દમણના દરિયામાં નહાવા પડેલા 4 પૈકી 2 તરુણ ડૂબ્યા: લાઇફગાર્ડે 1 ને બચાવ્યો, 1 ની શોધખોળ તેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman Beach Drowning: દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં રીંગણવાડા ગામની ચાલીમાં રહેતા 4 તરૂણો માટે દરિયામાં ન્હાવાનું સાહસ અત્યંત ભારે સાબિત થયું હતું. 4 પૈકી 2 તરૂણ પ્રચંડ અને તોફાની મોજા વચ્ચે તણાતા કિનારે તૈનાત લાઈફ ગાર્ડે એકને હેમખેમ બચાવી લીધો હતો, જ્યારે અન્ય એક તરૂણ ડૂબી જતાં ફાયર બ્રિગેડના જવાનોએ બોટ સહિતના સાધનો વડે તેની શોધખોળ શરૂ કરી હતી.
2 પૈકી 1 તરૂણને હેમખેમ બહાર કાઢી લેવાયો
દમણના રીંગણવાડા વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતો આકાશકુમાર પોતાના 3 મિત્રો સાથે સોમવારે દમણના જેટી કિનારે મોજમસ્તી કરવા ગયો હતો. દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં ચારેય મિત્રો નિયમોને નેવે મૂકી પોતાના જીવના જોખમે પાણીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન 4 પૈકી 2 તરૂણ પાણીના ધસમસતા વહેણમાં તણાવા લાગ્યા હતા. જો કે, જેટી કિનારે તૈનાત લાઈફ ગાર્ડોએ તુરંત પાણીમાં ઝંપલાવી 2 પૈકી 1 તરૂણને હેમખેમ બહાર કાઢી લીધો હતો.

હજુ સુધી તણાયેલા યુવકની કોઈ ભાળ મળી નથી
જ્યારે ભરતીના પ્રચંડ મોજા વચ્ચે આકાશકુમાર તણાઈને ડૂબી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ દમણ પોલીસના અધિકારીઓ, ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ જવાનોએ દરિયામાં લાપતા આકાશકુમારની શોધખોળ કરવા માટે બોટ સહિતના સાધનોની મદદથી કવાયત આદરી હતી. જો કે, હજુ સુધી આકાશકુમારની કોઈ ભાળ મળી નથી, જેને કારણે ઘટનાસ્થળે દોડી આવેલા પરિવારજનો અને સંબંધીઓ ઘેરી ચિંતામાં મુકાયા હતા.

તૈનાત લાઈફ ગાર્ડ ઓછા, પ્રવાસીઓ નિયમનું પાલન કરે તે જરૂરી
અત્રે નોંધનીય છે કે, પ્રશાસન દ્વારા 16 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી કરવા, ન્હાવા અને કિનારે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પાણીમાં તણાવાના 2 બનાવો બનતા જ પ્રશાસને જમ્પોર, દેવકા અને જેટી કિનારે સુરક્ષા માટે 7 લાઈફ ગાર્ડ તૈનાત કર્યા હતા. જો કે, વિશાળ દરિયાકિનારાની સરખામણીએ આ લાઈફ ગાર્ડ અપૂરતા સાબિત થઈ રહ્યા છે. આવી જીવલેણ ઘટનાઓ અટકાવવા માટે પ્રવાસીઓ પોતે જ પ્રશાસનના નિયમોનું ચુસ્ત પાલન કરી પોલીસ અને બીચ લાઈફ ગાર્ડને સહકાર આપે તે અત્યંત જરૂરી છે.









