મનને ઊંચાઈ પર રાખીએ : ખુશ રહીએ

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
દુનિયાની લગભગ દરેક વ્યક્તિના જીવન જીવવાના અંદાજ વિભિન્ન પ્રકારના મળે છે. કોઈને એકાંતમાં જીવવું ગમે છે, તો કો'કને લોકોની વચ્ચે રહેવું ગમે છે; કો'કને ધર્મમય જીવન ગમે છે, તો કો'કને મોજ-શોખ સાથેનું જીવન ગમે છે; કેટલાકને સાદા પહેરવેશ સાથે પ્રેમ હોય છે, તો કેટલાક સ્ટાઈલીશ વસ્ત્રોના દીવાના હોય છે… આવું તો એક નહિ, બલ્કે અનેક બાબતોમાં આપણને જોવા મળશે કે જેમાં દુનિયાના લોકોની પસંદગીના વિષયો અલગ-અલગ હોય. પરંતુ એક બાબત એવી છે કે જેમાં સૌની પસંદગી બેમત એક છે. સુખમાં રહેવું-ખુશીમાં રહેવું આ દુનિયાના પ્રત્યેક જીવને ગમે છે. હા, એ ખુશીના અને સુખના માપદંડમાં ફર્ક હોઈ શકે. પરંતુ સુખ અને ખુશી સૌની પસંદગીનો વિષય છે તે નિ:શંક છે. એથી જ આજથી શરૂ થતી લેખશ્રેણિમાં આપણે વિચાર કરીશું જીવન ખુશીઓથી ભરપૂર બની રહે તે માટેના રસપ્રદ ઉપાયોનો.
ખુશીઓ મેળવવા તેમજ અનુભવવા માટેનો પ્રથમ ઉપાય છે ઊંચાઈ પર રહેતા શીખો :-
પ્રથમ નજરે ન સમજાય તેવા આ ઉપાયને આપણે એક ઘટના દ્વારા
સમજીએ :
પહાડી વિસ્તાર હોવાનાં કારણે એ વિસ્તારમાં ભયંકર વરસાદ પડે. ક્યારેક મૂશળધાર વરસેલા વરસાદનાં કારણે ભયાનક પૂર આવે અને તેનાં કારણે પહાડની નીચે વસેલા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પૂરનાં કારણે ખેતી ધોવાય-પશુઓ/માનવોના મૃત્યુ થાય - અનેક લોકો બેઘર બની જાય. ઉપરાંત ઘરવખરી વગેરે તણાઈ જાય તે નુકસાન અલગ.
વાતને વર્ષોના વહાણા વીત્યા. એક વાર એક સંત આ ગામમાં પધાર્યા. ગામના લોકોની મુશ્કેલીઓ જાણીને સંતનું કરૂણાશીલ હૈયું ભરાઈ આવ્યું. લોકોએ સંતને વિનંતી કરી કે 'મહાત્મન્ ! કોઈ યોગ્ય માર્ગ બતાવો, જેથી અમારી આ વર્ષોની વિપદાનો અંત આવે…' 'આનો ઉપાય તો બહુ સરળ છે.' સંતે કહ્યું : 'તમે સૌ આ પહાડની વિશાળ સમથળ ભૂમિમાં જઈને નિવાસ કરો. જેથી ભયંકર પૂર પણ તમને નુકસાન નહિ કરે.' લોકો સંતની વાત સ્વીકારીને ઉપર પહોંચ્યા. યોગ્ય સ્થાન જોઈને નિવાસ કરવા લાગ્યા. ઊંચાઈ પર રહેવાનાં કારણે પૂર વગેરેથી સલામત બની ગયા.
જીવનને ખુશીસભર બનાવવાની પ્રથમ ફોર્મ્યુલા પણ આ જ છે કે ઊંચાઈ પર રહેતા શીખીએ. જમીનથી ઉપર રહેનારને પૂર વગેરે નુકસાન કરતા નથી. તેમ મનને નિરાશ કરે તેવી દુ:ખદ ઘટનાઓથી ઉપર રહેનારને આ ઘટનાઓ પણ નાખુશ કરી શકતી નથી. ઘટનાઓથી ઉપર રહેવું એટેલે મનને તે ઘટનાઓથી અલિપ્ત રાખવું - દૂર રાખવું. યાદ રહે, દુ:ખદ ઘટનાઓના પૂર જ્યાં વારંવાર આવે તેનું નામ જિંદગી છે અને એ પૂર આવે ત્યારે મનને સમજણના પહાડ પર ચઢાવી દેવું એ ખુશીનો માર્ગ છે. અપનાવીશું આપણે ખુશીનો આ માર્ગ?




