દેવાશે.
ઈન્ડિયન ભૂતઃ ડિયર. શાંત થા. સરહદો માણસોને જ નડે, આપણને ભૂતોને નહીં. ભૂત થઈને આવા માણસવેડા ન કર. અમારા દેશના કેટલાય લોકો તમારે ત્યાં ગમે તેમ ઘૂસીને પછી ભૂત જેવી ભેદી અને હોરર જિંદગી જ જીવે છે. તેના કરતાં તો આ ભૂત તરીકેની લાઈફમાં વધારે આઝાદી છે.
આ વાત સાંભળી ચીની અને મેક્સિકન ભૂતે ખિખિયાટા કર્યા, જાપાનીઝ ભૂતે બગાસુું ખાધું. અમેરિકી ભૂતે રિસાઈને ચાલતી પકડી.
આદમનું અડપલું
ભારતમાં દર પાંચ વર્ષે હેલોવીન આવે છે, એમાં માઈક સામે જાતભાતની વેશભૂષામાં પ્રગટ થઈ ચિત્રવિચિત્ર ભાષામાં વાતો કરનારાને લોકભાષામાં નેતા કહે છે.








