For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વ્યક્તિત્વનો આધાર છે - ભાવનાઓ .

Updated: Apr 24th, 2024

વ્યક્તિત્વનો આધાર છે - ભાવનાઓ                                  .

વ્ય ક્તિત્વનો આધાર તથા પાયો આપણી ભાવનાઓ છે. જો આપણી ભાવનાઓ નકારાત્મક હોય, સ્વાર્થ તથા અહંકારમાં જકડાયેલી હોય તો આપણું વ્યક્તિત્વ કુંઠિત થઈ જાય છે. પરંતુ જો ભાવના સકારાત્મક હોય તો આપણું વ્યક્તિત્વ માં ભક્તિ કરુણા તથા પ્રેમનો ઉદય થાય છે. સામાન્ય રીતે આપણી ભાવનાઓ સ્વાર્થ તથા અહંકારથી યુક્ત હોય છે. તે આપણને સંકુચિત બનાવી દે છે. જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે ભય તથા શંકા આપણને સતાવે છે. નકારાત્મક ભાવનાઓના કારણે બીજા લોકો સાથેના આપણા સંબંધો બગડી જાય છે. નકારાત્મક ભાવનાવાળો માણસ પોતાને અસુરક્ષિત અનુભવે છે. આનાથી ઊલટું, જો ભાવનાઓ સકારાત્મક હોય તો માણસ પ્રસન્ન, આશાવાદી તથા શાંતચિત રહે છે . તેની વિચારવાની પધ્ધતિ બદલાઈ જાય છે. તેનો આત્મવિશ્વાસ તથા ઇશ્વર વિશ્વાસ વધી જાય છે.

શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું- દુનિયામાં જેમણે બહુ મોટાં અને મહાન કાર્યો કર્યા છે. તેઓ બધા ખરેખર ભાવનાશીલ હતા. હનુમાનજીને ભગવાન રામનું કાર્ય કરવાથી કોઈ ભૌતિક લાભ થવાનો ન હતો કે તેમને એવી  કોઈ અપેક્ષા પણ ન હતી. છતાં તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાનના કાર્ય માટે ખર્ચી નાખ્યું. તેઓ નિરંતર ભગવાનનું કામ કરવામાં જ આનંદનો અનુભવ કરતા હતા. ભગવાનનું કાર્ય કરવામાં જ તેમને પોતાનું જીવન સફળ થયું એવું લાગતું હતું.

ભગવાન જ્યારે જ્યારે ધરતી પર અવતાર લે છે, ત્યારે ભાવનાશીલ લોકો જ ભગવાનના કાર્યમાં મદદરૂપ થાય છે.

અહંકારી, લોભી, ચાલાક અને સ્વાર્થી લોકો હંમેશા ભગવાનથી દૂર જ રહે છે. ભાવનાશીલ બનવા માટે કોઈ શિક્ષણ કે ઊંચું પદ મેળવવાની જરૂર હોતી નથી. માત્ર હૃદયની સરળતા અને ઉદારતા જ જરૂરી છે. ભગવાન રામને મદદ કરનારાં રીંછ વાનરો ભણેલાં ન હતાં પરંતુ તેઓ ઉદાર અને ભાવનાશીલ હતાં. ભગવાનના સહયોગ માટે તેઓ પોતાનું જીવન પણ સમર્પિ દેવા માટે તૈયાર હતાં. જ્યારે હૃદયમાં ઉદાર ભાવનાઓ હિલોળા લે છે. ત્યારે માણસ ગમે તે કરી છૂટવા માટે તૈયાર થઈ જાય છે.

જ્યારે ભામાશામાં ભાવના તથા રાષ્ટ્રભક્તિ જાગી ગઈ તો તેમણે પોતાના રાજ્યની સ્વતંત્રતા માટે પોતાનું બધું જ ધન સહર્ષ રાણાપ્રતાપનાં ચરણોમાં ધરી દીધું. એમની ઉદાર ભાવનાઓ રાણા પ્રતાપમાં ફરીથી હિંમત અને સાહસ જગાડી દીધાં.

એક નિર્ધન માણસ હતો તે સરસિયાના તેલનો એક દીવો પ્રગટાવીને દરરોજ અંધારી ગલીમાં મૂકી દેતો હતો, કારણકે ગલી અંધારી હતી એટલે ત્યાંથી પસાર થનારા મુસાફરોને પ્રકાશ થવાથી બહુ લાભ મળતો હતો. નજીક રહેનાર એક ધનવાન વ્યક્તિ દરરોજ ભગવાનના મંદિરમાં ઘીનો એક દીવો પ્રગટાવતો હતો. બંનેના જ્યારે મૃત્યુ થતાં તેઓ યમલોકમાં પહોંચ્યા તો ધનવાનને નિમ્ન શ્રેણીની અને નિર્ધનને ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ પ્રદાન કરવામાં આવી.

ધનપતિને યમરાજનો આ ન્યાય બરાબર ન લાગ્યો અને તેમણે યમરાજને પ્રશ્ન કર્યો, યમરાજે કહ્યું, પુણ્યની મહત્ત્વ ધનના આધારે નહીં, કાર્યની ઉપયોગિતા અને તેમાં સમાયેલી ભાવના ના આધારે હોય છે. મંદિર તો પહેલેથી જ પ્રકાશિત હતું. તે વ્યક્તિએ એવા સ્થાન પર પ્રકાશ ફેલાવ્યો જેનાથી હજારો જરૂરતમંદો સુધી પ્રકાશ પહોંચ્યો.

વ્યક્તિત્વનો આધાર છે આપણી ભાવનાઓ ભગવાન આપણી જુબાનને નહીં, આપણી ભાવનાઓને જુએ છે, નિયતને જુએ છે. ચિંતનને જુએ છે.

- જયેન્દ્ર ગોકાણી

Gujarat