Dharmlok

ચિંતા ઉતાવળ કરાવે છે

By GS Team
21 Oct 20265 mins read
ચિંતા ઉતાવળ કરાવે છે
  • શ્રીરામના રાજ્યાભિષેકના એક દિવસ પહેલાં મંથરાને અતિ હર્ષનાદ સંભળાયો. તે છત પર ગઈ. અયોધ્યાની સડકો પર સુગંધિત ચંદન જળનો છંટકાવ થઈ રહ્યો હતો. ફૂલોની પાંદડીઓ સડકો પર મહેંકી રહી હતી. ધજાઓ ફરકી રહી હતી. ઘર લીંપાઈ ગયાં હતાં. રંગોળી પૂરાઈ રહી હતી

કૈકેયી રાજા દશરથની માનીતી રાણી હતી. કૈકેયીની એક દાસી મંથરા, તેના પિયરથી તેની સાથે જ આવી હતી. મહેલમાં કૈકેયીનો પડયો બોલ ઝીલાતો. તેના આદરને લીધે મંથરાને પણ માન મળતું. કૈકેયીનો એટલો વટ હતો કે કોઈ મંથરા સાથે વાદ-વિવાદ કરતું નહિ. ઘણીવાર તો કૈકેયીને મળવા મંથરાની રજા લેવી પડતી. શ્રીરામના રાજ્યાભિષેકના એક દિવસ પહેલાં મંથરાને અતિ હર્ષનાદ સંભળાયો. તે છત પર ગઈ. અયોધ્યાની સડકો પર સુગંધિત ચંદન જળનો છંટકાવ થઈ રહ્યો હતો. કમળ, ગુલાબ, મોગરા જેવા ફૂલોની પાંદડીઓ સડકો પર મહેંકી રહી હતી. ધજાઓ ફરકી રહી હતી. ઘર લીંપાઈ ગયાં હતાં. રંગોળી પૂરાઈ રહી હતી. મંથરા આ હર્ષોલ્લાસ જોઈ આશ્ચર્ય પામી તેણે તરત રામની દાયણને પૂછયું. ''અરી, આટલો વૈભવ, આટલો ઉત્સાહ કેમ વરતે છે ? '' દાયણે કર્યું, ''તમને ખબર નથી ? કાલે રઘુનંદન શ્રીરામનો યુવરાજ પદ પર અભિષેક થવાનો છે, એટલે આખું અયોધ્યા ઉત્સાહમાં છે.'' આ સાંભળતાં જ મંથરાના પેટમાં તેલ રેડાઈ ગયું, તે ઉતાવળે પગલે દોડીને કૈકેયીના મહેલમાં પહોંચી. ઊઘતી કૈકેયીને ઢંઢોળીને જગાડી.'' ઉતિષ્ઠ મૂઢે કિં શેષે ભયં….વા….રા… અયોધ્યાકાંડ વિચાર કરો. મંથરા કૈકેયીની દાસી છે છતાં તેનું પદ, તેનું અસ્તિત્વ ટકાવવાની ચિંતામાં રાણીને મૂર્ખ કહી સંબોધે છે! ''અરે, મૂર્ખ, ઊઠ, ઊંઘમાંથી જાગી જા! તારા માથા પર ભયંકર ભય ઝઝૂમી રહ્યો છે. દુ:ખનો પહાડ તૂટી પડયો છે.'' જોકે શ્રીરામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળી કૈકેયી રાજી થઈ ગઈ. તેણે કહ્યું શ્રીરામે વા ભરતે વાહં વિશેષં નોપલક્ષયે) હું રામ અને ભરતમાં કોઈ ભેદ જોતી નથી. મને તો આ સમાચાર સાંભળી ખૂબ આનંદ થયો. ''પણ મંથરાની ચિંતા તેના ખુદના ભવિષ્યની હતી. જો શ્રીરામ રાજા બને તો કૌશલ્યા મહારાણી બની જાય. કૈકેયીનું માન ઘટી જાય. અત્યારે રાજા દશરથ જેટલું ધ્યાન રાખે છે એટલું પછી ના રાખે! અને જો કૈકેયીનો મોભો ઘટી જાય પછી પોતાનું શું ? દાસીનો પછી કોણ ભાવ પૂછે ? ના, મહારાણી તો કૈકેયી જ બનવી જોઈએ, કૈકેયીની પ્રતિષ્ઠામાં જ પોતાને લાભ છે. તેને કોઈપણ રીતે કૈકેયીનું માન ઘટવા દેવું નહોતું. એક દાસીએ તેના ભવિષ્યની ચિંતા દૂર કરવાની ઉતાવળમાં કૈકેયીના કાન ભંભેર્યા. તે કોઈપણ હિસાબે શ્રીરામનો રાજ્યાભિષેક રોકવા માંગતી હતી. તેણે કૈકેયીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ''તવ દુ:ખેન કૈકેયિ મમ દુ:ખં મહદ્ ભવેત,
ત્વયવૃધ્ધો મમ વૃધ્ધિશ્વ ભવેદિહ ન સંશય.'' વા.રા. અયોધ્યાકાંડ કૈકેયી તું સમજ! જો તું દુ:ખી થશે તો મારે પણ ભારે દુ:ખ ભોગવું પડશે. એમાં કોઈ શંકા નથી કે તારી ઉન્નતિમાં જ મારી ઉન્નતિ છે. ''છેવટે કૈકેયીને મનાવવા મંથરાએ બુધ્ધિ વાપરી.
