હું કાંઈ નથી એવા અંતરના ભાવથી પરમ સત્ય મળે

બાળક જેવા નિર્દોષ નિર્લેપ સ્વભાવવાળા બન્યા વિના પરમતત્વ પરમાત્માના રાજ્યમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. અહંકારી અને દંભી લોકોને તો કોઈ સ્થાન જ નથી
આ સૃષ્ટિમાં જેમણે પણ આંતર સાધના કરી, પરમ શુદ્ધતા પ્રાપ્ત કરી છે, તેવાં મહામાનવોએ સત્યની અનુભૂતિ કરેલ છે.
આવી અનુભૂતિ અને તેમાંથી નિપજતી અભિવ્યક્તિ દ્વારા આવા સત્ય સ્વરૂપ ઉપદેશકોએ આધ્યાત્મિક જીવન જીવવા માટે બાહ્ય ગરીબીને આવશ્યક ગણી જ નથી, એટલે કે આંતરિક રીતે પ્રેમ સ્વરૂપા અને સમર્પિત સ્વરૂપા ભક્તિ કરનાર કે આ રીતે આવા ભાવથી કોઈપણ આધ્યાત્મિક સાધના કરનાર ગરીબ પણ હોય શકે અને તવંગર પણ હોય શકે.
માનવ જીવનમાં સત્યના સાધક માટે જરૂર છે, આંતરિક સત્ય સાથેની આધ્યાત્મિક ઋજુતાની, હૃદયની વિનમ્રતાની, લઘુતાની, વિનમ્ર બનવાની દૃઢ ઈચ્છાશક્તિ તેનું અમલીકરણ અને મનનું સંપૂર્ણ સંતુલન સમતા અને સત્ય સ્વરૂપતા એ જ પરમતત્વ પરમાત્મામાં આરોહણ કરવાનું રહસ્ય છે.
જીવનમાં માત્ર સારા સત્ય સ્વરૂપ હોવાનો દેખાડો કરતા હો આમ તમારું સમગ્ર જીવન આંટીઘૂટીવાળું હોય, અંદરથી અસત્ય રૂપ હો બહાર સત્ય સ્વરૂપનો માત્ર દેખાડો જ કરતાં હો, દંભી હો અહંકારી હો અને માણસ અને પ્રાણીઓ પ્રત્યે કરૂણા અને માયાળું અંતરનો ભાવ જ ન હોય અને સમાજમાં તમારા કરતાં નીચું સ્થાન ધરાવનારા પ્રત્યે કરૂણા પૂર્ણ અને માયાળું પણે વર્તતા જ ન હો તો.
આ બધાનું એક જ કારણ છે તમો આત્મિક સત્યમાં સ્થિર નથી, અને વિનમ્રતાની તમારામાં ઉણપ છે. આ જગતમાં સત્ય સ્વરૂપ વિનમ્ર માણસ જ સીધા સાદા સરળ સહજ મૃદુ માયાળું અને નાનામાં નાના માણસને આદર આપનારા હોય છે. વિચારો અને બનવા માટે આંતરિક રીતે મથો જો મથશો તો પ્રાપ્ત કરશો. ટુંકમાં લઘુતાથી પરમાત્માનું મિલન શક્ય બને બાકી હરિ ઁ.
- તત્વચિંતક વિ. પટેલ









