કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત એકદમ સાદો, સીધો અને સરળ છે. ગાયના વાછરડાને છૂટું મૂકી દો તો વાછરડું જેમ તેની માતાને શોધી લે તે જ રીતે જે માણસે જાહેરમાં કે કોઈ ન દેખે તે રીતે ઘરના એકાંત ખૂણામાં સારું કે ખરાબ કર્મ કર્યું હશે તે જ કર્તાને કર્મ શોધી જ લે છે.
શ્રી રામચંદ્ર ભગવાને ત્રેતાયુગમાં વૃક્ષ પાછળ સંતાઈને વાલીને માર્યો તેનું ફળ દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાનને જરા નામના પારધી દ્વારા મારેલા તીરથી ભોગવવું પડયું. ધૃતરાષ્ટ્રે ૧૦૦ પક્ષીના ટોળા ઉપર જાળ ફેંકી આગ મૂકતાં પક્ષીઓ બળ્યાં, આંધળાં થયાં તેનું ફળ કેટલાય જન્મો પછી ધૃતરાષ્ટ્ર અંધ જન્મ્યા અને ૧૦૦ પક્ષીઓ ૧૦૦ કૌરવો રૂપે જન્મી કૌરવવંશના સમૂળા નાશનું કારણ બન્યા. કર્મનો સિદ્ધાંત અટલ છે, અફર છે, અચલ છે.
કર્મ કોઈને છોડતું જ નથી. ખુદ ભગવાન પણ બાકાત નથી. કોઈપણ માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. 'ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્' એવું ગીતા કહે છે. સારાં કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ આમાં કોઈની ય લાગવગ, ઓળખાણ. ચાલતી જ નથી. અમીર હોય કે ગરીબ, રાજા હોય કે સેવક કર્મનો નિયમ સૌને એક સરખો જ લાગુ પડે છે. દશરથ રાજાના બાણથી શ્રવણનાં માતાપિતા અવસાન પામ્યાં ત્યારે પુત્ર વિયોગે મળેલ શાપથી દશરથ રાજા મૃત્યુ પામ્યા ત્યારે ચાર ચાર પુત્રો હોવા છતાં તે વેળા એક પણ પુત્રની હાજરી નહોતી. વાવો તેવું લણો - કરો તેવું પામો - એમાં કોઈ મીનમેખ કરી શકાતું નથી.
કર્મમાં સરવાળા, બાદબાકી, ભાગાકારને કોઈ સ્થાન જ નથી. વીસ કર્મ ખરાબ કર્યાં, પછી પચાસ કર્મ સારાં કર્યાં તો હવે ૩૦ સારાં કર્મનાં સારાં જ ફળશે અને વીસ ખરાબ કર્મોની બાદબાકી તો થઈ ગઈ છે એવું કોઈ ગણિત અહીં લાગુ પડતું જ નથી. ગીતામાં કર્મના ત્રણ પ્રકાર કહ્યા છે. કર્મ, અકર્મ અને વિકર્મ. ફળની અપેક્ષાથી કર્મ થાય એ પ્રથમ પ્રકાર. કર્મ કરો પણ કોઈ પણ ફળની આશા-અપેક્ષા રાખો જ નહિ તે અકર્મ. ત્રીજો પ્રકાર છે વિકર્મ - એટલે કે ન કરવા જેવાં ખરાબ કર્મ. જેને કર્મમાં સ્પૃહા નથી. કરેલા કર્મના ફળની ઇચ્છા આકાંક્ષા નથી તેને કર્મો કદી પણ લેપતાં નથી. કર્મની ગતિ અતિ
ગહન છે.
વિદ્વાનોના મતાનુસાર કર્મના અન્ય ૩ (ત્રણ) પ્રકારો છે. ક્રિયમાણ કર્મ - કોઈને તરસ લાગી, પાણી પીધું, તરસ છીપી. બસ અહીં કર્મ-કર્મફળ સમાપ્ત થયાં. કર્તાને તરસ છીપી તે ફળ. બીજો પ્રકાર છે સંચિત કર્મ - સંચિત એટલે ભેગું કરવું, એકઠું થવું. કેટલાંક કર્મો તુરત ફળ આપતાં નથી. તેનો યથોચિત સમય આવ્યા પછી જ ફળ આપે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ ૧ થી ૬ અધ્યાય કર્મ પ્રધાન છે જેમાં બીજા અધ્યાયનો ૪૦ મો શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ છે : 'કર્મણ્યેવાધિકારસ્તે…' અર્થાત્ તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહીં. યોગ કર્મસુ કૌશલમ્… કર્મોમાં કુશળતા એ યોગ છે, કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે, ફળમાં આસક્તિ કર્યા વિના કરેલાં કર્મો મોક્ષ આપે છે. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. કર્મફળ ત્યજીને જે કર્મ કરે છે તે શાંતિને પામે છે. કર્મ એ જ ધર્મ છે. કર્મનો મર્મ સમજે તે જ્ઞાની છે. તમારા દુ:ખ માટે બીજું કોઈ જ જવાબદાર નથી.
તમે પોતે જ તે માટે જવાબદાર છો. શ્રી રામચરિત માનસ પણ આ જ કહે છે :
કાહુ ન કોઉ સુખદુ:ખ કર દાતા, નિજ કૃત કરમ ભોગ સબુ ભ્રાતા
કર્મપ્રધાન વિશ્વ કરિ રાખા, જો જસ કરઈ તસ ફલ ચાખા.
સુખી થવા માટેની એક જ માસ્ટર કી (ચાવી) છે : સારાં કર્મો સાચી રીતે કરો.
કર્મ જો તેને અચ્છે હૈ તો તકદીર તેરી દાસી હૈ; નિયત જો તેરી અચ્છી હૈ, તો ઘરમાં મથુરા કાશી હૈ.
- પી. એમ. પરમાર




