Editorial

...અને હવે ગરબા પાસ માટે જેન-ઝીનું આંદોલન

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
નવરાત્રિ નજીક આવતા જ ગરબા પાસ મેળવવાનો મુદ્દો પ્રાણપ્રશ્ન બન્યો છે. જેન-ઝી યુવાનોએ ગરબાના પાસ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમની માંગ છે કે જે રીતે સરકાર અન્ય બાબતોનું સંચાલન કરે છે, તેમ ગરબાના પાસનું વિતરણ પણ કરે. જોકે, ચૂંટણી પંચ દ્વારા પાસનું વિતરણ થશે તો 60+ જનરેશનને જ પાસ મળશે તેવી દહેશતથી મોરચો બરખાસ્ત થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

...અને હવે ગરબા  પાસ માટે જેન-ઝીનું આંદોલન
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • નવરાત્રિ આવે ત્યારે ખબર પડે છે કે દેશનો ખરો પ્રાણપ્રશ્ન તો ગરબાના પાસ મેળવવાનો છે

જેન-ઝીનો એક મોરચો નીકળ્યો છે અને તેઓ આંદોલન પર બેસવાના છે એવી વાત ફેલાતાં શહેરભરમાં દોડધામ મચી ગઈ.
સંશયાત્મા તરત જ સ્પોટ રિપોર્ટિંગ માટે મોરચામાં જોડાયેલા જેન-ઝી પાસે પહોંચ્યો અને તરત જ આંદોલનકારીઓ પર સવાલોનો મારો ચલાવ્યો. 'શું થયું? પાછું કોઈ પેપર ફૂટયું? ફૂટેલાં પેપર પર કેટલા લોકો પાસ થઈ ગયા? આ વખતે કોનું રાજીનામુ માગો છો?'
એક આંદોલનકારી સંશયાત્માને હડસેલો મારતાં કહે, 'આ વખતે પેપર નથી ફૂટયું એ જ તો ઈશ્યૂ છે. આ વખતે કોઈ પરીક્ષામાં પાસ-નાપાસની નહીં ગરબાના પાસની બબાલ છે. કાશ ફૂટેલાં પેપરની જેમ જ ગરબાના પાસ પણ ફૂટી ફૂટીને અમારા સુધી પહોંચી ગયા હોત.'
'હેં? ગરબાના પાસ? એ તે કોઈ પ્રાણપ્રશ્ન છે?' સંશયાત્મા પોતે જાણે ગરબે ઘૂમતો હોય એમ ચક્કર ખાઈ ગયો.
'મિસ્ટર વડીલ, નવરાત્રિ નજીક આવે છે ત્યારે અમને સમજાય છે કે ગરબાના પાસ મળી જાય એ જ ખરો પ્રાણ પ્રશ્ન છે. દેશમાં યુપીએસસી અને નીટનાં પેપરોનાં સેટિંગ કરતાં પણ ગરબાના પાસનું સેટિંગ વધારે અઘરું છે.' જેન-ઝીએ વાસ્તવદર્શન રજૂ કર્યું.
'તો તમારો વાંધો કોની સામે છે? આંદોલન કોની સામે છે? ગરબા આયોજકો સામે?' હજુ પણ સંશયાત્માનું ઘૂમવાનું બંધ ન હતું થયું.
હવે પેલો આંદોલનકારી ઉકળ્યો. 'અલ્યા ભાઈ, આમ બુદ્ધુ જેવા સવાલો ન કરો. અમારો વાંધો ગરબા આયોજકો સામે હોય તો પણ અત્યારે તો ગામેગામ ને ગલીએ ગલીએ ગરબા આયોજનો છે, અમારો વાંધો લઈને અમે કેટલા આયોજકો સુધી પહોંચીએ? એટલે અમે સરકાર સામે જ મોરચો કાઢ્યો છે. સરકાર પ્રાઈવેટ હોસ્પિટલો, પ્રાઈવેટ સ્કૂલો અને ખાનગી યુનિવર્સિટીઓ મેનેજ કરે છે, હવે તો સાહિત્ય અને ફિલ્મો પણ મેનેજ કરે છે, તો પછી ગરબાના પાસ પણ મેનેજ કરે. આ સરકાર તો આમ પણ ઉત્સવો અને ઉજવણીઓની સરકાર છે. ઘરે ઘરે મતદાર સ્લીપ પહોંચે છે તેમ બધા ગરબા આયોજકો પાસેથી પાસ ઉઘરાવી ઘરે ઘરે મોકલી આપે. બસ, આ જ અમારી ડિમાન્ડ છે. પાસ ન લાવી આપે એ સરકાર નાપાસ.'
સંશયાત્મા કહે, 'તમારી ડિમાન્ડ તો જોરદાર છે, પરંતુ એક લોચો છે. સરકાર પાસનું વિતરણ ચૂંટણી પંચને સોંપશે અને તે આ વિતરણ 'સર' પછીની મતદાર યાદીઓ પ્રમાણે કરશે તો કદાચ ગરબડ થશે. તમારા એજ ગુ્રપના લોકોને પાસ જ નહિ મળે અને સિક્સ્ટી પ્લસ જનરેશન જ પાસ લઈને ગરબા મેદાનો પર પહોંચી જશે. પછી તમારે ભાગે શેરી ગરબામાં જ ગરબે ઘૂમવાનું બાકી રહેશે. વિચારુ જુઓ.'
મોરચો તરત જ બરખાસ્ત થઈ ગયો.
આદમનું અડપલું
નવરાત્રિમાં સંબંધો, સંપર્કો અને વગની પરીક્ષામાં પાસ લાવી આપે એ જ પાસ!