Editorial

માલદીવ્સમાં શ્રીલંકા જેવા આર્થિક સંકટની ભીતિ

By GS Team
25 Sep 20265 mins read
TukuTouch Logo
માલદીવ્સ હાલ ગંભીર આર્થિક કટોકટીમાં ફસાયું છે. મોઈઝ્ઝુ સરકાર કરજમાંથી બહાર આવવા સંઘર્ષ કરી રહી છે, પરંતુ ખાસ સફળતા મળી નથી. ટુરિઝમ અને માછીમારી પર નિર્ભર અર્થતંત્રને ભારત-ચીનનું મોટું કરજ ભરવું પડે તેમ છે. ફોરેન રિઝર્વ ઘટવાથી આયાત મુશ્કેલ બની છે, જેનાથી મોંઘવારી વધવાનો ભય છે. વૈશ્વિક સંઘર્ષો અને પ્રવાસીઓના ઘટાડાથી સ્થિતિ વધુ વણસી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માલદીવ્સમાં શ્રીલંકા જેવા આર્થિક સંકટની ભીતિ
  • વર્લ્ડ વિન્ડો
  • માલદીવ્સ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આર્થિક કટોકટીમાં ફસાયું છે. કરજમાંથી બહાર નીકળવાની મોઈઝ્ઝુની સરકારે મથામણ આદરી છે, પરંતુ સરકારને એમાં ખાસ સફળતા મળી નથી

માલદીવ્સનું અર્થતંત્ર ટૂરિઝમ, માછીમારી, શિપિંગ પર આધારિત છે. માલદીવ્સની જીડીપીમાં ટૂરિઝમનો હિસ્સો ૩૯ ટકા જેટલો ઊંચો છે. દુનિયાભરમાંથી ૨૦-૨૨ કરોડ પ્રવાસીઓ દર વર્ષે માલદીવ્સનો મનોરમ્ય દરિયાકાંઠો, કુદરતી સૌંદર્ય, નરમ સફેદ રેતીના બિચ, કેળાના બગીચા, સ્વચ્છ નદીઓ જોવા જાય છે. માલદીવ્સના કુલ ફોરેન એક્સચેન્જમાંથી ૬૦ ટકા ફોરેન એક્સચેન્જ પર્યટનમાંથી મળે છે. માલદીવ્સમાં હજારો લોકો ટૂરિઝમથી સીધી કે આડકતરી રોજગારી મેળવે છે. સાડા પાંચ લાખની વસતિમાંથી નોકરી કરતાં મોટાભાગના લોકો પાર્ટટાઈમ પણ આ સેક્ટરમાંથી રોજગારી મેળવતા હોય છે.
માલદીવ્સની કમાણીનો મોટો હિસ્સો માછીમારીમાંથી આવે છે. કમાણીની રીતે આ બીજું ધમધમતું સેક્ટર છે. માલદીવ્સના ૨૦ ટકા લોકોને માછીમારીમાંથી રોજગારી મળે છે. માલદીવ્સમાંથી મોટાપાયે માછલી એક્સપોર્ટ થાય છે. જીડીપીમાં ૧૦-૧૨ ટકા ભાગ માછીમારીનો હોય છે. માલદીવ્સ ફિશરીઝ અને સીફૂડના એક્સપોર્ટમાંથી સારી એવી આવક કરે છે. થાઈલેન્ડથી લઈને બ્રિટન સુધી માલદીવ્સની માછલીઓ પહોંચે છે. એ પછી ખેતી અને મેન્યુફેક્ચરિંગનો ક્રમ આવે છે. ભારત-ફ્રાન્સ-જર્મની જેવા દેશોને પણ માલદીવ્સ અમુક ચીજવસ્તુઓ વેચે છે ને એમાંથી આવક મેળવે છે.
ટૂરિઝમ, ફિશરીઝ, એગ્રીકલ્ચર વગેરેમાં સારી એવી આવક થતી હોવાથી ૨૦૧૦ પછી તો એક તબક્કો એવો આવ્યો કે મિડલ ઈનકમ દેશોના લિસ્ટમાં માલદીવ્સ ગ્રોસ નેશનલ ઈનકમમાં સડસડાટ આગળ વધ્યું હતું અને માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. વર્લ્ડ બેંકે આ દેશની આર્થિક પ્રગતિની નોંધ લીધી હતી અને તેના ટૂરિઝમના વિકાસની સરાહના કરી હતી. માલદીવ્સે સંતુલન જાળવવાની વિદેશનીતિ લાગુ પાડીને ઠીક-ઠીક આર્થિક પ્રગતિ કરવા માંડી હતી. લોકોનું જીવન ધોરણ સુધર્યું હતું. ખરીદશક્તિ વધી હતી.
