Dharmlok

અષ્ટછાપ કવિ ગોવિંદ સ્વામીની અદ્ભુત સખ્યભક્તિ

By GS Team
28 Oct 20263 mins read
અષ્ટછાપ કવિ ગોવિંદ સ્વામીની અદ્ભુત સખ્યભક્તિ
  • વિચાર-વીથિકા- દેવેશ મહેતા

'ખેલત રસ રાસ રસિક રાધિકા ગુપાલ લાલ
વ્રજ વનિતા મંડલ મધિ
દંપતિ સુખકારી ।
નાચત ગતિ સુધંગ ચાલિ
હસ્તક ગહે ભેદ લિએ
તાલ મૃદંગ ઝાંઝ બજાવત
બાંસુરી રસારી ।।
તત તત તત થેઈ થેઈ કહિ
ગાવત કેદારો રાગ
જમુના પુલિન સરદ રૈનિ
નટવર મન હરન મૈંન,
ગિરિવરધર છવિ નિહારિ
ગોવિંદ બલિહારી ।।'
રસના રસિક શ્રીકૃષ્ણ અને રાધિકા રાણી વ્રજની ગોપીઓના સમૂહની વચ્ચે આનંદપૂર્વક રાસલીલા ખેલી રહ્યા છે. આ દિવ્ય યુગલ બધાને સુખ પ્રદાન કરનારું છે. રાધા-કૃષ્ણ સુંદર લય અને મનોહર ચાલથી નૃત્ય કરી રહ્યા છે. એમના હાથની મુદ્રાઓ અને નૃત્યની વિવિધ ગતિઓ અત્યંત આકર્ષક છે. ચારે તરફ મૃદંગ અને ઝાંઝ તાલ આપી રહ્યા છે અને વાંસળીનો મધુર ધ્વનિ વાતાવરણને આનંદમય બનાવી રહ્યો છે. નૃત્યની સાથે તત્-તત્-તત, થેઈ થેઈ જેવા બોલ ગૂંજી રહ્યા છે અને કેદાર રાગ ગવાઈ રહ્યો છે. રાધા-કૃષ્ણ પ્રેમપૂર્વક ક્રીડા કરી રહ્યા છે. જેનાથી અત્યંત ગહન પ્રેમ અને આનંદ રસની ઉત્પત્તિ થઈ રહી છે. શરદઋતુની ચાંદની રાતમાં યમુનાના તટ પર મનમોહક નટવર શ્રીકૃષ્ણ પોતાના અનુપમ સ્વરૂપથી બધાનું મન મોહી રહ્યા છે. ગોવર્ધન પર્વતને ધારણ કરનારા શ્રીકૃષ્ણના આ અદ્ભુત અને મનોહર રૂપને જોઈને કવિ ગોવિંદસ્વામી (ગોવિંદદાસ) એમના પર ન્યોછાવર થઈ જાય છે.'
ગોવિંદ સ્વામીનો જન્મ વ્રજ પાસે આંતરી નામના ગામમાં સંવત ૧૫૬૨ (ઇ.સ.૧૫૦૫)માં થયો હતો. બાળપણથી જ તેમનામાં વૈરાગ્ય અને ભક્તિના અંકુર ફૂટયા હતા. થોડો સમય ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી તેમણે ઘર છોડી દીધું હતું. અને વૈરાગ્ય લઈ લીધો હતો. મહાવનમાં જઈને ભગવાનના ભજન અને કીર્તન કરવા લાગ્યા હતા. ગોવિંદસ્વામી ગાન વિદ્યાના આચાર્ય હતા. તેમને કાવ્ય અને સંગીત બન્નેનું પૂર્ણપણે જ્ઞાન હતું. શ્રીગુસાંઈજી વિઠ્ઠલનાથજી એમની ભક્તિ નિષ્ઠા અને સંગીત માધુરીથી પરિચિત હતા. ગોવિંદસ્વામીએ ગોકુળ આવીને ગુસાંઈજી પાસેથી બ્રહ્મસંબધ લીધા. પછી તે ગોવિંદસ્વામી માંથી ગોવિંદદાસ થઈ ગયા. ગોવર્ધનની પાસે કદંબ વૃક્ષોની એક મનોહર વાટિકામાં તે રહેવા લાગ્યા હતા. તે સ્થાન 'ગોવિંદદાસ કી કદંબખડી' નામથી પ્રસિદ્ધ છે. ગુસાઈજી વિઠ્ઠલનાથજીએ એમને કવીશ્વરનું બિરુદ આપી સમલંકૃત કર્યા હતા અને 'અષ્ટછાપ' કવિઓમાં સમાવિષ્ટ કર્યા હતા. સંગીત સમ્રાટ તાનસેન પણ એમની સંગીત માધુરીનું આસ્વાદન કરવા ઘણીવાર આવતા હતા.
ગોવિંદસ્વામી ભગવાન શ્રીકૃષ્ણની સખ્ય ભાવથી ભક્તિ કરતા એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના સખા (મિત્ર) માનીને એમની ભક્તિ કરતા. ભગવાન પણ ગોવિંદસ્વામી એમના અંતરંગ સખા છે એવો અનુભવ કરાવતા. શ્રીનાથજી પ્રભુ સ્વયં સાક્ષાત્ પ્રગટ થઈ એમની સાથે ખેલતા અને બાળલીલાઓ કરતા. એકવાર શ્રી ગુસાંઈજી શ્રીનાથજીનો શૃંગાર (શણગાર) કરતા હતા ત્યારે ગોવિંદસ્વામી જગમોહનમાં કીર્તન કરતા હતા. તે વખતે શ્રી નાથજીએ ટીખળી મિત્રો કરે એમ ગોવિંદસ્વામીને થોડી થોડી વારના અંતરે આઠ કાંકરી મારી. એ પછી ગોવિંદસ્વામીથી રહેવાયું નહીં. એમણે પણ એક કાંકરી ઉઠાવી શ્રીનાથજીને મારી, શ્રીનાથજી કાંકરી મારતા ત્યારે એવી સિફ્તપૂર્વક મારતા કે ગુસાંઈજીનું ધ્યાન ના જાય. પરંતુ ગોવિંદ સ્વામીએ શ્રીનાથજીને કાંકરી મારી તે ગુસાંઈજી જોઈ ગયા. તેમણે ગોવિંદ સ્વામીને ઠપકો આપતા કહ્યું- 'અરે ! ગોવિંદ દાસ આ શું કર્યું ? શ્રીનાથજી ભગવાનને કાંકરી મારી ? ' તેના જવાબમાં ગોવિંદદાસ સહજ રીતે બોલી ઉઠયા- 'શ્રીનાથજીએ મને એક-બે વાર નહીં, આઠ વાર કાંકરી મારી ત્યારે તમે કશું બોલ્યા નહીં, અને મેં એકવાર કાંકરી મારી તો મને કહો છો !' આ સાંભળીને શ્રીગુસાંઈજી નિરુત્તર થઈ ગયા અને મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. તેમણે ગોવિંદસ્વામીના ભાગ્યની પ્રશંસા કરી અને કહ્યું- 'ધન્ય છે ગોવિંદદાસ તમને કેમકે ભગવાન શ્રીનાથજી તમારી સાથે આ રીતે બાળભાવથી ખેલે છે.