આપણે ઉજવીશું આવી દીવાળી?

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
સામાન્યથી આપણે સહુ ખુશ રહેવા માટે ખુશીઓ એકત્રિત કરતા હોઈએ છીએ. એટલે કે જેનાથી આનંદ પ્રાપ્ત થાય તેવી સામગ્રી-સાધનોને એકઠા કરતા હોઈએ છીએ. પરંતુ આજે વિચારવો છે ખુશ રહેવા માટેનો સાવ વિલક્ષણ ઉપાય : જે આપણા ઉક્ત વિચારોથી તદ્દન વિપરીત છે ને છતાં ય બહેતર છે. ખુશીઓથી સંપન્ન જીવનના સર્જન માટેની લેખશ્રેણિનાં ચતુર્થ ચરણરૂપે રહેલો એ ઉપાય આ છે કે ખુશ રહેવા માટે ખુશીઓને એકત્રિત ન કરો, બલ્કે
ખુશીઓને વહેંચો.
ખુશીઓને વહેંચવાથી સામી વ્યક્તિના મુખ ઉપર અદ્ભુત આનંદ છલકાય છે. એ આનંદને નિહાળવાથી મળતી ખુશી અવર્ણનીય હોય છે. ખુશીઓ આપવાથી સામેની વ્યક્તિનાં અંતરના અઢળક આશીર્વાદ મળે છે. આવા આશીર્વાદ આપણા સમગ્ર અસ્તિત્વને પ્રસન્નતાથી મઢી દે છે. આવો, આ વાસ્તવિકતાની પ્રતીતિ આપણે એક સત્ય ઘટના દ્વારા કરીએ :
આજથી લગભગ ૩૫ વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રના એક મધ્યમ શહેરમાં ઘરના મોભીનું મૃત્યુ થઈ ગયું. દીવાળીના દિવસો ત્યારે નિકટ હતા. શોકાતુર ઘરના સભ્યોએ એ વર્ષે ગીરીબોની ભક્તિ કરીને દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો. ઘરનો યુવાન સભ્ય અરુણ ત્રિવેદી. એણે પોતાની નોકરીના સ્થળે પોતાના મિત્રોને ભાવના જણાવી. મિત્રોને અરુણનો વિચાર ગમ્યો. સૌએ પોતાની શક્તિ અનુસાર આ સેવાકાર્યમાં રૂપિયા લખાવ્યા. રાહતલાવ, ભીમતલાવ, ઝાંખી, રાજપુર, માંગલપુર, ભાણગઢ વગેરે ધોલેરા તરફના ગામો પસંદ કરવામાં આવ્યા. સેવાકાર્યની આ સુગંધ જ્યાં જ્યાં પ્રસરી ત્યાંથી સુંદર સક્રિય પ્રતિભાવો આવવા લાગ્યા. કેટલાક લોકો અરુણને ધમકાવી ગયા કે 'કેમ અમને આ સેવાકાર્યમાં યાદ ન કર્યા ? અમારી પણ નાનકડી રકમ આ સેવામાં લેવી પડશે અને જો આવતા વર્ષે ન કહ્યું તો આનાથી ડબલ આપીને જઈશુું. યાદ રાખજો…' અપાયેલી એ નાનકડી રકમ (?) એક હજાર રૂપિયા જેટલી મોટી હતી. એક ટ્રેવલ્સ કંપનીનો માલિક મીઠાઈ લઈને જવા માટે પોતાને મેટાડોર ફ્રી આપીને ગયો. જલેબી-રસગુલ્લા-બરફી-બદામકતરી વગેરે અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી. મીઠાઈના બોક્ષ ખરીદવા માટે એક વ્યાપારીને ત્યાં મિત્રમંડળી પહોંચી. તો સેવાકાર્યની આ મહેંક વ્યાપારીને પણ સ્પર્શી ગઈ. એણે તમામ બોક્ષ ફ્રી આપ્યા.
બધી તૈયારીઓ થઈ ગઈ અને એક દિવસ અરુણ ત્રિવેદી એન્ડ કંપની પહોંચી ગઈ ધોલેરાના પૂર્વોક્ત ગામોમાં. ગરીબી અને ગામોમાં મન મૂકીને વરસી હતી. પણ ગામના લોકો સાત્વિક અને ખમીરવાળા હતા. એમ કહેવામાં આવ્યું કે આ પ્રભુનો પ્રસાદ વહેંચવા આવ્યા છીએ ત્યારે જ મીઠાઈને હાથ લગાવ્યો. એક ગામમાં અરુણે એક વૃદ્ધ માજીને પૂછયું : ''માજી! આ મીઠાઈનું નામ કહેશો!'' માજીએ બોક્સની અલગ અલગ મીઠાઈઓ જોઈને કહ્યું :- 'આ સફેદ જલેબી, આ પીળી-આ લાલ જલેલી…' કારણ માજીએ મીઠાઈમાં માત્ર જલેબીનું નામ સાંભળ્યું હતું, એ પણ વર્ષો પૂર્વે. અરુણે એમના મુખમાં એક રસગુલ્લું મૂક્યું અને માજી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. કારણ છેલ્લા પચાસ વર્ષોથી તેમણે મીઠાઈનો ટુકડો સુદ્ધાં ચાખ્યો ન હતો. મિત્રમંડળીની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ. ખુશીઓ વહેંચવાનો ત્યારે જે આનંદ તેમણે અનુભવ્યો તે અવર્ણનીય હતો. દીવાળીનો અવસર નજીક છે ત્યારે આપણે સહુ આ ઘટના વાંચીને જાતને એક જ સાવલ કરીએ કે 'આપણે પણ ઉજવીશું આવી દીવાળી ?'




