આજની કથા : શિવતત્વ અને આરાધનાનો દિવ્ય મહોત્સવ

- વિદાય લઈ રહેલો શિવમય શ્રાવણ માસ
પ્રકૃતિ અને શિવતત્વનું અદ્ભૂત મિલન એટલે શ્રાવણની દિવ્ય સૌરભ. પવિત્ર શ્રાવણ માસ પ્રકૃતિ તથા પરમાત્માના મિલનનો મહોત્સવ છે. એક તરફ આભમાંથી વરસતી અમૃતધારા તથા હરિયાળી ધરતીનું સૌંદર્યશીલ દ્રશ્ય અને બીજી તરફ શિવાલયોમાંથી રણકતો ઘંટારવ તથા 'હર હર મહાદેવ' ના દિવ્ય નાદ સાથે ભળે છે ત્યારે સમગ્ર વાતારણ શિવમય બની જાય છે. ઝરમર વરસતો મેઘ ધરાને ભીંજવે છે, જ્યારે શિવભક્તિની આત્મિક ચેતના આત્માને ભીંજવે છે, આત્મદેહ ભીંજાય છે. હૈયામાં ઝંકૃત થયેલી શિવભક્તિ પવિત્ર શ્રાવણ માસનું અનેરું નજરાણું છે. વાતારણમાં રહેલી અનેરી પવિત્રતા તથા પારમાર્થિક સૌરભ વ્યક્તિની ભક્તિ તથા શ્રદ્ધાને દૃઢ કરી આત્માને પરમાત્મા સાથે જોડવાનો દિવ્ય સેતુઓ રચે છે. જીવ શિવ પ્રતિ ગતિ કરે છે.
દેવોના દેવ મહાદેવ ભોળાનાથ છે, આશુતોષ છે, જલદી પ્રસન્ન થનાર દેવ છે, ક્ષમાસાગર છે, જે આદિ છે, અનાદિ છે, અનંત છે, જે કાળના પણ મહાકાળ છે, જે વૈરાગી છે, કરુણાના સાગર છે, કૃપાળુ તથા કલ્યાણકારી છે અને ભક્તોના રક્ષક છે. શ્રાવણમાસમાં શિવનું શરણ, તેનું હૃદયથી સ્મરણ, તેમની સાધના, આરાધના, ઉપાસના અને પૂજા આત્માનું કલ્યાણ કરે છે. આ શ્રાવણ માસનો દિવ્ય ભવ્ય શિવોત્સવ છે, અને શિવમય શ્રાવણની અલૌકિક તથા આધ્યામિક યાત્રા છે. શિવની ભાવથી કરેલી આરાધના, રૂદ્રાભિષેક, અને મંત્રોચ્ચાર આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે, મન કૈલાસ જેવું પવિત્ર અને અડોલ બને છે. આપણી વાણીમાં ગંગા જેવો નિર્મળ પ્રવાહ વહે છે. જીવનના તમામ નકારાત્મક વિચારો, આંતરિક વિકૃતિઓનો લય કરે છે.
શિવતત્વનો મહિમા, તેમની ગાથા, તેમના શસ્ત્રો, આયુધો, પ્રતીકો, પ્રિય વસ્તુઓ તથા સામગ્રીઓની ગરિમા જાળવીને તેમની પૂજા એકનિષ્ઠ ભાવે કરવાથી અનંત ફળ મળે છે. ઉપવાસ, જપ, તપથી ભક્તોનું મન શુદ્ધ બને છે અને તન તંદુરસ્ત બને છે, તણાવનો વિલય થાય છે મહાદેવના પ્રિય સ્થાનોમાં હિમાલયમાં આવેલ કૈલાસ પર્વત, સ્મશાન ભૂમિ જે વૈરાગ્ય તથા મોક્ષનું પ્રતીક છે, બાર જ્યોતિર્િંલગો વગેરેનું માનસિક ચિંતન આત્માને પરમાત્મા તરફ લઈ જાય છે અને આત્મામાં શિવતત્વની દિવ્ય સૌરભ પ્રસરાવે છે. શિવજીને ભસ્મ કે વિભૂતિ અતિ પ્રિય છે, ભસ્મ વિભૂષિત ગંગાધર છે. શિવ પંચાક્ષર સ્ત્રોત્રના પ્રથમ શ્લોકમાં કહેવાયું છે કે :- ''નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય,
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ'ન' કરાય નમ:શિવાય.''
શિવજીએ સર્પોના રાજા વાસુકિ નાગને હાર તરીકે ધારણ કરેલ છે ''જેમને ત્રણ નેત્રો છે, અંગ પર ભસ્મ લગાડેલી છે, જે મહેશ્વર છે, જે નિત્ય અને પવિત્ર છે, તથા દિગંબર છે અવા 'ન' કાર રૂપ શિવજીને હું નમસ્કાર કરું છું.'' આ શિવતત્વની દિવ્ય સૌરભ છે.
શ્રાવણ માસમાં મહાદેવ ધરા પર નિવાસ કરે છે. તેથી એમનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો શંખનાદ પવિત્ર તથા દિવ્યતા નિષ્પન્ન કરી આત્મિક આનંદ આપે છે. શિવભક્તિથી દિલ શિવાલય બને છે, ધબકારમાં 'ઁકાર 'નું રટણ થાય છે, ચોમેર ભલેને પાનખર હોય, પરંતુ મનમાં તો વસંત ખીલી ઊઠે છે, ભીતરના દોષોને દૂર કરીને સદ્ગુણો પ્રગટાવીએ એ જ સાચી શિવભક્તિ. 'હર હર મહાદેવ'
- દિનેશ એલ. જોષીપુરા




