Dharmlok

તત્કાલનો લાભ દર્શાવતી ટૂંકી દ્રષ્ટિથી દૂર રહીએ..પરિણામનો લાભ કરાવતી દીર્ઘ દ્રષ્ટિ અપનાવીએ..

By GS Team
7 Oct 20266 mins read
તત્કાલનો લાભ દર્શાવતી ટૂંકી દ્રષ્ટિથી દૂર રહીએ..પરિણામનો લાભ કરાવતી દીર્ઘ દ્રષ્ટિ અપનાવીએ..
  • અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • 'માનવી પણ કેટલી ય બાબતોમાં એવી પ્રવૃત્તિઓ કરી બેસે છે કે જાણે એને અને દીર્ઘદર્શિતાને કાંઈ લેવાદેવા ન હોય. એ કેટલીક બાબતો આવી હોય છે : (૧) નજર સામે તાત્કાલિક પોતાનો લાભ-સ્વાર્થ ઘવાતો હોય ત્યારે (૨) નજર સામે તાત્કાલિક મોટો લાભ સિદ્ધ થઈ જતો હોય ત્યારે (૩) વ્યક્તિ આવેશમાં વિચારશૂન્ય જેવી બની જાય ત્યારે (૪) ઇર્ષ્યા-વિરોધ વગેરે કારણે સારાસારનો વિવેક વીસરી જાય ત્યારે. આવી આવી પરિસ્થિતિમાં બુદ્ધિશાલી માનવી પણ આડેધડ પગલાં ભરીને નુકસાનો નોંતરતો હોય છે.

ધર્મરત્નપ્રકરણ ગ્રન્થકાર મહર્ષિ શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપ જે એકવીશ ગુણોનો નિર્દેશ કરે છે તેમાં હવે આવે છે ક્રમપ્રાપ્ત પંદરમો ગુણ. એનું નામ છે દીર્ઘદર્શિતા :
બે પ્રકારની દૃષ્ટિ અર્થાત્ વિચાર કરવાની પદ્ધતિ છે : એક છે ટૂંકી દૃષ્ટિ અને બીજી છે દીર્ઘ દ્રષ્ટિ. ટૂંકી દ્રષ્ટિ એને કહેવાય કે જેમાં માત્ર તાત્કાલિક નજરે દેખાતો લાભ જ વિચારવાનો અભિગમ હોય. જ્યારે દીર્ધ દ્રષ્ટિ એને કહેવાય કે જેમાં ફક્ત નજરે દેખાતા લાભનો નહિ, બલ્કે પરિણામનો-અંતિમ અંજામનો વિચાર હોય.
નિહાળજો આપણી આસપાસની પશુ-પંખીની સૃષ્ટિ તરફ. ત્યાં તાત્કાલિક લાભ નિહાળવાની ટૂંકી દ્રષ્ટિ જ નિહાળવા મળશે. આપણે કેટલાક ઉદાહરણોથી આ વાત બરાબર સમજીએ:

  • પારધિ જાળ પાથરીને એના પર દાણા એટલા માટે નાંખે છે કે અબુધ પંખીઓ એમાં ફસાય. પારધિની આ દુષ્ટ નીતિ બિલકુલ સફલ નીવડે છે અને પંખીઓ જાળમાં ફસાઈને મોતને ઘાટ ઊતરે છે. કારણ ? એ જ કે પંખીઓ પાસે માત્ર દાણા આરોગવાની ટૂંકી દૃષ્ટિ- તાત્કાલિક લાભનો જ વિચાર છે. જાળમાં ફસાઈને બૂરી રીતે મૃત્યુનાં મુખમાં હોમવાની દીર્ઘ દ્રષ્ટિનો ભાવિ પરિણામને નજરમાં રાખવાના વિચારનો એમનામાં અભાવ છે.
