'કો જાગર્તિ? : શરદની શીતળ રાત્રે લક્ષ્મીજીની અમીદ્રષ્ટિ'

પ્રકૃતિ, પરમેશ્વર અને માનવ-આ ત્રણના દિવ્ય ત્રિવેણી સંગમથી પવિત્ર બનેલું પર્વ એટલે શરદપૂનમનું શુભ પર્વ છે. આસો માસની આ સોહામણી રાત્રિનું સૌંદર્યથી ભરપૂર દ્રશ્ય નિહાળતાં એવું લાગે છે કે જાણે સ્વયં સ્વર્ગનો અદ્ભૂત આનંદ આ ધરા પર છલકાય રહ્યો હોય ! કુદરતનું આ અનોખું તથા દિવ્ય દર્શન માનવના મનમાં અદ્ભૂત આનંદ પ્રગટાવે છે. આસો સુદ પૂર્ણિમાનો વૈભવ અનેરો છે, તેમાં પણ રાત્રિનું સૌંદર્ય, ગરિમા અને ગૌરવ અજોડ હોય છે. શરદપૂનમની દિવ્ય રાત્રિ આત્માને પરમાત્મા તરફ દોરી જાય છે, અને માનવજીવનને ધન્યતા અને પરમાનંદના દિવ્ય પ્રકાશથી પ્રજવલિત કરે છે. જીવનના આ આધ્યાત્મિક આનંદને માણવો એ એક અમૂલ્ય અવસર છે, પ્રકૃતિ, પરમેશ્વર અને માનવનો ત્રિવેણી સંગમને અર્થપૂર્ણ તથા હૃદયસ્પર્શી રીતે સમજશું તો આ દિવ્ય રાત્રિની ભવ્યતાનો શ્રેષ્ઠ રીતે અનુભવ કરી શકશું.
પ્રથમ 'પ્રકૃતિ'ના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો આ શરદ ઋતુમાં આકાશ નિરભ્ર તથા સ્વચ્છ હોય છે, અને ચંદ્ર સોળે કળાએ ખીલીને આ ધરા પર અમૃત જેવા શીતળ કિરણો પ્રસરાવે છે. સમગ્ર પૃથ્વી જાણે કે દૂધથી ન્હાઈ ઉઠી હોય એવું અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળે છે. આ શ્વેત સૌંદર્યએ મનની નિર્મળતા અને પવિત્રતાનું પ્રતીક છે. પૂનમની રાત્રિએ આપણું મન, વિચાર, ચિંતન અને મનન શુદ્ધ હશે તેટલુ સુખ, શાંતિ, આનંદ, સમૃદ્ધિ તથા દિવ્ય ચેતનાને વિશેષ પ્રાપ્ત કરી શકશું. શરદ પૂનમની રાત્રિએ ખરા અર્થમાં અંત:કરણની શુદ્ધિનું પ્રતીક છે. ચંદ્ર મનને સ્પર્શે છે. સોળે કળાએ ભવ્ય રીતે ખીલેલી રાત્રિ માનવના મનના અહંકારને અને અંતરના અજ્ઞાાનને દૂર કરીને મનને શુદ્ધ કરે છે. મનને સ્વસ્થ, શ્રેષ્ઠ અને નિર્મળ બનાવે છે, દ્રષ્ટિને સકારાત્મક તથા ભાવાત્મક બનાવે છે. જીવનમાં ભક્તિ તથા પવિત્રતા પ્રગટાવવા માટે શરદપૂર્ણિમાની આધ્યાત્મિક રાત્રિનો તથા તેની દુર્લભ ચેતનાનો અનુભવ જરૂરી છે. જે પરમ શાંતિ આપે છે. જીવનનું સાચું સુખ દિવ્ય સૌંદર્યને માણીને, તેમાં એકાકાર થઈ દિવ્યતાને પામવાનું છે. વ્રજના રાધાજીરૂપી આત્મા શ્રીકૃષ્ણ સ્વરૂપ પરમાત્મા સાથે ભળી ગયાં. આત્માએ પરમાત્મા પ્રતિગતિ કરવાની રાત્રિ એ શરદપૂર્ણિમાની પુનિત રાત્રિ છે.
