સુખી થવાનો રાજમાર્ગ- આત્મચિંતન

દુનિયાની સૌથી મોટી તિજોરી ભરાઈ જાય તો પણ માણસની ઇચ્છાઓની તરસ ક્યારેય છીપાતી નથી. આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં જરૂરિયાતો ઓછી અને દેખાડો વધારે છે. હાથમાં નવો ફોન આવે એટલે બીજા જ મહિને તેનાથી મોંઘા મોડેલની લાલચ જાગે છે, નાનું ઘર મોટું થાય એટલે બંગલાના સપનાં ઊંઘ હરામ કરી દે છે. સુખ-સુવિધાના અઢળક સાધનો વચ્ચે પણ માણસનો ચહેરો તણાવગ્રસ્ત કેમ રહે છે? જવાબ સ્પષ્ટ છે કે, આપણે 'સગવડ' ખરીદી શક્યા, પણ અંતરનો 'સંતોષ' ખોઈ બેઠા છીએ.
શાસ્ત્રો અને અનભવી સંતો હંમેશાં કહેતા આવ્યા છે કે, દુનિયામાં સંતોષથી મોટો કોઈ વૈભવ નથી. અસંતોષ એ ખારા પાણી જેવો છે. માણસ જેટલું પીવે તેટલી તેની તરસ વધી જાય છે. જ્યારે મનમાં સંતોષનો ભાવ જાગે છે, ત્યારે કરોડોની સંપત્તિ પણ ધૂળ સમાન લાગે છે અને સૂકો રોટલો પણ અમૃત જેવો મીઠો લાગે છે.
ઇતિહાસનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ છે. અડધી દુનિયા જીતીને નીકળેલો વિશ્વવિજેતા સિકંદર જ્યારે ગ્રીસના જાણીતા સંત ડાયોજિનીસને મળવા ગયા, ત્યારે ડાયોજિનીસ નદી કિનારે રેતી પર આરામથી સૂર્યસ્નાન કરી રહ્યા હતા. સિકંદરે પોતાના રાજવી રુઆબ સાથે કહ્યું, હું સમ્રાટ સિકંદર છું. તમારી ખુમારી જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. બોલો, તમારે શું જોઈએ છે? હું તમને આખી દુનિયાની સંપત્તિ આપી શકું છું.
ડાયોજિનીસે સહજતાથી આંખો ખોલી અને કહ્યું, જો તું ખરેખર મારું સારું ઇચ્છતો હોય, તો કૃપા કરીને થોડો બાજુ પર ખસી જા. તારા ઉભા રહેવાથી મારા શરીર પર આવતો સવારનો મીઠો તડકો રોકાઈ રહ્યો છે. મારે તારા સામ્રાજ્યમાંથી બીજું કશું જ નથી જોઈતું.
આ સાંભળીને સિકંદર સ્તબ્ધ થઈ ગયો. આખી પૃથ્વી જીતવા નીકળેલો સમ્રાટ એક લંગોટધારી ફકીર સામે સાવ નાનો અને કંગાળ સાબિત થયો. જેની પાસે આંતરિક સંતોષ છે, તેને સમ્રાટોના સામ્રાજય પણ આકર્ષી શકતા નથી.
આપણા પુરાણોમાં સુદામાનું ચરિત્ર સંતોષનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઘરમાં અન્નનો દાણો નહોતો, ફાટેલાં વસ્ત્રો હતાં, છતાં સુદામાના મુખ પર ક્યારેય કોઈ ફરિયાદ નહોતી. પત્નીના આગ્રહથી જ્યારે તેઓ દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ ભગવાનને મળવા ગયા, ત્યારે ભેટ આપવા માટે તેમની પાસે માત્ર ત્રણ મુઠ્ઠી પૌંઆ (તાંદુલ) હતા.
સુદામાએ દ્વારિકાના વૈભવ વચ્ચે પણ પોતાના મિત્ર કૃષ્ણ પાસે ક્યારેય ધન, સોનું કે મહેલની માંગણી ન કરી. તેઓ જે હાલતમાં હતા તેમાં ઇશ્વરનો આભાર માનતા રહ્યા. આ નિ:સ્વાર્થ સંતોષ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ એટલા પ્રસન્ન થયા કે માંગ્યા વિના જ સુદામાને ત્રણેય લોકનો વૈભવ અર્પણ કરી દીધો. સંતોષી માણસ ક્યારેય કોઈની સામે હાથ લંબાવતો નથી, અને પરમાત્મા તેને ક્યારેય કોઈ વાતની ખોટ પડવા દેતા નથી.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ આ દેશના સર્વોચ્ચ પદ પર રહ્યા, છતાં તેમની જીવનશૈલી ફકીર જેવી નિર્મળ રહી. રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષ વિતાવ્યા પછી જ્યારે તેઓ વિદાય લઈ રહ્યા હતા, ત્યારે તેમની પાસે માત્ર બે સુટકેસ, થોડાં પુસ્તકો અને એક વીણા હતી.
તેમણે ક્યારેય સરકારી સગવડોનો દુરુપયોગ પોતાના પરિવાર માટે ન કર્યો. તેઓ હંમેશાં કહેતા કે સાચી શાંતિ બહારની ચમકદમકમાં નહીં પણ પવિત્ર મન અને સંતોષી હૃદયમાં રહેલી છે. કલામ સાહેબે સાબિત કર્યું કે પદ કે પ્રતિષ્ઠા નહીં, પણ માણસનો આંતરિક સંતોષ જ તેને યુગો સુધી અમર બનાવે છે.
હા, આજે પૈસાની જરુર છે. પરંતુ તેની પ્રધાનતા થઈ જાય તો દુ:ખી કરશે. સોશિયલ મીડિયા પર બીજાના વૈભવને જોઈને પોતાના જીવનની તુલના ન કરો. દરેક વ્યક્તિની યાત્રા અલગ છે. કોઈ પણ નવી વસ્તુ ખરીદતા પહેલાં જાતને પૂછો કે, આ મારા જીવન માટે જરૂરી છે કે માત્ર બીજાને બતાવવા માટે છે?
જીવનમાં અઢળક સંપત્તિ હોય પણ જો મનમાં શાંતિ ન હોય તો બધું નકામું છે. સંતોષ એ કોઈ લાચારી નથી, પણ પૂર્ણતાનો અહેસાસ છે. જે વ્યક્તિ પોતાની પાસે જે છે તેમાં આનંદ માનતા શીખી જાય છે, તેને આખી દુનિયાનું કોઈ દુ:ખ ડગાવી શકતું નથી.




