Dharmlok

'શક્તિની ઓળખ સંઘર્ષમાં થાય'

By GS Team
7 Oct 20265 mins read
'શક્તિની ઓળખ સંઘર્ષમાં થાય'
  • જે સામર્થ્ય આપણામાં રહેલું છે તેને જાણી, તેના પર શ્રદ્ધા રાખી તેનો ઉપયોગ કરવાથી સર્જનશીલતા પ્રગટે છે. વિજેતા કોઈ જુદી માટીનો નથી હોતો. આપણા જેવો સામાન્ય જ હોય છે. પણ તેનામાં આપણા કરતાં વધારે ઉત્સાહ અને ધ્યેય સુધી પહોંચવાની ચપળતા હોય છે.

મહાભારતના ઉદ્યોગપર્વમાં આત્મવિશ્વાસ ભંગની એક કથા આવે છે. એકવાર વિદુલા નામની ક્ષત્રિયાણીનો પુત્ર સંજય દુશ્મનો સામે લડતા લડતા જીવલેણ હુમલાથી ગભરાઈને ઘરે પાછો આવતો રહ્યો. તે ડરેલો હતો. હિંસક વાઘ જોઈ માણસ થરથર કાંપે એમ કાંપતો હતો. તેને જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ. તેને ઉભો કર્યો. થોડીવાર મૌન રહી પછી ક્ષત્રિયાણીને છાજે એમ તેને ફટકાર્યો. 'પુત્ર, તુ ક્ષત્રિય છે. આમ મેદાન છોડીને કેમ ભાગી આવ્યો ? ઊઠ, કાયર ના બન. (ન હિ શૌર્યાત પર કિંચિૅત) શૂરવીરતાથી ચઢિયાતું બીજું કશું નથી. સંજય, તારા નામમાં જ જય છે. મનથી હારી ના જા. જીવનમાં જ્યારે અડચણ આવે. કટોકટી આવે દુ:ખ આવે ત્યારે જ પરિસ્થિતિ સામે ટટ્ટાર ઉભા રહી ઝઝૂમવાનું હોય છે. (આપ દિ શક્તિપરીક્ષા) આપત્તિમાં જ તાકાતની પરીક્ષા થાય છે. પુત્ર, તારે જીતવાનું જ છે એવો દૃઢ સંકલ્પ કર. તારા લોહીમાં હણહણતા ઘોડાની ગરમી રહેલી છે. ડરીને ખૂણામાં બેસી રહેવાથી યુદ્ધ ટળવાનું નથી. આ રાજ્ય જતું રહેશે. હારી જઈશ તો તારી બદનામી થશે ! તારામાં રહેલી તાકાતને ઓળખ અને જા !! દુશ્મનોના દાંત ખાટા કરીને જ પાછો આવ.' માતાની તેજ-જોશીલી વાણી સાંભળી પુત્રના રૂવાંટા ઉભાં થઈ ગયાં. તે બેઠો થયો. શૌર્ય જાગૃત થયું. સામર્થ્યના ધગધગતા અંગાર પર પડેલી ડરની રાખ હટી ગઈ. માતાના આશીર્વાદ લઈ યુદ્ધ કરવા ગયો. જીવની પરવા કર્યા વગર લડયો, અને દુશ્મનોને હરાવી તેમના રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કરી હસતા ચહેરે પાછો ફર્યો. માતા તેના ચહેરા પર વિજયીનૂર જોઇ ગદ્ગદ્ થઈ ગઈ. પુત્રની હતાશા ખંખેરી તેની શક્તિ જગાડવા બદલ તેને સંતોષ થયો.
'ગીતા'માં શ્રીકૃષ્ણએ કહ્યું છે 'ઉધ્ધરેદાત્મનાત્માનં…' માણસે પોતાના વડે જ પોતાનો ઉધ્ધાર કરવાનો હોય છે. ખુદનું પતન ના થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. કારણકે માણસ જાતે જ પોતાનો મિત્ર છે અને પોતાનો શત્રુ પણ છે. 'આ સંસારમાં એવું કોઈ નથી જેને ઇશ્વરે હિંમત ઉત્સાહ અને શક્તિ ના આપ્યાં હોય. આપણે જ તેની હાજરીની નોંધ લેતાં નથી. ર્ંહઙ્મઅ રી ુર્ર ષ્ઠટ્વહ જીી ંરી ૈહદૃૈજૈહ્વઙ્મી ટ્વહ્વૈઙ્મૈંઅ ષ્ઠટ્વહ ર્ઙ્ઘ ંરી ૈર્દ્બૅજજૈહ્વઙ્મી- જે પોતાનામાં રહેલી અદૃશ્ય શક્તિને ઓળખી લે છે તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ફળ કદી રસ વગરનું હોતું નથી. દરેકમાં રસ હોય છે. જાણકાર તો લાકડી જેવા શેરડીના સાંઠામાંથીય રસ કાઢી લે છે. તો આપણે માણસ તરીકે રસહીન કેવી રીતે હોઈ શકીએ.'
