દમણમાં ઇ-ચલણના નામે બોગસ એપીકે ફાઇલ મોકલી ઠગાઇ કરતી ગેંગનો એક સાગરિત પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Daman Fraud Case : દમણમાં આરટીઓ ઇ-ચલણ મોકલી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવી મોબાઇલ હેક કરી ખાતામાંથી નાણાં સેરવી લેતી ગેંગના એક સાગરિતને ઝારખંડથી પોલીસે દબોચી લીધો હતો. પોલીસે આરોપીનો ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી દમણ લવાયો છે. રિમાન્ડ દરમિયાન ઠગ ટોળકીએ કેટલા લોકો સાથે ઠગાઇ અને છેતરપિંડી કરી તે બહાર આવી શકશે.
દમણના કડૈયા કોસ્ટલ પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા એક શખ્સના મોબાઇલ પર ગત તા.27-07-26ના રોજ અજાણ્યા નંબરથી આરટીઓ ઇ-ચલણના નામે એપીકે ફાઇલ મળી હતી. શખ્સે એપીકે ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરતા જ મોબાઇલ હેક થઇ હતો. બાદમાં બેંક ખાતામાંથી નાણાં ઉપાડયાનો મેસેજ આવતા શખ્સ સ્તબ્ધ બની ગયો હતો. આખરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કડૈયા પોલીસે આ ગંભીર ગુનામાં એપીકે ફાઇલ અંગે ટેકનિકલ એનાલીસીસ કરતા એક મહત્વપૂર્ણ કડી હાથ લાગી હતી. જેમાં આંતરરાજ્ય ફ્રોડ ટોળકીના સાગરિત મોહંમદ સગીર અન્સારીની સંડોવણી બહાર આવી હતી. માહીતિના આધારે પોલીસની ટીમ ઝારખંડના ગિરીહીડ પહોંચી ત્રણ ચાર દિવસ સુધી હાથ ધરેલી કવાયત વેળા આરોપી મોહંમદ સગીર અન્સારીને દબોચી લીધા બાદ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી દમણ લવાયો છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ જપ્ત કર્યો છે. આરોપીના રિમાન્ડ વેળા ગેંગે દમણના કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે માહિતિ બહાર આવશે.
દમણ પોલીસે આરટીઓ ઈ-ચલણ કે અન્ય કોઇપણ સરકારી સેવાના નામે વોટ્સએપ કે એસએમએસ મારફતે આવતી એપીકે ફાઇલ મોબાઇલમાં ક્યારેય ઇન્સ્ટોલ કરવી નહી અને કોઇપણ શંકાસ્પદ લિંક કે ફાઇલ ખોલતા પહેલા તેની સત્તાવાર સ્રોત પાસેથી ખરાઇ કરવા જણાવ્યું છે.