બીજું 'પરમેશ્વર'ના સંદર્ભમાં વિચારીએ તો આ શરદપૂર્ણિમાની રાત્રિ એ અનોખી રાત્રિ છે. આધ્યાત્મિક તત્વો તથા મૂલ્યોથી તરબતર અને નભમાંથી અમૂલ્ય અમૃત વરસાવતી અનેરી તથા શ્વેત રાત્રિ છે. આ પુનિત રાત્રિના શુભ અવસરે ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે વૃંદાવનમાં મહારાસ રચ્યો હતો. આ રાસ એ જીવાત્મા એટલે માનવ (જીવ) અને પરમાત્મા એટલે પરમેશ્વરના મિલનનું પ્રતીક છે. શરદપૂનમની પવિત્ર રાત્રિએ માતા લક્ષ્મીજી આ ધરા ઉપર ભ્રમણ કરે છે. તેવું માનવામાં આવે છે. આ પૂનમને 'કોજાગરી પૂર્ણિમા' તરીકે પણ ઓળખવામાં આવે છે. 'કોજાગરી' એટલે 'કો જાર્ગતિ ?' એટલે 'કોણ જાગે છે ? અહીં જાગવું એટલે અજ્ઞાાન, અહંકાર, પ્રમાદ જેવા વિકારોથી મુક્ત બની શુદ્ધ થવાની વાત છે, શરદરાત્રિના આકાશમાં ભ્રમણ કરતાં મા લક્ષ્મીજી આશીર્વાદનું અમૃત વરસાવતાં હોય છે. ભાવિક તથા શુદ્ધ હૃદયવાળા ભક્તો દૈવી ઉર્જા ઝીલી શકે છે, અને ધન, ધાન્ય, સુખવૈભવનો દિવ્ય ખજાનાના સહભાગી થાય છે. બહારના સૌંદર્યને માણવાથી સાથે આંતરજાગૃતિનો આ મહોત્સવ છે. માનવે મોહનિદ્રા ત્યજીને પ્રભૂપ્રેમ માટે જાગૃત થવાનું છે.
ત્રીજું, માનવ પરત્વે વિચારીએ તો દૂધ-પૌંઆ અને રાસની રમઝટ સ્મૃતિ ઉપર અંકિત થાય છે. શરદ પૂર્ણિમાની દિવ્ય રાત્રિએ અગાશીમાં ખુલ્લા આકાશ નીચે રાખેલા દૂધ-પૌઆ અને એમાં પડેલાં ચંદ્રના કિરણોનું અમૂલ્ય અમૃતથી તરબતર એ મહાપ્રસાદ આરોગતાં આપણાં તન અને મનમાં નૂતન તાજગી, સકારાત્મક ઉર્જા પ્રગટે છે.
ચંદ્ર દેવના એ અમૃતમાં ઔષધીય ગુણોથી ભરપૂર પ્રસાદ મનને પ્રશાંત કરે છે. દિવ્ય શાતા તથા શાંતિ આપે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. તેથી દૂધ-પૌંઆમાં અમૃત ભળતાં અને તે પ્રસાદ લેવાથી આંખ ઠંડક અનુભવે છે, મન સ્વસ્થ તથા સ્થિર બને છે, તન તંદુરસ્ત બને છે તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરનો પિત્ત-દોષ કે પ્રકોપ શમે છે.
આ છે પ્રકૃતિ, પરમેશ્વર અને માનવ'નો પવિત્ર ત્રિવેણી સંગમ- આ શુભ તથા પાવક દિવસે માનવઆત્મા પ્રકૃતિ-પરમેશ્વર સાથે પ્રેમથી જોડાય છે.
'શરદપૂર્ણિમાની દિવ્ય રાતડી,
સોળે કળાએ ખીલ્યો ચંદ્ર,
હૈયે રણકે સુમધુર બંસરીસૂર,
ને તૂટયા છે ભવના બંધ.'
ચાંદનીના આ પાલક પ્રવાહમાં અજ્ઞાાનના અંધકારને વહાવી શુદ્ધ થઈએ અને પ્રેમ, પ્રજ્ઞાા, કરુણા, સંવાદિતા અને એકતાના દીપને હૃદયમાં પ્રગટાવીએ.




