For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આપણે, પોતાને જ સહાય કરીએ છીએ... 'જગતને' નહીં

Updated: Jun 23rd, 2021

Article Content Image

- બીજાનું ભલુ કરવું એ આપણા એક ઊંચા પ્રકારનું પ્રેરક બળ છે. સતત શુધ્ધ કર્મ-શુભ કાર્ય કરવું કારણ કે તે આપણા માટે આશિર્વાદ બને છે. મેં અન્યને સહાય કરી છે - એવું અભિમાન થવું ન જોઈએ

બી જા પ્રત્યેનું આપણું કર્તવ્ય એટલે બીજાને સહાય કરવી. જગતનું ભલું કરવું. ખરેખર તો આ બધું આપણા કલ્યાણ માટે જ છે.

સંસાર-જગતમાં અન્યને સહાય કરનારાઓની જોરશોરથી જાહેરાતો થાય છે. તકતીઓ અને પૂતળાં મૂકાય છે. પાનાં ભરીને જીવનકથાઓ લખાય છે. સન્માનપત્રો ફૂલહાર અને જયનાદો જોવા મળે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વ્યક્તિગત રીતે, સંસ્થારૂપે, રાજકીય પક્ષ તરીકે જગતને સહાય કરનારાઓ સહાય આપ્યા પછી બદલામાં લાભાર્થીઓ પાસેથી ઘણું ઘણું માગે છે. શરણાર્થીઓને સહાય કરી, તેમને તુચ્છ ગણીને પોતાને દાનવીર-ઉદ્ધારક ગણાવે છે.

તત્ત્વજ્ઞાાનીઓ... મહાત્માઓ... ચિંતકો... સાચા સેવાધર્મીઓ કહે છે, ઊંડાણથી વિચાર કરીએ તો જગતને આપણી સહાયની જરૂર નથી. આપણે મદદ કરીએ એટલા માટે જગત સર્જાયું નથી. સમગ્ર જગત ઘણું સારું છે. કેમ કે, બીજાંને સહાય કરવાનો સમય અને તક આપે છે. જગતને સહાય કરવાથી આપણને નૈતિક તાલિમ મળે છે. જગત પોતે સંપૂર્ણ છે. સંપૂર્ણ એટલે કે, પોતાની જરૂરિયાતો પહોંચી વળવા માટે, પૂરેપૂરું સમર્થ છે... સક્ષમ છે.

બીજાનું ભલુ કરવું એ આપણા એક ઊંચા પ્રકારનું પ્રેરક બળ છે. સતત શુધ્ધ કર્મ-શુભ કાર્ય કરવું કારણ કે તે આપણા માટે આશિર્વાદ બને છે. મેં અન્યને સહાય કરી છે - એવું અભિમાન થવું ન જોઈએ. સહાય મેળવનારને હલકો ગણાય નહિ. તેની પાસેથી બદલાની જરા પણ ઈચ્છા ન રખાય. જે આપણી પાસેથી સહાય લે છે તે આપણા ઉપર ઉપકાર કરે છે. તેવું હૃદયપૂર્વક માનવું જોઈએ. આપણે સહાય નહિ કરીએ તો, જગત અટકી જવાનું નથી. આપણી સહાય વિના પણ તે જીવંત રહી વધ્યા કરશે.

આપણે સહાય કરનારને સમજવું જોઈએ કે આપણે જગતના ઋણી છીએ. 'દેણદાર' છીએ. જગત માટે કંઈક કરી છૂટવાની તક આપણને મળી છે તે માટે હૃદયમાં નમ્ર ભાવે આભારની લાગણી ઊભી થવી જોઈએ.

આ જગતમાં ઈશ્વર છે. તેનાથી જ આખું જગત ચાલી રહ્યું છે. તે આપણી સહાય માગતું નથી. આ વિશ્વમાં ઈશ્વર હાજરાહજૂર છે. સતત કાર્યશીલ અને સદા જાગૃત છે.

સહાય કરતી વખતે ધિક્કારથી જોવાની જરૂર નથી. નબળાંથી આપણે ચઢિયાતા છીએ એવું પણ માનવાની જરૂર નથી. તેમના પ્રત્યે આદરભાવ જરૂર છે. તેમના પ્રત્યે ભેદભાવ વિનાનો પ્રેમભાવ રાખવો જોઈએ.

જગત મોટી નૈતિક વ્યાયામ શાળા છે. આ નૈતિક વ્યાયામ શાળામાં વ્યાયામ કરી, આધ્યાત્મિક રીતે આપણે વધુ સબળ બનીએ. આપણે મોટાઈ-અભિમાન-માનપાન છોડી 'સ્વસ્થ' બની, જ્ઞાાનતંતુઓને શાંત બનાવી જગતમાં પ્રેમ વહાવીશું તો જીવન ધન્ય બનશે.

પૈસાને પાકીટમાં રાખી શકાય, ઝવેરાતને તિજોરીમાં રાખી શકાય. ઘઉં કોઠારમાં રાખી શકાય, પેંડાને બોક્સમાં રાખી શકાય પણ માનવી કોઈનાયે દિલમાં ન વસે તો શું કહેવાય?

'સમર્પો કિંતુ, બદલામાં કંઈ ન ચાહો,

સહુભૂતો કેરો સુહૃદ, બસ 'પ્રેમ' છે... સમજો.

- લાભુભાઈ ર. પંડયા

Gujarat