પણ આ તરક્કી એક દાયકા પછી ફિક્કી પડી ગઈ. માલદીવ્સમાં આર્થિક પ્રગતિ ચાલતી હતી ત્યારે જ રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાયો હતો. નેતાઓ વચ્ચે સત્તાની તીવ્ર ખેંચતાણ ચાલી હતી. ખાસ તો મોહમ્મદ વાહીદ હસન, ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ, અબ્દુલ્લા યામીન અને અત્યારના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ વચ્ચે સત્તાનો સંઘર્ષ વધ્યો એમાં કમાતા સેક્ટર્સ તરફથી સરકારનું ધ્યાન ફંટાઈ ગયું. વળી, વર્ષોથી ભારત તરફી પૉલિસીના કારણે સ્થાનિક સ્તરે અને રાજકીય રીતે પણ સ્થિરતા હતી. તેના બદલે મોહમ્મદ વાહીદ હસન, અબ્દુલ્લા યામીનના સમયથી ચીન તરફી વલણ વધ્યું. મોઈઝ્ઝુએ પણ ભારતને બદલે ચીનને વધારે મહત્ત્વ આપ્યું. રાજકીય દાવપેચમાં સ્થાનિક પ્રશ્નો અટવાઈ પડયા. જે સેક્ટર્સમાં વિકાસની તકો હતી તેના પર ધ્યાન અપાયું નહીં. તેના પરિણામે એક દશકા પહેલાં જ દેશની ગ્રોસ નેશનલ ઈનકમની બાબતમાં નોંધ લેવાતી હતી એ દેશ આજે આર્થિક કટોકટીમાં સપડાયો છે.
ભારત માલદીવ્સને વર્ષોથી આર્થિક મદદ કરે છે. વિવિધ પ્રકારની લોન આપે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં હિંદ મહાસાગરમાં માલદીવ્સ ખપ લાગે તેમ છે એ સમજીને ચીને પણ આર્થિક મદદ કરી છે. બંદરોના વિકાસ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે ચીને લોન આપી છે. હવે માલદીવ્સ આર્થિક સંકટમાં સપડાયું છે અને એમાં ભારત-ચીનનું કરજ સૌથી મોટું છે. મોઈઝ્ઝુની ચીન તરફી નીતિના કારણે ભારતે માલદીવ્સને આર્થિક મદદ ઘટાડી દીધી છે, પરંતુ માલદીવ્સમાં ચીનનો વધતો પ્રભાવ જોતાં મોઈઝ્ઝુના વિરોધી નેતાઓએ ભારે હોબાળો કર્યો હતો. એક તબક્કે તો મોઈઝ્ઝુ પર મહાભિયોગની શક્યતા તોળાતી હતી. તે એટલે સુધી કે વિપક્ષના દબાણને વશ થઈને એક વર્ષ પહેલાં મોઈઝ્ઝુએ ચીનનો પ્રવાસ રદ્ કરવો પડયો હતો. ચીની સૈનિકોની તૈનાતી અટકાવી દેવી પડી હતી. પોતાનું ધાર્યું ન થતાં ચીને પણ આર્થિક મદદ ઘટાડી દીધી છે.
વિદેશી કરજ લેવામાં માલદીવ્સની સરકારોએ છેલ્લાં વર્ષોમાં પાછું વળીને જોયું નથી. મોઈઝ્ઝુ નવેમ્બર-૨૦૨૩થી સત્તામાં છે. તેમના આટલા ટૂંકા કાર્યકાળમાં જ માલદીવ્સે અબજો ડોલરનું વિદેશી કરજ લીધું છે. હવે એક જ વર્ષમાં ઘણી જૂની લોન ચૂકવવાનું પ્રેશર છે. આગામી એક વર્ષમાં મોઈઝ્ઝુની સરકારે લોન મેળવવાની લાયકાત જાળવી રાખવા માટે ૧.૭ અબજ ડોલરનું કરજ ચૂકવવું પડશે. ૨૦૨૪માં ફિચે માલદીવ્સનું રેટિંગ ઘટાડીને સીસી કરી દીધું હતું. તેનો અર્થ એવો થાય કે દેશ લોન ચૂકવી શકશે કે કેમ તે મોટો સવાલ છે. મોઈઝ્ઝુની સરકારે એ જ વર્ષે ૫૦ કરોડ ડોલર ચૂકવીને રેટિંગમાં સુધારો કર્યો. ઈન્ટરનેશન મોનેટરી ફંડ કે વિશ્વ બેંક લોન આપે તે માટે પણ અમુક પ્રકારના રેટિંગ જાળવી રાખવા પડે છે.
