સદ્ગુરુ ઈશ્વરે આપેલું વરદાન

- શિષ્યમાં બાળક જેવો સરળ વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ જ્ઞાનનું પ્રતીક છે, તે પોતાના શિષ્યને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી તેમને સન્માર્ગે વાળે છે ગુરુ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા સદજ્ઞાન અને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત કરે છે,
ગુરુપુર્ણિમા આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું પર્વ ગણાય છે. સેંકડો-હજારો વર્ષોથી આ પર્વ ઉજવવામાં આવે છે. જ્યારે સદ્ગુરુ મળી જાય તે જીવનની મહાન ઘટના હોય છે. શિષ્યમાં બાળક જેવો સરળ વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ જ્ઞાનનું પ્રતીક છે, તે પોતાના શિષ્યને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી તેમને સન્માર્ગે વાળે છે ગુરુ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા સદજ્ઞાન અને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત કરે છે, પોતાની એ દિવ્ય દૃષ્ટિ દ્વારા તે સુપાત્ર શિષ્યોને શોધીને તેમને શ્રેષ્ઠ માર્ગે વાળી દે છે. ગુરુપૂર્ણિમા એ શિષ્યના સમર્પણનું, વિસર્જનનું તથા વિલયનું પર્વ છે. ગુરુ કરતાં પહેલાં ગુરુની પાત્રતા જોવી જોઈએ.ળ
'પાની પીના છાનકે ઔર ગુરુ કરના જાનકે' ગુરુ બે અક્ષર નો નાનકડો શબ્દ છે પરંતુ ગુરુની જવાબદારી બહુ મોટી હોય છે. ગુરુનો વેશ ધારણ કરવો સરળ છે પરંતુ ગુરુતત્વને પ્રાપ્ત કરવું બહું મુશ્કેલ છે. સદ્ગુરુ શિષ્યના અંતરના દ્વાર ખોલી નાખે છે. પોતાના શિષ્યમાં રહેલાં દોષો તથા નબળાઈઓને પોતાની દિવ્યદૃષ્ટિ દ્વારા જાણીને દૂર કરે છે. શિષ્યોને તેમની આત્મિક સ્થિતિ અનુસાર સાધના કરાવીને તેમને ઉચ્ચસ્તરે પહોંચાડે છે. ગુરુપૂર્ણિમાનું પર્વ સમર્પણનું પર્વ છે. ગુુરૂની કૃપા તથા શક્તિ પ્રાપ્ત કરવા માટે જો અનિવાર્ય ગુણ હોય તો તે છે શ્રધ્ધા. જો ગુરુ પ્રત્યે સાચી શ્રધ્ધા ન હોય તો શિષ્યને કોઈ લાભ થતો નથી. દુર્યોધન શ્રધ્ધાના અભાવમાં કશું પ્રાપ્ત કરી શક્યો નહિ. જ્યારે એ જ દ્રોણાચાર્યનો શિષ્ય અર્જુન ગુરુ પ્રત્યેના આદર તથા શ્રધ્ધાના પરિણામે મહાન ધનુર્ધર બની શક્યો. સંત કબીરદાસજીએ કહ્યું છે -
ગુરુ ગોવિંદ દોઉં ખડે
કાકે લાગુ પાય
બલિહારી ગુરુ આપકી
ગોવિંદ દિયો બતાય
ગુરુની લૌકિક વ્યાખ્યા તો એવી છે કે તે શિષ્યને સદ્ગુણી તથા સદાચારી બનાવી દે અને તેને શ્રેષ્ઠ માર્ગે ચાલવાની પ્રેરણા આપે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો તે શિષ્યને ઈશ્વરની સાથે જોડાવાનો સાચો માર્ગ બતાવી દે એ જ સાચાગુરુ છે. શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું - જ્ઞાન, ધ્યાન, ચેતના, ચિંતન, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, ભક્તિ, મુક્તિ વગેરે તમામ બાબતોને જાણવા માટે ગુરુની જરૂર પડે છે. સદ્ગુરુ ઈશ્વરે આપેલું વરદાન છે.
- જયેન્દ્ર ગોકાણી




