આમ આદમી પાર્ટીનો કાર્યકર અમરાઇવાડીમાં દારૂ વેચતો ઝડપાયો

અમદાવાદ, રવિવાર
શહેરના અમરાઇવાડી શીવાનંદનગરમાં ક્રાઇમબ્રાંચે દરોડો પાડીને સચિન રાજપુત નામના યુવકને દેશી દારૂનું વેચાણ કરતો ઝડપી લીધો હતો. સચિન રાજપુત આમ આદમી પાર્ટીનો સ્થાનિક નેતા હતો અને તે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહ્યો હતો. તે છેલ્લાં ઘણા સમયથી દેશી દારૂના ધંધામાં જોડાયો હતો.
અમદાવાદ ક્રાઇમબ્રાંચનો સ્ટાફ શનિવારે સાંજના સમયે અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે શિવાનંદનગરમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે તપાસ કરતા સચિનસિંહ રાજપુત (રહે. સાકાર બંગ્લોઝ,જયદીપ હાઇસ્કૂલ પાસે, અમરાઇવાડી) દેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. જે સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરતો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લાં ઘણા મહિનાઓથી દેશી દારૂનું સ્થાનિક વિસ્તારમાં મોટાપાયે વેચાણ કરતો હતો. સચિનસિંહ રાજપુત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર હતો. પરંતુ, તે ચૂંટણી હારી ગયો હતો. ક્રાઇમબ્રાંચે આરોપી સચિનસિંહને અમરાઇવાડી પોલીસને સોંપીને પ્રોહીબીશનનો કેસ નોંધીને કાર્યવાહી કરી છે.