  • માનવવસતિમાં વારંવાર આવી જઈને ત્રાસ ફેલવતા જંગલી હિંસક પશુઓને ઝબ્બે કરવા વનવિભાગના કર્મચારીઓ પીંજરામાં એનો શિકાર બાંધીને એને પાંજરામાં પ્રવેશવા લલચાવતા હોય છે. એ શક્તિશાલી-તાકાતવાન પશુને, ટૂંકી દ્રષ્ટિના કારણે, શિકાર મળવાનો તાત્કાલિક લાભ દેખાય છે. પરંતુ પાંજરામાં સપડાઈને કાયમી પરાધીન થવાનું મોટું નુકસાન એને દેખાતું નથી. કારણ ? એ જ કે ભાવિ પરિણામનો વિચાર કરવાની દીર્ઘ દ્રષ્ટિનો એમનામાં અભાવ છે.
  • અવર-જવરના મુખ્ય માર્ગે સાકર-ગોળનો ટુકડો યા પીપરમેન્ટ પડી હશે તો કીડીઓ કાંઈ જ વિચાર્યા વિના એકની પાછળ એક જથ્થાબંધ જમા થવા માંડશે. કેમકે એને સાકર આદિના સ્વાદનો પ્રત્યક્ષ લાભ દેખાય છે. પરંતુ માણસોના પગ નીચે કે વાહનોના વ્હીલ નીચે કચડાઈને ખતમ થઈ જવાનો ભયાનક ગેરલાભ એને દેખાતો નથી. કારણ ? એ જ કે એનામાં દીર્ઘદૃષ્ટિનો અભાવ છે.
    આ અને આવાં આવાં અનેક ઉદાહરણો એ દર્શાવવા સક્ષમ છે કે પશુ-પંખીની સૃષ્ટિમાં સામાન્યત : દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે. આના મુકાબલે માનવીમાં થોડી દીર્ધદ્રષ્ટિ હોય છે ખરી. પરંતુ તે છતાં ય માનવી પણ કેટલીય બાબતોમાં એવી પ્રવૃત્તિઓ કરી બેસે છે કે જાણે એને અને દીર્ધદર્શિતાને કાંઈ લેવા-દેવા ન હોય. એ કેટલીક બાબતો આવી હોય છે : (૧) નજર સામે તાત્કાલિક પોતાનો લાભ-સ્વાર્થ ઘવાતો હોય ત્યારે (૨) નજર સામે તાત્કાલિક મોટો લાભ સિદ્ધ થઈ જતો હોય ત્યારે (૩) વ્યક્તિ આવેશમાં વિચારશૂન્ય જેવી બની જાય ત્યારે (૪) ઇર્ષ્યા-વિરોધ વગેરે કારણે સારાસારનો વિવેક વીસરી જાય ત્યારે. આવી આવી પરિસ્થિતિમાં બુદ્ધિશાલી માનવી પણ આડેધડ પગલાં ભરીને નુકસાનો નોંતરતા હોય છે.
    ગ્રન્થકાર મહર્ષિ, આપણે આવા સ્વભાવથી ઉપર ઊઠીને ખરા અર્થમાં દીર્ઘદર્શી બનીએ તે માટે દીર્ઘદર્શિતા ગુણની વ્યાખ્યામાં કેટલીક માર્ગદર્શિકા જેવી વાતો લખે છે. એમાંની પ્રથમ વાત છે પરિણામસુંદર કાર્યારંભ. સાચી દીર્ઘદર્શી વ્યક્તિ વિક્ટ પરિસ્થિતિમાં ય પગલાં એવા ભરે કે જેનું અંતિમ પરિણામ સરસ જ હોય. દીર્ઘદર્શી વ્યક્તિની આ પરિણામસુંદર પ્રવૃત્તિ કેવી મસ્ત હોય એ જાણવું છે ? તો વાંચો આ સરસ રમૂજકથા :
    એક શ્રીમંત વ્યક્તિએ કોઈ શુભ પ્રસંગે ઘરે ઝાકઝમાળ ભોજનપાર્ટી યોજીને એમાં બહુ થોડા જ અને પોતાના જેવા શ્રીમંતોને આમન્ત્રણ આપ્યું હતું. ચાંદીના થાળી-વાટકા- ચમચી વગેરે દરેક મહેમાન પાસે હતા. એમાં ચાંદીની ચમચીઓ ખરેખર કલાત્મક હતી. કોણ જાણે શું થયું કે એક શ્રીમંત મહેમાનની નજર આ ચાંદીની ચમચી પર બગડી. એમણે સીફતથી કોઈ ન જુવે એ રીતે એક ચમચી સેરવીને બૂટમાં છુપાવી દીધી. એ મહાશય એમ સમજતા હતા કે કોઈ જોતું નથી. પરંતુ હકીકત એ હતી કે યજમાને-ઘરના માલિક શ્રીમંતે આ ઘટના નિહાળી લીધી હતી.