વિશ્વવિખ્યાત પ્લેયર વોલ્ટર ડેવીસ નાનો હતો ત્યારે તેને બાળલકવો થયો હતો. તેની માતા તેને જોઈને દુ:ખી થતી. તે વોલ્ટરને ખૂબ ચાહતી. માતાએ તેનામાં આત્મવિશ્વાસ જગાડયો. વોલ્ટર ધીરે ધીરે પગ પર ઉભા રહેતા શીખ્યો. માતાએ તેનો ડર દૂર કરી તેને ચાલતા શીખવાડયું. દિવસો પસાર થતા ગયા. વોલ્ટર હવે જાતે બેઠો થતો, ચાલતો. એક વખત એવો આવ્યો કે તે 'હાઈ જમ્પ' માટે ઊંચા કૂદવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો. નાની-નાની સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેના લગ્ન બાદ તેની પત્નીએ તેની અંદર રહેલી સંભાવનાને બરાબર ઝંઝોડી. તેનો ઉત્સાહ અને હિંમત વધારી. 'વોલ્ટર, હજુ તારામાં અપૂર્વ શક્તિ પડેલી છે. કમ ઓન, તેને બહાર આવવા દે ! 'આત્મવિશ્વાસ, શ્રદ્ધા કુટુંબનો અખૂટ પ્રેમ અને અથાક મહેનત કામ કરી ગઈ. એક દિવસ તે છ ફૂટ બાર ઇંચનો હાઈજમ્પ કરી વર્લ્ડચેમ્પિયન બની ગયો. વિચાર કરો. એક લકવાગ્રસ્ત છોકરો- વર્લ્ડચેમ્પિયન!!
જે સામર્થ્ય આપણામાં રહેલું છે તેને જાણી, તેના પર શ્રદ્ધા રાખી તેનો ઉપયોગ કરવાથી સર્જનશીલતા પ્રગટે છે. વિજેતા કોઈ જુદી માટીનો નથી હોતો. આપણા જેવો સામાન્ય જ હોય છે. પણ તેનામાં આપણા કરતાં વધારે ઉત્સાહ થનગનાટ અને ધ્યેય સુધી પહોંચવાની ચપળતા હોય છે. માણસમાં જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવાની તીવ્રતા વધે ત્યારે તેનામાં રહેલી શક્તિ ઝરણાની જેમ ફૂટી નીકળે છે. સંઘર્ષ વગર સંકલ્પ પેદા થતો નથી. સંકલ્પ વગર સમર્પણ પેદા થતું નથી. અને સમર્પણ વગર ભીતરી શક્તિ પ્રગટ થતી નથી. કંઈક અલગ કરવાની લગની માણસને ભીડમાંથી રસ્તો કાઢી આગળ વધવાની પ્રેરણા આપે છે.
જ્યોર્જ નામનો એક માણસ ફાઉન્ટનપેનની દુકાને કલાર્ક તરીકે નોકરી કરતો હતો. ઓછા પગારમાં માંડમાંડ તેનો ગુજારો થતો. તેનું કામ ફક્ત હિસાબ રાખવાનું હતું. તે વખતે પેન નવી નવી આવી હતી તેથી ઘણીવાર બગડી જતી. લોકો પેન પાછી લાવી ફરિયાદ કરતા. જો કે કંપની કોઈ ગેરંટી આપતી નહોતી અને દુકાનદારની પણ કોઈ જવાબદારી નહોતી. છતાં જ્યોર્જ ખૂબ જ વિનયીવર્તાવથી ગ્રાહકની પેન લેતો. અને ઘરે જઈને તેને રીપેર કરવા પ્રયત્ન કરતો. તેના ખંતીલા સ્વભાવ અને હોંશથી તે ઘણી પેનો રીપેર કરી આપતો. પરિણામ એ આવ્યું કે પેનની બાબતમાં કંપની કરતાં વધારે તેને ખબર પડવા માંડી. જ્યોર્જને રોજ વિચાર આવતો કે તે આનાથી સારી પેન બનાવી શકે છે.' વિચાર ઘૂંટાતો ગયો. તેણે મિત્રો, સંબંધીઓ અને મનીલેન્ડર પાસેથી પૈસા ભેગા કર્યા. નાના પાયે કારખાનું શરૂ કર્યું અને સમય જતાં જ્યોર્જ એસ.પાર્કર પેન કંપનીનો સ્થાપક બની ગયો. આજેય પાર્કરપેન આબરૂદાર ગણાય છે.
જે માણસ દુ:ખના સમયે શાંતચિત્તે તેની ખૂબીઓને મેગ્નિફાય કરી તેનો યોગ્ય ઉપયોગ કરે તે ગમે તેવા વિઘ્નને દૂર કરી શકે છે. દુ:ખ કે વિઘ્ન આપણી હિંમત અને ડહાપણને પડકારે છે. એનો અર્થ એવો નથી કે આપણી શક્તિનો ઉપયોગ કરવા ગમે ત્યાંથી મુશ્કેલીઓ ભેગી કરી જીવ્યા કરવું. ના, એનો અર્થ એ છે કે જે શક્તિ કટોકટી વખતે કેન્દ્રિત થાય તે સુખ, આનંદ અને શાંતિના સમયે પણ કેન્દ્રિત થઈ શકે છે. ત્યારે તે શક્તિનો ઉપયોગ સ્વર્ગના સુખનો અનુભવ કરાવે છે.
મોટરકાર જો લાંબો સમય ગેરેજમાં પડી રહે તો તેની બેટરી ખરાબ થઈ જાય. એમ માણસની શક્તિ વપરાય નહિ તો શિથિલ થઈ જાય. ફક્ત આરામ કરવા સગવડો ભેગી કરી પડી રહેનાર માનવજીવનની અમુલ્ય મધુરતાથી વંચિત રહી જાય છે. જીવન જરૂરિયાત પુરી કરવામાં જ સફળતા માનનાર તેને મળેલી વિશિષ્ટ શક્તિનો સ્વાદ લઈ શક્તો નથી. ધારો કે જે ઇશ્વરે આપણને અલૌકિક શક્તિ આપી છે, તે આપણી પાસે આવીને પૂછે કે એ શક્તિ કયાં વાપરી ? તો શું આપણી પાસે તેનો હિસાબ છે?

  • સુરેન્દ્ર શાહ