હતાશાને છોડો, સદાય હસતાં રહો, સંઘર્ષ કરતા રહો, સફળતા મેળવતા રહો

આ દુનિયામાં ઘણા બધા માણસો પોતાની જિંદગીથી કંટાળી ગયા હોય છે. કારણ કે આખો દિવસ દોડધામ કરવાં છતાં નિષ્ફળતાં જ મળતી હોય છે. ગમે તેટલી મહેનત કરો, હતાશા જ સાંપડતી હોય છે. સુખના બે દિવસ જોવા મળતાં નથી. તેથી ઘણા માણસો આત્મહત્યા કરી નાંખતા હોય છે, કાં તો ઘણા માણસો હતાશ થઈને પછી નવા કોઈ પ્રયત્નો કરવાનું માંડી વાળે છે. જીંદગીને પછી ઢસડી ઢસડીને પૂરી
કરે છે.
આ જિંદગી સંઘર્ષથી ભરેલી છે. તે વાસ્તવિક છે. પરંતુ મહેનત કરનાર અને ભગવાન ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખનારને સફળતા અવશ્ય મળે જ છે.
યાદ રાખજો કે… તમારી જિંદગી ગમે તેટલી ખરાબ કેમ ના હોય… પણ સવારે ઉઠીને ભગવાનને ધન્યવાદ કહેજો કે તમારી પાસે જિંદગી તો છે… ઘણાં પાસે એ પણ નથી…
ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુની રાહ જોઈને પડયા હોય છે… તમારે એવું
તો નથી.
''જિંદગીમાં કદાચ બધું જ છોડવું પડે… તો છોડજો પણ'' ''ક્યારેય પણ હસવાનું છોડશો નહિ અને ક્યારેય ફરીથી ઊભા થઈને લડવાની આશા
છોડશો નહિ.''
આપણે આપણી વિચાર શક્તિ અને કાર્યશક્તિનો કેવો ઉપયોગ કરીએ છીએ? એના પર આપણી પ્રતિભા નિર્ભર છે. આપણામાં અંદર એક અદ્દભૂત શક્તિ રહેલી છે. તેનો સદ્દઉપયોગ કેવી રીતે કરવો ? એ આપણા હાથમાં છે. આપણે નિર્ણય કરવાનો કે, આપણે કોલસો બનવું છે કે હીરો બનવું છે.
એક યુવાન ભણી-ગણીને નોકરી શોધવા લાગ્યો. તે ખુૂબ જ સારું ભણ્યો હોવા છતાં તેને નોકરી મળતી ન હતી. એક દિવસ કંટાળીને તે આપઘાત કરવા પહાડ પર ચઢી ગયો. તે નીચે કૂદવા જતો હતો ત્યાં તેને એક સજ્જને બચાવ્યો. તે સજ્જને તેને તેમની પાસે બેસાડયો. તેને શાંત પાડયો અને પછી આપઘાત કરવાનું કારણ પૂછયું. પેલા યુવાને પોતાની આપવીતી જણાવી. પેલા સજ્જને તેને જણાવ્યું, 'નોકરી ન મળતી હોય તો નાનો-મોટો ધંધો કર.' ધંધો કરવા માટે મૂડી તો જોઈને ને…?! પેલા યુવાને જવાબ આપ્યો. એક કામ કર… તું તારી આંખો મને આપી દે હું તને પાંચ લાખ રૂપિયા આપીશ. સજ્જને રસ્તો કાઢતાં કહ્યું. યુવાન છંછેડાઈ ગયો.
તે રૂપિયાના બદલામાં પોતાના શરીરનું એકેય અંગ આપવા તૈયાર ન હતો. સજ્જને હસીને યુવાનને કહ્યું, 'ભલા માણસ તારી અમૂલ્ય આંખો, હાથ, પગ, કિડની મગજ વગેરે હોવા છતાં તું કહે છે કે તારી પાસે મૂડી નથી? આ જ તો સહુથી મોટી મૂડી છે. આ મૂડીનો ઉપયોગ કરીને તું કોઈ પણ કામ શરૂ કરીશ તો તું ધારે તે કરી શકીશ. પેલા યુવાનની આંખો ખૂલી ગઈ. તેને સજ્જની વાત સમજાઈ ગઈ. તેને સાચો રસ્તો દેખાડવા બદલ સજ્જનનો આભાર માનીને તે યુવાન ચાલ્યો ગયો.'
જિંદગી જીવવાના બે જ રસ્તા છે કાં તો જે પસંદ છે તેને હાંસિલ કરી લો, અથવા તો જે તમારી પાસે જે છે એને પસંદ કરતાં શીખી જાઓ. પરંતુ આપણે આ બંનેમાંથી એકપણ પસંદ કરતાં નથી અને દરરોજ બસ, હતાશા ભરેલી જિંદગી જીવીએ છીએ એટલે કે, મરવાના વાંકે જીવી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃત ગ્રંથમાં કહે છે કે, કોઈ દિવસ હિંમત રહિત વાત કરવી નહિ, હિંમત સહિત જ વાત કરવી. જે હિંમત રાખીને પુરુષાર્થ કરે છે, તેની ઉપર ભગવાની કૃપા પણ થાય છે અને જીવનમાં સફળ પણ થાય છે. આપણે આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. આપણે આપણી મર્યાદિત વિચારસરણીના પિંજરામાં કેદ છીએ એટલે ઉડતા શીખતા નથી. તેથી આપણે આપણી વિચારસરણી બદલીશું. પુરુષાર્થ કરીશું તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.