    યજમાન શ્રીમંતે વિચાર્યું કે જે થયું છે એ ખોટું જ છે. પરંતુ હું જો ચાંદીની ચમચી પરત લેવા 'ચમચી ચોરી લીધી' જેવી બૂમાબૂમ કરીશ તો એ શ્રીમંતની ઇજ્જત જશે. ઉપરાંત મારા અને એમના સંબંધ બગડશે. એના કરતા એવું કરું કે ચમચી પરત મળે, સંબંધ ન બગડે અને મહાશયને ખબર પણ પડે કે અહીં એમની ચાલાકી નહિ ચાલે.' બધા જ પાસાં આ રીતે વિચારીને યજમાને સરસ યુક્તિ કરી.
    ભોજન પૂર્ણ થવા આવ્યું ત્યારે યજમાને ડાયનીંગ ટેબલ પર જ કહ્યું : 'ચલો, હવે હું તમને એક જાદુ બતાવું.' સહુ જાદુ નિહાળવા ઇંતેજાર થઈ ગયા. યજમાને એક ચાંદીની ચમચી લઈ પોતાના બૂટમાં છુપાવતા કહ્યું : 'હવે આ ચમચી હું જેમનું નામ બોલીશ એમના બૂટમાંથી નીકળશે.' એમણે પેલા ચાલાક મહેમાનનું નામ કહ્યું. કહેવાની જરૂર નથી કે એમણે જીવ બાળીને ય સ્વહસ્તે બૂટમાંથી ચમચી કાઢી આપવી પડી ! યજમાનનું કામ થઈ ગયું, મહેમાનને પાઠ ભણાવાઈ ગયો અને છતાં સંબંધ અકબંધ રહ્યા. આ છે પરિણામસુંદર દીર્ઘદર્શિતા.
    ગ્રન્થકાર દીર્ઘદર્શિતાનું બીજુ લક્ષણ એ દર્શાવે છે દીર્ઘદર્શી વ્યક્તિ અલ્પ ક્લેશ અને બહુ લાભ થાય તે રીતે પ્રવર્તે. જરા વિસ્તારથી સમજીએ આ વાત. ધારો કે કોઈ ઘટના એવી સર્જાય કે જેમાં વ્યક્તિ દીર્ઘદ્રષ્ટા હોય તો પણ એને ફરજિયાત પણે સંબંધ પર અસર થાય તેવું પગલું ભરવું જ પડે. આ પરિસ્થિતિમાં પણ દીર્ઘદર્શી વ્યક્તિનો અભિગમ એવો કદાપિ ન હોય કે હવે બગાડવાનું જ છે તો સંબંધ મૂળમાંથી કપાઈ જાય એવું બગાડી દઉં, સંબંધ વાળી-ઝૂડીને સાવ સાફ કરી દઉં. ડોક્ટર પણ વ્યક્તિના શરીર પર શસ્ત્ર ચલાવે છે અને ડાકુ પણ શસ્ત્ર ચલાવે છે. ફર્ક બેમાં એ હોય છે કે ડોક્ટર ઓછામાં ઓછું લોહી વહે એની તકેદારી રાખી ઓપરેશન પાર પાડવાનો અભિગમ ધરાવે છે અને ડાકુ આડેધડ હુમલાથી વધુમાં વધુ લોહી વહાવી વ્યક્તિને ખતમ કરવાનો અભિગમ ધરાવે છે. બસ, ડોક્ટર અને ડાકુના અભિગમમાં જેટલો ફર્ક છે, એટલો ફર્ક દીર્ઘદર્શી અને શૌર્ટ વ્યક્તિના અભિગમમાં છે.
