Editorial

નાગરિકત્વની પરીક્ષામાં પાસપોર્ટ પણ નાપાસ

By GS Team
27 Jun 20263 mins read
TukuTouch Logo
'વી આર આઈડેન્ટિટી' ગ્રુપમાં સરકારી કાર્ડ્સ વચ્ચે નાગરિકત્વના પુરાવા અંગે ચર્ચા થઈ. પાસપોર્ટને ફક્ત મુસાફરીનો દસ્તાવેજ ગણાવાતા વોટર આઈડીએ નાગરિકત્વનો પુરાવો હોવાનો દાવો કર્યો. તેણે કહ્યું કે તેના દ્વારા મતદાનથી સરકાર બને છે. અન્ય કાર્ડ્સે પણ પોતપોતાની દલીલો રજૂ કરી, પરંતુ છેવટે 'વન નેશન, વન કાર્ડ'ની વાત પર હસાહસ થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગરિકત્વની પરીક્ષામાં પાસપોર્ટ પણ નાપાસ
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • 'વી આર આઈડેન્ટિટી' ગુ્રપમાં વોટર આઈડીએ નાગરિકત્વના પુરાવા તરીકે દાવો ઠોક્યો
    જુદાં જુદાં સરકારી કાર્ડોનાં ગૂ્રપ 'વી આર આઈડેન્ટિટી'માં ચેટિંગ શરુ થયું.
    આધાર કાર્ડ : હા… હા… હી.. હી… હુ… હુ…
    પાન કાર્ડ : લ્યા, શું આમ કોઈ વિદેશ યાત્રામાં કોઈ મહાનુભવને ગળે પડતોે હોય તે રીતે હી..હી.. કરે છે.
    આધાર કાર્ડ : હા..હા… હું તો આ વિદેશ યાત્રા માટે અનિવાર્ય હોવાના કારણે બહુ ફાંકા મારતા પાસપોર્ટ પર જ હસું છું. સરકારે કહી દીધું છે કે પાસપોર્ટ ફક્ત ટ્રાવેલ કરવાનો ડોક્યુમેન્ટ છે, નાગરિકત્વનો પુરાવો નથી.
    ડ્રાઇવિંગ લાયસન્સ: એલા, તો તો પાસપોર્ટ મારી નાતનો પુરાવો થયો. હું ટ્રાવેલિંગમાં ગાડી ચલાવવાનો ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ વિદેશની જાતરા કરવાના ડોક્યુમેન્ટ.
    રાશન કાર્ડ : ઓય ડીએલ, તું તો આરટીઓ ખાતામાં ચાલતી ઘાલમેલની આઈડેન્ટિટી છો. તને લઈને ફરતા હોય છતાં સ્ટિયરિંગ પકડતા ન આવડતુ ંહોય એવા તો કેટલાય છે.
    પાન કાર્ડ : ઓય શ્રી રાશન કાર્ડ, વિશ્વની ત્રીજા નંબરની સમૃદ્ધ ઈકોનોમીમાં તું હજુ શું કરે છે એ કહીશ?
    વોટર આઈડી : નાગરિકત્વની પરીક્ષામાં આ પાસપોર્ટ તો નાપાસ જાહેર થયો છે. તો આ સંજોગોમાં સિટીઝનશિપના પુરાવા તરીકે હું મારો દાવો ઠોકું છું. મારા થકી મતદાન થાય એના પરથી જ સરકાર બને છે.
    બર્થ સર્ટિફિકેટ : ઓ સેલ્ફ-સ્ટાઈલ્ડ પાયાના પથ્થર. ગામે ગામ કોઈ ઉમેદવારને ઢગલો વોટ અપાયા હોય છતાં કાઉન્ટિંગમાં એકેય ન નીકળે તેવા કેટલાય દાખલા છે. એટલે તારા થકી સરકાર બને છે એવા બધા વ્હેમ ભૂલી જજે.
    પાસપોર્ટ : ધીરી બાપુડિયા ધીરી..મુજ વીતી તુજ વિતશે..તમે બધા મારું પતન જોઈને હસો છો, પણ તમારા પોતાના હાલ તો જુઓ. આ ગુમાની આધારની ંકાયદેસરની અનિવાર્યતા હજુ અદ્ધરપદ્ધર જ છે. પાનકાર્ડને એમ છે કે જાણે આખી ઈકોનોમી એ ચલાવે છે, પણ એની હાજરી છતાં પણ બે નંબરના વ્યવહારો કેટલા થાય છે એ બધાને ખબર છે. બર્થ સર્ટિફિકેટ નકલી મેળવવું એ તો ડાબા હાથનો ખેલ છે. જ્યારે મને મેળવતાં ને મારામાં સુધારા કરાવતાં હજુય લોકોને આંખે પાણી આવી જાય છે. આમ પણ આપણા દેશમાં પહેલેથી સ્વદેશમાં કોણ વખણાય છે એના પરથી નહીં, પરંતુ વિદેશમાં કોણ વખણાય છે એના પરથી જ એની મહત્તા નક્કી થાય છે. એ રીતે તો આ કાર્ડ ગુ્રપમાં સૌથી વધુ વટ મારો જ છે, સમજ્યા?
    રેશન કાર્ડ: યાર, સરકાર વન નેશન, વન ઈલેક્શનનું વિચારે છે તેમ 'વન નેશન, વન કાર્ડ' લાવી આપણને બધાને એક જ કાર્ડમાં સમાવી લે તો…
    આધાર કાર્ડ: બેસ્ટ… એ કોમન કાર્ડમાં એટલીસ્ટ બધાના ફોટા ઈન્સ્ટાગ્રામ જેવા આવે તો સારું. અત્યારે તો મારે ફોટા બાબતે જ બહુ સાંભળવું પડે છે.
    …આ વાત પર ગૂ્રપમાં હસાહસ થઈ ગઈ.
    આદમનું અડપલું
    સરકારે નાગરિકોને ટેરોટ કાર્ડ જ પકડાવી દેવું જોઈએ અને કહેવું જોઈએ કે જોઈ લ્યો, તમારાં નસીબમાં નકરી હાલાકી જ લખી છે, ભોગવો.