''જો કૈકેયી, શ્રીરામ રાજા બનશે તો ભવિષ્યમાં તેનો પુત્ર જ રાજા બનશે. આ પરંપરા આગળ વધી તો ભરત તો રાજગાદીથી અલગ જ થઈ જશે. ભરત કદી અયોધ્યાનો રાજા બની જ નહિ શકે. શ્રીરામ રાજા બનશે તો કૌશલ્યા મહારાણી બની જશે. અને તું શોક્ય-બીજી પત્ની! પછી તો રાજાનો પ્રેમ ઘટી જશે. જો રામ રાજા બનશે તો તારો વટ ઘટી જશે, તારી આબરૂ ઘટી જશે. તારો કોઈ ભાવય નહિ પૂછે! અને હું - ? હું તો સાવ નોકરાણી જેવી થઈ જઈશ!! ના, આવું ન થવુ જોઈએ. ભરતને રાજગાદી મળવી જ જોઈએ. તું તારા બાકી રહેલાં વરદાન માંગી તારૃં સુખ નિશ્ચિંત કરી દે. સમજી ?''
આમ જાત ઉપર આવતી ચિંતા દૂર કરવાની ઉતાવળમાં મંથરાએ કૈકેયીને એવી બહેકાવી કે એક જ રાતમાં ઊલટ સૂલટ થઈ ગયું. જે શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો તેમને વનમાં જવું પડયું. રાજા દશરથ પુત્ર વિરહમાં મૃત્યુ પામ્યાં. આખું અયોધ્યા શોક મગ્ન થઈ ગયું.
એ વાત નક્કી છે કે ચિંતાતુર માણસ ઉતાવળમાં જ હોય છે. સમયસર વહેલા ઊઠવાનું હોય, ટ્રેન પકડવાની હોય, માલ-ડિલિવરી કરવાનો હોય, હપ્તો ભરવાનો હોય, ચિંતા થાય જ શરીરનો દુખાવો દૂર કરવા ગોળી નહિ તરત ઈન્જેક્શન લેવાય છે. દર્દીને તરત સાજા થઈ જવું છે. માણસને તરત પહોંચી જવું છે. સાચી વાત એ છે કે જિંદગી એક લાંબી યાત્રા છે. એમાં ખાડા, ટેકરા, કાંકરા, કાદવ-ફિસલન - આ બધું આવવાનું. એમા નાની નાની ચિંતાથી આપણે ઉશ્કેરાઈ જઈ ઉતાવળ કરીએ તો સરવાળે નુકસાન થાય.
વિજાપુરના શાસક આદિલ શાહે જ્યારે જોયું કે શિવાજી પોતાનું સામ્રાજ્ય વધારતા જાય છે ત્યારે તેમણે અનેક વીર લડવૈયાઓને શિવાજીને ખતમ કરાવવા મોકલ્યા. પરંતુ તેઓ સફળ ના થયા. છેવટે આદિલ શાહે અફઝલ ખાંને મોકલ્યો. અફઝલખાંએ વિશાળ સેના લઈ કૂચ આદરી ખાનાખરાબી કરી. શિવાજીએ ધીરજ ના ખોઈ. તેની સામે જવાની ઉતાવળ ના કરી. શિવાજીએ એવું વાતાવરણ ઉભું કર્યું કે અફઝલખાં પોતે જ પહાડ પર આવેલા પ્રતાપગઢના કિલ્લા સુધી આવી ગયો. તેને આદિલ શાહના હુકમ મુજબ શિવાજીને ખતમ કરવાની ચિંતા હતી. ઉતાવળ હતી. પ્રતાપગઢના કિલ્લા પાસે શિવાજીએ અફઝલખાંને ઘેર્યો અને યમલોક પહોંચાડી દીધો. શિવાજીએ ધીરજ ગુમાવી સામે ચઢીને આક્રમણ કર્યું હોત તો સફળ ના થાત.
કોઈપણ ચિંતા વખતે અતિ ભાવુક ના બનવું. મન સ્થિર રાખવું, શાંતિથી ઉકેલ શોધવો. ત્યાર પછી નિર્ણય લેવો. જો સમયસર કામ ના થાય તો ચિંતા અને તણાવ પેદા થાય છે. નાની ચિંતાનું મોટું સ્વરૂપ ધારી લેવાથી, તેને તરત દૂર કરવાની ઉતાવળથી મૂળ ધ્યેયથી વિચલિત થઈ જવાય છે. પ્રગતિ અટકી જાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, (યુધ્ધસ્વ વિગત જવર) ચિંતા છોડીને, કર્મ કરવું.
બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાન નારાજ થઈ ગયું હતું. પણ તેમણે યુધ્ધનો માર્ગ છોડી પ્રગતિનો રસ્તો પસંદ કર્યો. પ્રજાના ગરમ લોહીમાંથી એવી તાકાત બહાર આવી કે એશિયામાં શ્રેષ્ઠ અને વિશ્વમાં બીજા સ્થાને આવી ગયું. જાપાનની ચિંતા અધોગતિની નહિ પ્રગતિની હતી. સહેજ પણ ઉતાવળ કર્યા વગર તે ફરી બેઠું થયું હતું.
જ્યારે ઈશ્વર આપણી ચિંતાને દૂર કરે ત્યારે આપણે તેની અપાર ક્ષમતામાં શ્રધ્ધા રાખીએ છીએ. પણ જ્યારે ઈશ્વર આપણી ચિંતાનો ઉકેલ નથી લાવતા, ત્યારે.. એનો અર્થ એવો નથી કે તે આપણી પડખે નથી. ઈશ્વર આપણી શ્રધ્ધા અને વિશ્વાસને ચકાસતા રહે છે. જ્યારે ચિંતા પર કાબૂ મેળવાય ત્યારે જ પ્રતિભા ખીલે છે.

  • સુરેન્દ્ર શાહ