Dharmlok

વર્ષોથી સ્વપ્નાં ઉતારીએ, પણ એના અનેક ગર્ભિત આધ્યાત્મિક અર્થોની કશી ખબર હોતી નથી !

By GS Team
9 Sep 20266 mins read
વર્ષોથી સ્વપ્નાં ઉતારીએ, પણ એના અનેક ગર્ભિત આધ્યાત્મિક અર્થોની કશી ખબર હોતી નથી !
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

શ્રી મહાવીર જન્મકલ્યાણકનો દિવસ એટલે કે ૧૨ મી સપ્ટેમ્બર નજીક આવી રહી છે. આમ તો ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક દર વર્ષે ચૈત્ર સુદ તેરસે ઉજવવામાં આવે છે. પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મવાચનનો પાંચમો દિવસ પ્રભુના જન્મદિવસ જેટલો જ સહુને પ્રિય, ઉલ્લાસભર્યો અને પ્રસન્નતાસભર લાગે છે.
માતા ત્રિશલાને આવેલાં ચૌદ સ્વપ્નો ઉતારવામાં આવે છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે સ્વપ્નની બોલી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કિંતુ એનો તાત્પર્યાર્થ કે ગૂઢાર્થ પામતા નથી. જરા સિંહ અને લક્ષ્મીજીના બે સ્વપ્નની તમને વાત કહું તો જેનાથી તમને ખ્યાલ આવે કે આ સ્વપ્નોની ભીતરમાં જઈએ તો કેવી ભવ્ય ભાવનાઓ નિહિત હોય છે.
'કલ્પસૂત્ર'માં માતા ત્રિશલા, હાથી ઋષભ અને એ પછી ત્રીજા સ્વપ્ન રૂપે સિંહ જુએ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિંહના સ્વપ્નના બાર બાર જેટલા આધ્યાત્મિક અર્થો છે. જે સમાજ સદંતર ભૂલી ચૂક્યો છે.
'કલ્પસૂત્ર'માં માતા ત્રિશલા, હાથી ઋષભ અને એ પછી ત્રીજા સ્વપ્ન રૂપે સિંહ જુએ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિંહના સ્વપ્નના બાર બાર જેટલા આધ્યાત્મિક અર્થો છે. જે સમાજ સદંતર ભૂલી ચૂક્યો છે.
'કલ્પસૂત્ર'માં સિંહનું આવું વર્ણન મળે છે. ક્ષીરસાગર જેવો સફેદ, તીક્ષ્ણ દાઢવાળો, હૃષ્ટપુષ્ટ હોઠવાળો, લાલ કમળ જેવાં તાળવાવાળો, લબલબતી મોટી જીભવાળો, ચકળવકળ થતી આંખોવાળો, વિશાળ સાથળવાળો, લાંબી કેશવાળીવાળો, સૌમ્ય દેખાવવાળો અને તીક્ષ્ણ નખ વાળો સિંહ જુએ છે. આ વર્ણનમાં જ સ્વપ્નના પ્રથમ અર્થરૂપે ભગવાન મહાવીરની સૌમ્યતા અને નિર્ભયતા પ્રગટ થાય છે.
સિંહના સ્વપ્નનો બીજો અર્થ તે પૂર્વબોધ છે. ત્રિશલા માતાના ઉદરમાં ઉછરી રહેલો બાળક તેજસ્વી અને પરાક્રમી મહાપુરુષ થશે, એવો સંકેત આ સ્વપ્ન પૂરું પાડે છે. એનો ત્રીજો અર્થ એ છે કે આવું સ્વપ્ન આવવું તે માતાના પવિત્ર જીવનનું પ્રતિબિંબ છે. જેવું જીવન જીવાતું હોય, એવું સ્વપ્ન આવે ! એનો ચોથો અર્થ એ છે કે આ સ્વપ્ન ભગવાન મહાવીરે પૂર્વભવમાં કરેલી પ્રબળ સાધના સૂચવે છે, તો વળી પાંચમા અર્થ સાથે કર્મ અને પુનર્જન્મનો તંતુ જોડાયેલો છે. એ દર્શાવે છે કે ભૂતકાળમાં પુરુષાર્થનાં વાવેલાં બીજ અંકુરિત થઈને, પાંગરીને અને વિકસીને, હવે ભવિષ્યમાં સર્વોત્તમ ફળ મળવાનું છે.
એનો છઠ્ઠો અર્થ તો જુઓ ! જેમ સિંહ કામ જેવા વિકારરૂપ ઉન્મત્ત હાથીઓનો નાશ કરે છે અને ભવ્ય જીવરૂપ વનનું સંરક્ષણ કરે છે, એ ગુણ ત્રણે લોકને પ્રકાશિત કરનાર માતા ત્રિશલા તારા પુત્રમાં છે. સિંહના સ્વપ્નનો સાતમો અર્થ એ છે કે તારા ઉદરમાં ઉછરી રહેલો બાળક નિડરતા, વીરતા અને ઉદારતામાં એક અને અજોડ બની રહેશે.
