જીવદયાના જ્યોતિર્ધરો

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
વિક્રમાદિત્યની પાછળ દુશ્મન રાજ્યના સૈનિકો મારવા માટે પાછળ પડયા છે. જંગલમાં રાજા એકલા સારથિ સાથે આગળ વધી રહ્યા છે. સારથિ રથની ઝડપ વધારી રહ્યો છે. જેથી પાછળ પડેલા સૈનિકો આ રથ સુધી પહોંચી ન શકે. પંદર-વીસ સૈનિકો ભરપુર શાસ્ત્રસરંજામ સાથે પાછળ આવી રહ્યા છે. આગળ જતાં ઘટાટોપ ગીચ જંગલ આવ્યું જેને આપણે એવન્યું કહીએ એવો માર્ગ કે માર્ગના બન્ને છેડાનાં વૃક્ષો એવાં કોળાયેલાં, ફૂલેેલા-ફાલેલાં કે બન્નેની શાખાઓ એકમેકને ઉપરથી એવી ફેલાઈ ગયેલી કે બન્ને વૃક્ષની શાખાઓમાં આ રસ્તાના કયા છેડાના વૃક્ષની શાખા છે તે પણ જાણી ન શકાય. એવા એક નીચા નમી ગયેલા વૃક્ષના ઝૂંડની ડાળીઓમાં એક પક્ષીએ માળો બાંધેલો અને માળામાં બે ઇંડાં. દૂરથી વિક્રમાદિત્યની નજર આ પક્ષીના માળા અને ઇંડા પર પડે છે. બાજુની ડાળીમાં પણ બીજા બે માળા દેખાય છે અને તે સારથિને કહે છે કે, 'ભાઈ, રથ રોકી દે.' સારથિ કહે,'સાહેબ, તમે મને કેમ રોકો છો ? પાછળ ધસમસતો કાળ આવી રહ્યો છે, તે આપણને જો આંબી જશે તો પળવારમાં ભરખી જશે, માટે મને ઝડપથી આગળ જવા દો.
વિક્રમાદિત્ય કહે,'ભાઈ, આ સાંકડા રસ્તા પર ઉપર ઝાડીની ડાળીમાં પક્ષીનો માળો તને દેખાય છેને એમાં ઇંડા પણ છે. બાજુની ડાળીમાં પણ બે-ત્રણ માળા દેખાય છે. આપણા રથની ઊંચાઈ જોતાં ધજાદંડથી રથ ચાલતાની સાથે જ આ માળાઓને ધ્વંસ કરી દેશે, ઇંડાંઓ ફૂટી જશે અને માળામાં રહેલાં બચ્ચાંઓ કે ઇંડાંઓને નાશ થશે. આ પક્ષીઆનો પરિવાર વિખેરાઈ જશે. ના ભાઈ, આપણે આપણો જીવ બચાવવા અન્યના જીવની આહુતિ અને અન્યનાં ઘર ઉજાડવા યોગ્ય નથી. આપણી આ લડત ન્યાય અને ધર્મ માટે છે. તેમાં હું આ અબોલ જીવોને અન્યાય કરવા માગતો નથી. ભાઈ, રથને પાછો વાળ. આપણે તે સૈનિકોનો સામનો કરતા ભલે શહીદ થઈ જઇએ. પ્રભુ અરિહંતનું શરણું સ્વીકારી આગળ વધીએ.'
સારથિ રથને પાછો વાળી જરા આગળ ધપે છે ત્યાં દુશ્મન રાજયના સૈનિકો પર પ્રચંડ મધમાખીઓનું ઝૂંડ ઘેરી વળે છે. એક-એક સૈનિક પર હજારો મધમાખીઓ ચોંટી પડે છે. સેનાપતિ જુએ છે કે વિક્રમાદિત્યનો રથ તો સામે આવી રહ્યો છે. તે પોતાના સૈનિકોને કહે છે, 'વિક્રમાદિત્યને કોઈકની તાકતવાર સહાય મળી હોય એવું લાગે છે તે આપણા પર હુમલો કરવા આવી રહ્યો છે ને વળી આપણે સૌ મધમાખીના હુમલાથી ઘાયલ છીએ, માટે ઝડપથી ભાગો.' અને વિક્રમાદિત્ય જુએ છે કે, સૈનિકો ઝડપથી પાછા ભાગી રહ્યા છે.
