શિક્ષકો ગિફ્ટ કે ભંડોળ સ્વીકારી શકશે નહીં, શાળાઓ ડોનેશન નહીં લઈ શકે, દા.ન.હવેલી અને દમણ-દીવમાં નવા નિયમો લાગુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

School Education Guidelines: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાના હેતુથી નવા ‘સ્કૂલ એજ્યુકેશન’ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ પ્રદેશમાં કાર્યરત કોચિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ અને બિન-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ પર કડક નિયંત્રણ લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત, હોમવર્ક કે ક્લાસવર્ક ન કરનાર વિદ્યાર્થીઓને શાળાનો સમય પૂરો થયા બાદ રોકી શકાશે નહીં, તેમને માત્ર રિસેસ (બ્રેક) દરમિયાન જ રોકી શકાશે તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.
દમણ અને દીવ સ્કૂલ શિક્ષણ નિયમાવલી’ સત્તાવાર રીતે જાહેર
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસન દ્વારા શિક્ષણ ક્ષેત્રને સુદ્રઢ બનાવવા માટે આ વ્યાપક પગલું ભરવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા ‘દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ સ્કૂલ શિક્ષણ નિયમાવલી’ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીની તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં પારદર્શિતા, ગુણવત્તા અને સમાનતા લાવવાનો છે.
નવા નિયમો નીચે મુજબ છે
- મફત શિક્ષણ: પ્રશાસન 14 વર્ષ સુધીની વયના બાળકો માટે મફત શાળાકીય શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરશે.
- કોચિંગ સેન્ટરો પર નિયંત્રણ: પ્રદેશમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ, કોચિંગ સેન્ટરો અને બિન-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ શિક્ષણ નિયામકની પૂર્વ મંજૂરી વિના કાર્ય કરી શકશે નહીં. તેમણે 3 મહિનામાં મંજૂરી મેળવવાની રહેશે.
- શારીરિક સજા પર પ્રતિબંધ: શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની શારીરિક સજા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- શિસ્તભંગ અંગે જોગવાઈ: જો 14 વર્ષથી નાની વયનો વિદ્યાર્થી ગંભીર શિસ્તભંગ કરે, તો તેને સ્પેશિયલ સ્કૂલમાં મોકલવામાં આવશે.
- પ્રવેશ અને ફી નિયમન: ખાનગી શાળાઓને માન્યતા માટે સંબંધિત બોર્ડના માપદંડો મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવું પડશે. શિક્ષણ નિયામકની મંજૂરી વગર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવા પર પ્રતિબંધ મુકાયો છે.
- ફી અને ડોનેશન: ધોરણ 12 સુધીની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં કોઈ પ્રવેશ કે ટ્યુશન ફી લેવામાં આવશે નહીં. સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓ પોતાની ફી સંચાલન ખર્ચ અને સુવિધાઓના આધારે નક્કી કરશે, પરંતુ તેઓ કોઈપણ પ્રકારનું ડોનેશન માંગી શકશે નહીં.
શિક્ષકો માટે આચારસંહિતા
શાળાના આચાર્ય અને શિક્ષકો માટે 'કોડ ઓફ કન્ડક્ટ' જાહેર કરાઈ છે, જે હેઠળ શિક્ષકો પ્રાઈવેટ ટ્યુશન આપી શકશે નહીં તેમજ કોઈ વ્યાપારી પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં. સાથે જ તેઓ કોઈ ભેટ કે ભંડોળ સ્વીકારી શકશે નહીં.