એનો આઠમો અર્થ એ છે કે સિંહ સમગ્રતયા માંગલિક ભાવોનો પ્રતિનિધિ છે અને આવનારો ત્રિશલાનો પુત્ર સર્વત્ર મંગલભાવના પ્રસરાવસે. એના નવમાં અર્થનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે સિંહ એ વનમાં વસે છે અને વનથી પર્યાવરણની જાળવણી થાય છે. વન સાથે તીર્થકરોને ગાઢ સબંધ રહ્યો છે. ભગવાન ઋષભદેવ નગરમાંથી વનમાં ગયા. પાલીતાણાના રાયણવૃક્ષ નીચેથી ઉપદેશ આપ્યો. પ્રત્યેક તીર્થકરોએ વનમાં સાધના કરી અને ચૈત્યવૃક્ષ નીચે કેવળજ્ઞાાન પ્રાપ્ત કર્યું એટલે સિંહના સ્વપ્નનો સબંધ ભગવાન મહાવીરના સાડા બાર વર્ષના જંગલમાં પસાર થનારા સાધનાકાળ સાથે જોડી આપે છે.
આનો નવમો અર્થ એ છે કે ત્રીજા ગુણસ્થાનથી ઉપર પણ જવાય અને પતન પણ થાય. જેમ સિંહ ઊંચે છલાંગ મારે છે, તેમ આવનારો રાજકુમાર અધ્યાત્મની ઊંચાઈએ છલાંગ લગાવીને. મુનિઓમાં શ્રેષ્ઠ બનશે. દસમો અર્થ એ છે કે સિંહ જેમ પોતાના સામ્રાજ્યમાં મુક્તપણે વિહરે છે, એ જ રીતે મહાવીર ત્રણે લોકના અધ્યાત્મના સામ્રાજ્યમાં વિહરશે.
અગિયારમો અર્થ એ છે કે સિંહ જેમ વનમાં સર્વોત્કૃષ્ટ હોય છે, એ જ રીતે બાળક વર્ધમાન શ્રમણોમાં શ્રેષ્ઠ બનશે. માતા ત્રિશલાને આવેલા સ્વપ્નોના ક્રમની પાછળ એક પ્રાથમિક અવસ્થાથી સર્વોત્તમ અવસ્થા સુધી પહોંચવાનો માર્ગ જોવા મળે છે. જીવની અનાદિકાળથી ચાલી આવતી મિથ્યાત્વ અવસ્થાથી શરૂ કરીને અંતિમ અવસ્થા સુધીની યાત્રાનો એમાં પ્રેરક અને ભાવવાહી આલેખ મળે છે. બારમો અર્થ એ છે કે સિંહ જેમ સમગ્ર વન પર પ્રભુત્વ જમાવે છે, એ જ રીતે આવનારો બાળક કાં તો પૃથ્વી પર પ્રભુત્વધારી ચક્રવર્તી રાજા થશે અથવા તો ધર્મચક્રનું પ્રવર્તન કરનાર ચક્રવર્તી જિનેશ્વર થશે.
એ જ રીતે માતા ત્રિશલાને આવેલા ચોથા સ્વપ્નમાં એમણે દૈદિપ્યમાન કાંતિવાળા, મનોહર લોચનવાળા લક્ષ્મીનું સ્વપ્ન જોયું. સામાન્ય માન્યતા એવી છે કે આ સ્વપ્નની બોલી ઉતારનાર વધુ લક્ષ્મીવાન કે ધનવાન બને છે અને એટલે આની બોલીમાં ઘણી મોટી રકમ બોલાતી હોય છે, પણ હકીકતમાં તો લક્ષ્મીનું આ સ્વપ્ન એ વાર્ષિક દાન આપીને તીર્થકરપદના અપાર ઐશ્ચર્યનો ઉપભોગ કરનાર પુત્ર જન્મશે એવું સૂચન કરે છે અર્થાત્ ધનત્યાગ અને મોક્ષલક્ષિતાનું લક્ષ્ય દર્શાવે છે. લક્ષ્મી એ સ્વયં માંગલિક છે. બધા મંગલભાવોમાં લક્ષ્મીને પહેલી સ્થાપવામાં આવે છે. પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં એની આકાંક્ષા અને અપેક્ષા રાખતો હોય છે અને તેને આધારે જીવનલક્ષ તરફ ગતિ કરતો હોય છે. આથી અહીં લક્ષ્મીના સ્વપ્નનો અર્થ ધનપ્રાપ્તિ નહીં, બલ્કે અહીં સર્વોચ્ચ લક્ષની ઉપલબ્ધિનો સંકેત કરે છે. મિથ્યાત્વથી છૂટવું અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું એ સહુથી મોટી લક્ષ્મી અથવા અપાર સંપત્તિ છે. જેમ લક્ષ્મી પ્રાપ્ત થયા પછી મનુષ્ય શક્તિશાળી બને છે, તેમ સમ્યકદર્શનરૂપી લક્ષ્મી પ્રાપ્ત થયા પછી આત્મા અત્યંત શક્તિવાન બને છે.
