Dharmlok

બિન રાધે શ્રીકૃષ્ણ આધે

By GS Team
7 Oct 20263 mins read
બિન રાધે શ્રીકૃષ્ણ આધે

ગુલાબની ગરિમા, મોગરાની મ્હેંક, પારિજાતની પવિત્રતા, કમળની કોમળતા, સૂર્યમુખીની સજગતા, જાસૂદનું જોબન, ચંપાની ચપળતા, લજામણીની લજ્જા, રાતરાણીનો ઠસ્સો, બારમાસીની સાદગી, મધુમાલવીતી માદકતા અને કેસૂડાંની લાલિમા- આ બધાં ફૂલોનો સરવાળો કરો પછી જે પ્રેમની પરિશુદ્ધ પરીમલ (સુગંધ)નું પાવન પુષ્પ પ્રગટ થાય એનું નામ છે : રાધા. કવિ કહે છે :
અડધી રાતે સૂરજ લાવે,
ચાંદ હથેળીમાં બતાવે ;
આ રાધાનું કાંઈ ન પૂછો,
પાંપણથી પણ પહાડ ઊઠાવે.
રાધા શબ્દ સંસ્કૃત 'રાધ'- ધાતુ પરથી બન્યો છે. રાધ્- એટલે આનંદ આપવો. આનંદ આપી આનંદ માણે એવા પ્રેમની અવિરત ધારા એટલે જ રાધા. નામ પ્રમાણે ગુણ અને ગુણ પ્રમાણે નામ. આઠ આઠ એક એકથી ચડિયાતી પટરાણીઓ હોવા છતાં કોઈનું ય નહિ ને ભગવાનના નામની આગળ એક નામ લાગ્યું : રાધાકૃષ્ણ, રાધેકૃષ્ણ, રાધે રાધે. સંત કબીરને જરા કાન દઇને સાંભળો તો ખરા.
કબીરા કબીરા કયા કરો,
જાવ જમનાકે તીર;
એક રાધાકે પ્રેમમેં,
બહ ગયે લાખ કબીર.
દાદા: સુરભાનું, દાદીમા : પદ્માવતીજી, પિતા: વૃષભાનું, (જે જશોદાના સગાભાઈ હતા), માતા : કલાવતી, પતિ : રાયકા (રાયણ), જન્મ: બરસાના (ઉત્તર પ્રદેશ), ભાદરવા સુદ-૮ (આઠમ), જયેષ્ઠા નક્ષત્ર, ચોથું ચરણ લક્ષ્મીજી-ભક્તિનો સાક્ષાત્ અવતાર, શ્રીકૃષ્ણ કરતાં જે ૮ (આઠ) વરસ મોટાં હતાં- આ છે રાધાજીનો સંક્ષિપ્ત પરિચય.
ગૃહે રાધા, વને રાધા, રાધિકા ભોજને ગતૌ :
રાત્રૌ રાધા, દિવા રાધા,
રાધૈવા, રાધ્યતે મયા.
રાધાનો સૌ પ્રથમ ઉલ્લેખ બ્રહ્મવૈર્વત પુરાણમાં થયો છે. હરિવંશના વિષ્ણુપર્વના અધ્યાય:૨૦ : ના સર્ગ નં.૧૫ થી ૩૫માં જગપ્રસિદ્ધ રાસલીલાનું વર્ણન થયું છે. શ્રીમદ્ ભાગવદ્ સ્વયં રાધાનું આધારકાર્ડ છે. સ્વયં બ્રહ્માજીએ ભાંડીરવનમાં શ્રીકૃષ્ણને રાધા અર્પણ કરી હતી તેવો ઉલ્લેખ બ્રહ્મપુરાણમાં છે. રાધા સૌ ગોપીઓની લીડર હતી. જલંઘરની પત્ની સતી વૃંદાના સતીત્ત્વભંગ માટે વિષ્ણુએ જલંધરનું બનાવટી રૂપ ધારણ કરી ક્રીડા કરી એ જ વૃંદાવન રાધાકૃષ્ણનું મિલન સ્થળ બન્યું.
આ ચાલ્યાં ચરણ તે કાનજી રે, ને પગલી દે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી રે,
ને સેંથી પૂરી તે રાધા રે.
રાધા આત્મા છે, શ્રીકૃષ્ણ પરમાત્મા છે, એક શક્તિ છે- એક ભક્તિ છે, રાધા-કૃષ્ણનો સંબંધ સરિતા અને સાગર, દૂધ અને સાકર, પાણી અને ગાગર, પુષ્પ અને પરિમલ કક્ષાનો હતો. ઝંખના અને ઝુરાપો, યોગ-સંયોગ રીસામણાં-મનામણાં, વિરહ અને મિલન, ખુદ્દારી અને ખુમારી બંનેના પ્રેમનાં પરાકાષ્ટાનાં લક્ષણો હતાં. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ઉક્તિ અહીં સાર્થક બને છે. પ્રેમ કશું લેતો નથી, પ્રેમ કશું આપતો નથી, પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે એ ખલિલ જિબ્રાનનું અવતરણ સાચું કરે છે.
સોળ શૃંગાર, સોળ સંસ્કાર અને ચંદ્રની સોળ કળાની જેવાં અર્થસભર રાધાનાં ૧૬ (સોળ) નામ આ પ્રમાણે છે : આરમ્યા, ઇશ્વરી, પૂર્ણા, પરમેશ્વરી, મુક્તિપ્રદા, રમા, રમ્યા, રાધા, રાધિકા, રસેશ્વરી, લક્ષ્મણી, વિનાશીની, વૃંદાવન વિહારિણી, સત્યભામા, સર્વવંદના અને શ્રીકૃષ્ણ વલ્લભા. રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી વ્હેતુંના મેલો શ્યામ, રાધાને કાન આજ રંગે રમે, રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ અને આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા-જેવાં ગીતોથી આજે પણ રાધા સૌના હૃદયમાં મોજૂદ છે.
શ્રીકૃષ્ણ સૂરજ છે. રાધા કિરણ છે. શ્રીકૃષ્ણ વૃક્ષ છે તો રાધા વેલ છે, એક દીપક છે- એક જ્યોત છે, જેને ક્યારેય એકમેકથી છૂટાં પાડી શકાતાં નથી. સાગર અને તરંગો (મોજાં) જેવો સંબંધ શ્રીકૃષ્ણ રાધાનો છે. એટલે બધા કહે છે : બિન રાધે, શ્રીકૃષ્ણ આધે.

  • પી.એમ.પરમાર