ગોતી લ્યો... ગોતી લ્યો... AIથી સુકન્યા અને સાંસદો પણ ગોતી લ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ઉજ્જૈનમાં એક ભક્તએ એઆઈથી પોતાનાં પગરખાં શોધ્યાં તે પછી આ શોધખોળની શક્યતાઓ વિસ્તરે તેવી છે
ઉજ્જૈનમાં એક ભક્તે મંદિરની બહાર પડેલાં હજારો પગરખાંમાંથી કલર, સાઈઝ, પેટર્ન, ડિઝાઈનનાં આધારે પોતાનાં પગરખાં શોધી આપવાનું કામ એઆઈને સોંપ્યું અને એઆઈએ વિશ્લેષણ કરીને તેને ઘડીના ભાગમાં તેનાં પગરખાં શોધી આપ્યાં એ પછી આપણા દેશમાં એઆઈના ભાગે હજુ ભવિષ્યમાં આવાં વધુ અટપટાં સર્ચ ઓપરેશન આવી શકે તેમ છે.
જેમકે, આગામી દિવસોમાં કોઈ સન્નારી શાક બજારમાં જઈને એઆઈને ઓર્ડર છોડશે, 'ચાલ, આમાંથી કઈ લારી પર સૌથી સારી ક્વોલિટીના, સૌથી ઓછા ભાવના, સાચાં વજનના, ને સાથે કોથમીર-મરચાં ફ્રી મળતાં હોય, ને છૂટા પૈસાની માથાકૂટ ન થતી હોય, ને સાવ લીલાં-કાચાં કે પછી ફૂગ ચઢી ગયેલાં ન હોય તેવા ને શાક ને કાતરી ને બટેટાવડાં એમ બધામાં ચાલે એવા બટેટા મળશે એ શોધી આપ.'
આવા બધા ઓર્ડરો પાર પાડતાં એઆઈ માંડ શીખશે ત્યાં તો કે દા'ડાનું પૈણું પૈણું કરતો કોઈ છોકરો એઆઈને પાંચ-સાત મેટ્રિમોનિઅલ વેબસાઈટ કે પછી જ્ઞાાતિ કે સામાજિક સંગઠનો તરફથી બહાર પડતી ડિરેક્ટરીઓ સોંપીને જરા ફ્રેન્ડ તરીકે રિક્વેસ્ટ કરશે, 'ડિયર એઆઈ, સુંદર, સંસ્કારી, સમજદાર ને પાછી મોડર્ન, આર્થિક રીતે અમારું બરોબરીવાળું ઘર હોય, વ્યવસ્થિત ભણેલી હોય ને ક્યાંક નોકરી કરતી હોય ,જેને ગરબે રમતાં ે ને પાસ્તા બનાવતાં પણ આવડતાં હોય, સોશિયલ મીડિયા પર સારી રીલ બનાવી શકે તેવી, ને મારી સાથે તો કુંડળી મેચ થતી જ હોય પણ સાથે સાથે મારી મમ્મી સાથે પણ જેની કુંડળી મળતી હોય, તેવી એક સુકન્યા શોધી આપ…'
કદાચ આ પ્રોમ્પ્ટ વાંચીને થાકી ગયેલું એઆઈ એવું પણ કહી દેશે કે રહેવા દે ભાઈ, લગ્નની બાબતમાં તારા યોગ સલમાન ખાન જેવા જ છે.
જોકે, ખરી આફત તો ત્યારે આવશે જ્યારે ચૂંટણી વખતે લોકો પોતાના મતવિસ્તારના તમામ ઉમેદવારોનું લિસ્ટ એઆઈને સોંપી દેશે અને કહેશે કે આમાંથી જીત્યા પછી ચૂંટણી વચન ન ભૂલી જાય, પોતાની સાત પેઢીનાં ઘર ન ભરી લે, મતવિસ્તારમાંથી વર્ષો સુધી અદ્રશ્ય ન થઈ જાય, પાર્ટી ન બદલી નાખે, ખરેખર નિષ્ઠાવાન અને પ્રમાણિક તથા કાર્યક્ષમ હોય એવા મત આપવા લાયક ઉમેદવારને શોધી આપ…
આવી ક્વેરી મળ્યા પછી એઆઈ કદાચ પોતાનાં એઆઈ તરીકેનાં કામમાંથી રાજીનામું ધરી દે તો નવાઈ નહીં.
આદમનું અડપલું
હજુ રાહ જુઓ… ટેકનોલોજી એટલી આગળ વધશે કે એઆઈથી મંતરેલા દાણા આપનારા તાંત્રિકો પણ માર્કેટમાં આવી જશે