ચોથા ગુણસ્થાને જીવને સમકિતની પ્રાપ્તિ છે, પણ હજુ અપ્રત્યાખ્યાની કષાયનો ઉદય છે એટલે કોઈ વ્રત-પચ્ચખ્ખાણ કરી શક્તો નથી. અહીં પુરુષાર્થનો અભાવ કે એની મંદતા હોય છે. લક્ષ્મી જેમ ચંચળ છે તેમ આ ગુણસ્થાનકમાં પણ અસ્થિરતા છે. એટલે જીવ ચોથા ગુણસ્થાનેથી તે ઘણીવાર નીચે પડે છે અને પાછો આવે છે. કોઈ દુર્લભ યોગની પ્રાપ્તિથી જીવ પુરુષાર્થ આદરે છે અને વ્રત-પચ્ચખ્ખાણમાં પ્રવૃત્ત થાય છે અને આગળ વધે છે.
આમ આ ચોથું સ્વપ્ન તે આત્માને સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત કરવાનું સૂચન કરે છે. માતા ત્રિશલાને આવેલાં સ્વપ્નો એ તો પ્રતીક છે, પરંતુ એ પ્રતીકની ભીતરમાં જાવ તો પ્રત્યેક સ્વપ્નનો વ્યવહારિક, તાત્વિક અને જીવનલક્ષી અર્થ થઈ શકે છે. પરમ દાર્શનિક શ્રી જયંતમુનિજીએ તો એનો રાજકીય અને સામાજિક અર્થ પણ પ્રકાશિત કરી આપ્યો છે. આથી આજે જ્યારે સ્વપ્નો ઉતરતાં હોય, ત્યારે એ પ્રત્યેક સ્વપ્નના સંકેતને સમજવાની જરૂર છે અને જેમ જેમ એક એક સંકેત સમજાશે તેમ તેમ ભગવાન મહાવીરનું ભવ્ય ચરિત્ર આપણી સમક્ષ ઉદ્ઘાટિત થશે અને કુલ ચૌદ સ્વપ્નોનું સમુદિત ફળ ચૌદ રાજલોકના અગ્ર ભાગ ઉપર એટલે કે મોક્ષમાં સિદ્ધ શિલા પર બિરાજમાન થશે. આમ, જે ચૌદ સ્વપ્નો ત્રિશલા રાણીએ સ્પષ્ટ રીતે જોયાં, તે સૂચવે છે કે તમારો પુત્ર તીર્થકર થશે. પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે ય્જી્ફ પરથી સમગ્ર પર્યુષણ દરમિયાન સવારે ૯ વાગે 'આપણી સળગતી સમસ્યાઓ અને પ્રભુ મહાવીરની આગમવાણી' શીર્ષક હેઠળ ભય, ક્રોધ, તૃષ્ણા વગેરેમાંથી કઈ રીતે મુક્ત થવાય તે વિશે પ્રભુ મહાવીરે આપેલું માર્ગદર્શન રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જિનભક્તિના કોઈ એક સ્તોત્ર પર ઓનલાઈન ઇન્સિટટયૂટ ઓફ જૈનોલોજીની યુટયુબ ચેનલ અને ફેસબુક પર પ્રસ્તુત થશે. રાણી ત્રિશલાને આવેલા પ્રથમ ત્રણ સ્વપ્નમાં પ્રાણી દેખાય છે. એ પ્રાણી વનમાં વસતા હોય છે, તેથી ભવોભવના સંસાર પરિભ્રમણનું પ્રતીક ગણાય છે અને એ રીતે ભવભ્રમણ કરાવતા મિથ્યાત્વના ઘોર જંગલમાંથી બહાર કાઢવાનું સૂચન મળે છે. આમ આ પ્રત્યેક શુભ સ્વપ્ન એ એક અર્થમાં ગહન, આધ્યાત્મિક સંકેતોના આલેખનની સાથે તીર્થકર પ્રભુ મહાવીરના ભવ્ય ચરિત્રની છબી આપણા ચિત્તમાં ઉભી કરે છે. હવે સ્વપ્નો ઉતારતી વખતે એના મહત્ત્વના આધ્યાત્મિક અર્થનો ગંભીરપણે વિચાર કરશો.