સમાજ ધર્મક્રાંતિ પચાવી શક્તો નથી. ધર્મક્રાંતિવીરોની સામે કેટલાક શત્રુઓ ઉભા થાય છે. મદમદસાહેબના જીવનમાં પણ આવું કાંઈક ઘટીત થઈ રહ્યું હતું. મહમદસાહેબ અને તેમના એક મિત્ર શત્રુઓથી બચવા જંગલને રસ્તે ભાગી છૂટયા છે. જંગલમાં એક ગુફામાં છુપાઈ જાય છે. ભયંકર ખતરનાક ક્ષણ છે. દુશ્મનો પાછળ પડેલા છે. જેવા તે બન્ને ગુફામાં દાખલ થાય છે ત્યાં જ એકાએક મહમદસાહેબ એકદમ થંભી ગયા અને પોતાના મિત્રને કહેવા લાગ્યા કે,' તમે અટકો, ગુફામાં અંદર ન જતા.' તેમનો મિત્ર મહમદસાહેબને કહે છે કે, 'અત્યારે ક્ષણમાત્ર થોભવાનો સમય નથી. આપણા જીવનમાં કટોકટીની વેળા આવી છે. તમે અંદર આવી જાવ અને આપણે આ ગુફામાં સંતાઈ જઈએ. આ ગુફા સમયસર હાથ લાગી છે.' મહમદસાહેબે કહ્યું કે, ' તમારી બધી વાત સાચી છે, પરંતુ તમે જુઓ છો કે, ગુફાના દ્વાર પર કરોળિયાએ પોતાનું જાળું બનાવ્યું છે. નવુંનવું છે હજુ તો કરોળિયો એ જાળાનો વિસ્તાર કરી રહ્યો છે, તો તે જાળાને તોડવું બરાબર નથી. ઘર એ એમની સલામતી છે. આપણી સલામતી માટે અન્ય જીવની સલામતી છીનવી લેવી તે બરાબર નથી. આપણે બીજી ગુફા શોધી લઈશું. આપણે કરોળિયા પ્રત્યે નિષ્ઠુર થવું ઉચિત નથી, તેના ઝાળાને તોડી ન પડાય.' મિત્ર કહે,' આવા અંધારામાં આપણને બીજી ગુફા ક્યાં મળશે ? દુશ્મનો નજીક છે'… એવામાં ગુફાની નજીક એક આગિયાનું ઝૂંડ ઊડતું દેખાયું. આગિયાના ઉજાસમાં એક બીજી ગુફા દેખાણી. મહમદસાહેબ કહે,'ચાલો બાજુની ગુફામાં'.. અને બન્ને મિત્રોએ બાજુની ગુફામાં આશરો લીધો. અહીં આ મહાપુરુષોના જીવનમાં જીવદયા અને કરુણાની પ્રતિષ્ઠાનાં દર્શન થાય છે. પોતાના જીવના જોખમે પણ ધર્મમાંથી ચ્યુત ન થવું તે જ સાચી ધાર્મિકતા છે.
આવા પ્રસંગોમાં પ્રકૃતિના ઘટકો અને જીવજંતુઓનો પણ સહયોગ મળી રહે છે. અહીં મધમાખીઓ અને આગિયાઓના સહયોગ દ્વારા એ ધર્મપુરુષોને વિપત્તિમાંથી પાર પામવાનો ઉપાય મળી રહે છે. ધન્ય છે આવા જીવદયાના જ્યોતિર્ધરોને.