    દીર્ઘદર્શી વ્યક્તિ અનિવાર્ય કડકાઈની પરિસ્થિતિમાં ય કેવી જવાબદારીથી પ્રવર્તીને અલ્પ કલેશ+ બહુ લાભનું લક્ષણ ચરિતાર્થ કરે એ નિહાળવું છે ? તો વાંચો એક સ્થળે બનેલ આ સત્ય ઘટના :
    એક સંસ્થામાં કોઈ મહોત્સવ નિમિત્તે નિત્ય ભોજનભક્તિ થતી હતી. પાટલા-આસન પાથરી સહુને ભોજન કરાવાતું. પણ ભલા, ઘઉમાં કાંકરા હોય એમ સજ્જનોમાં ય કોઈ દુર્જન કેમ ન હોય ? એક ભાઈ ત્યાં એવા આવતા કે જે પાટલા નીચે ડબ્બો રાખી રોજ સીફતથી એમાં મીઠાઈના ચાર-પાંચ ટુકડા સેરવી દે. બધા ચોરી-છૂપી કરનાર માને એમ એ ય માનતા હતા કે આમાં કોઈનું ધ્યાન નથી. પરંતુ વાસ્તવિકતા એ હતી કે કાર્યકર્તાના ધ્યાનમાં બે દિવસથી આ વાત એકદમ સ્પષ્ટ આવી ગઈ હતી.
    એ ધૂઆપૂંઆં થઈ સંસ્થાની ઓફિસમાં પ્રમુખને કહેવા માંડયો : 'અત્યારે જ આને રંગે હાથે પકડી સૌની વચ્ચે ખુલ્લો કરીએ. સીધો દોર થઈ જશે.' પરંતુ દીર્ઘદ્રષ્ટા પ્રમુખે આવી ઉતાવળ મુનાસિબ ન માની. એમણે વોચમેનને સૂચના આપી જતી વેળાએ ભાઈને ઓફિસમાં બોલાવ્યા. પછી એકદમ મક્કમ સૂરે કહ્યું : 'તમારી ડબ્બીમાં મીઠાઈના પાંચ ટુકડા છે. જરૂર જ હોય તો હું બીજા પાંચ આપું. પણ માંગી લો, ઉઠાવગીરી કરીને નહિ. તમારી આ ગલત પ્રવૃત્તિ અમારી નજરમાં જ છે. ફક્ત તમારી ઇજ્જત ન જાય માટે અમે તમને જાહેરમાં ખુલ્લા નથી કર્યા. ભાઈ શું બોલે ? રડતી આંખે એણે મીઠાઈ પરત કરી અને હવે ફરી આવું કદી ન કરવાનું વચન આપ્યું.
    ગ્રન્થકાર કહે છે કે આવી દીર્ઘદર્શી વ્યક્તિ પરિવાર-સમાજમાં સર્વત્ર લોકપ્રિયતા બહુ આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. કારણકે એનાં વર્તનમાં સમજદારી પણ છે અને જવાબદારી પણ.
    છેલ્લે એક વાત : આ અલ્પ કલેશ અને બહુ લાભની તુલનાત્મક વૃત્તિ દીર્ઘદર્શી વ્યક્તિનાં જીવનમાં વધુને વધુ વ્યાપ્ત થતી જાય તો આગળ જતાં એક સમય એવો પણ આવશે કે એ પોતાની પ્રવૃત્તિઓની પુણ્ય અને પાપની દ્રષ્ટિથી તુલના કરીને બહુ કલેશ-અલ્પ લાભ આપનાર પાપની પ્રવૃત્તિઓથી વિરમશે. તેમજ અલ્પ કલેશ-બહુ લાભની તુલનાનાં કારણે નાની-મોટી બાબતે કલેશ-કંકાસથી દૂર રહી સંબંધ સાચવવા પ્રત્યે લક્ષ્ય રાખશે.