૨૦૨૩-૨૪માં શ્રીલંકામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ માલદીવ્સમાં થાય તેવા એંધાણ છે. માલદીવ્સમાં મોંઘવારી-બેરોજગારીનો દર હદ બહાર વધ્યો છે. મોઈઝ્ઝુની સરકાર સામે લોકોનો ભારે આક્રોશ છે. ભારતના જૂના કરજમાંથી તાજેતરમાં જ મોઈઝ્ઝુની સરકારે વૈશ્વિક ધારાધોરણને ધ્યાનમાં રાખીને ૧૫ કરોડ ડોલર ચૂકવવા પડે તેમ હતા. એ ચૂકવ્યા પછી વિદેશી મુદ્રાનો ભંડાર ઘટીને ૬૦ કરોડ ડોલરથી નીચે આવી ચૂક્યો છે. દાવો તો ત્યાં સુધી થઈ રહ્યો છે કે માલદીવ્સમાં ફોરેન રિઝર્વ માત્ર દોઢ મહિનામાં તળિયે આવી જશે. મોઈઝ્ઝુની સરકાર સામે મુશ્કેલી એ છે કે ફોરેન રિઝર્વ ખતમ થઈ જતાં આયાત કરવાનું કપરું બનશે. માલદીવ્સ જીવન જરૂરિયાતની તમામ ચીજો જેવી કે દવા, અનાજ, ફ્યુઅલ વગેરે આયાત કરે છે. આયાત માટે ફંડ નહીં રહે તો મોંઘવારી હાહાકાર મચાવે તેવી પણ ભીતિ છે.
ઈરાન-અમેરિકાના યુદ્ધથી વૈશ્વિક વેપારને તો ફટકો પડયો જ છે, પરંતુ પર્યટનમાં પણ ઘટાડો થયો છે. માલદીવ્સને એની અસર થઈ છે. ઈરાન પર અમેરિકાએ ફેબુ્રઆરીમાં હુમલો કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રવાસીઓ સતત ઘટી રહ્યા છે. છેલ્લાં છ મહિનામાં માલદીવ્સમાં ૨૦ ટકા પ્રવાસીઓ ઘટયા છે. વિદેશી પ્રવાસીઓથી જે આવક થતી હતી, ખાસ તો વિદેશી હૂંડિયામણ મળતું હતું કે ઘટી ગયું છે. તેની અસર અર્થતંત્ર પર પડી છે. માલદીવ્સની કરન્સીનું ડોલર સામે સતત ધોવાણ થઈ રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં ડોલર માલદીવ્સની કરન્સી એમવીઆર સામે ૫૦ ટકા સુધી મજબૂત થઈ ચૂક્યો છે. તેનાથી વિદેશી મુદ્રા પર સતત ભારણ વધી રહ્યું છે.
૨૦૨૮માં માલદીવ્સમાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે. તે પહેલાં મોઈઝ્ઝુ દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવા માંગે છે. આર્થિક કટોકટીની સ્થિતિ તુરંત સુધારવા ધારે છે. કારણ કે એક વર્ષમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે તો મોઈઝ્ઝુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ પ્રાઈમરી ઈલેક્શનમાં જ મોઈઝ્ઝુનું પત્તુ કાપી નાખશે. જો એવું ન થાય તો પાર્ટીને ભય છે કે શ્રીલંકામાં આર્થિક કટોકટીથી ત્રસ્ત લોકોએ જે રીતે આંદોલન કરીને સરકાર ઉથલાવી દીધી હતી એવું જ માલદીવ્સમાં પણ થઈ શકે છે.