For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હે દુર્યોધન! હું તને કુળના હિતમાં વાત કરું છું તું એ સાંભળીને પોતાના કુળનું હિત થાય તેમ વર્તન કર

Updated: Mar 27th, 2024

Article Content Image

- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।-ગૌતમ પટેલ

ક ર્ણે એક બાજુ માતાની અને બીજી બાજુ પોતાના સાચા પિતા સૂર્યની વાત સાંભળી પણ એની બુદ્ધિ જેને સત્ય માનતો હતો તેમાંથી સહેજ પણ ચલાયમાન થઈ નહીં. (અહીં મહર્ષિ વ્યાસે કર્ણ માટેનું એક અદ્ભુત વિશેષ વાપર્યું છે. સત્યને ધારણ કરનારી એટલે જે વાતને એણે સત્ય માની લીધી છે તેવી એની બુદ્ધિ ચલિત થઈ નહીં !)

હે ક્ષત્રિયાણી ! તમે જે મને કહ્યું છે એમાં હું શ્રદ્ધા રાખતો નથી આપે મારો ત્યાગ કર્યો એ જ એક મહાન પાપ હતું અને યશ તથા કીર્તિનો નાશ કરનારું હતું. હું ક્ષત્રિય તરીકે જન્મ્યો પણ મને ક્ષત્રિયના સંસ્કાર આપના કારણે જ ન મળ્યા. તે માતા તરીકે માતા જેવું મારું હિત આચર્યું નહીં હવે કેવળ પોતાનું હિત જાળવવા માટે આપ આમ કરી રહ્યા છો. પહેલાં હું પાંડવોનો ભાઈ ન હતો. હવે યુદ્ધના સમયે હું પાંડવોમાં જાઉં તો બીજા ક્ષત્રિયો મારે માટે શું કહેશે ?

ધૃતરાષ્ટ્રના પુત્રોએ-કૌરવો સર્વકાલ- બધા જ સમયે મારી પૂજા-સન્માન કર્યું છે. હવે હું એ કૌરવોની ઈચ્છાને કેવી રીતે નિષ્ફળ બનાવું ? મારા આધારે તેઓએ શત્રુતાને પોષી છે અને હું વિફલ કેવી રીતે કરું ? એમના મનોરથોનો ઉચ્છેદ મારાથી કેવી રીતે થાય ? મને એક નાવ જેવો માની યુદ્ધ સાગરને તરવાની તેઓ ઈચ્છા રાખે છે તેમને હું કેવી રીતે ત્યજી દઉં ? આજ કૌરવો માટેનો સમય આવ્યો છે જ્યારે હું મારા પ્રાણની પણ પરવા કર્યા વિના એનો સાથ કેવી રીતે છોડી શકું ? જે રાજા પ્રત્યે પાપ આચરે તેવા પાપીઓ માટે આ લોક કે પરલોક નથી. હું કૌરવોનો પક્ષ લઈ તમારા પુત્રો સાથે યુદ્ધ કરીશ. મારા બધા બળ અને શક્તિ સાથે લડીશ. હું એમાં તમારી સામે જુઠું બોલતો નથી, સત્યપુરુષને યોગ્ય એવું નિંદાપાત્ર નહી તેવું કાર્ય કરતી વખતે હું તમારી વાત માની શકું નહીં.

આપ મારી પાસે આવ્યા છો. તો આપનું મારી સાથે મળવાનું કાર્ય નિષ્ફળ નહીં જાય. હું અર્જુન સિવાયના યુદ્ધિષ્ઠિર, ભીમ, નકુળ અને સહદેવને હું યુદ્ધમાં હણીશ નહીં. હું અર્જુન સામે જ યુદ્ધ કરીશ. અરે ! હું એ સવ્યસાયી (બે હાથે બાણ ચલાવનાર) દ્વારા યુદ્ધમાં હણાઈશ તો પણ મને યશ મળશે પછી બોલ્યો -

હે યશસ્વિની ! તારા પાંચ પુત્રો છે તે ઓછા થશે નહીં પાંચના પાંચ જ રહેશે. અર્જુન વિનાના અને કર્ણ સાથેના અથવા હું યુદ્ધમાં હણાઈશ તો અર્જુન સાથેના ટૂંકમાં તારા જે આજે પાંચ પુત્રો છે તેમ યુદ્ધ પછી પણ પાંચ જ રહેશે. માટે અર્જુન નહીં હોય અથવા હું નહીં હોઉં પણ પાંચ તો રહેશે જ.

કર્ણની વાત સાંભળી કુન્તી દુ:ખથી ધ્રુજી ગયા પોતાના પુત્ર કર્ણને આલિંગન આપ્યું અને કહ્યું. હે કર્ણ ! તું જેમ કહે છે તેમ કૌરવોનો ક્ષય વિનાશ થશે. ભાવિ ઘણું બળવાન છે. ઘ્હ્મંધ્ બ્દ્ય ખ્ક્રઁંડ્ડક્રથ્ઋક્રે ત્ન તેં ચાર ભાઈઓ માટે અભય આપ્યો છે તેનો હું સ્વીકાર કરું છું. તારું અનામય થાય એટલે તું રોગરહિત રહે અને સ્વસ્તિ એટલે કલ્યાણ થાય. કર્ણે માતાના વચનનો તથા એમ કહીને સ્વીકાર કર્યો.

મહાભારતના અતિ તેજસ્વી પાત્રોની ગણતરી કરવાનો પ્રસંગ આવે તો કર્ણના નામની ઉપેક્ષા કરી શકાય નહીં. એણે પોતાના મિત્રકાર્ય માટે જાણતો હોવા છતાં મરવાનું પસંદ કર્યું પણ કૃષ્ણ કે કુન્તીના કહેવા મુજબ યુદ્ધિષ્ઠિરના મોટાભાઈ બની સમગ્ર રાજયના અધિપતિ થવાની લાલચમાં એ ફસાયો નથી. એની વીરતાને - વચન પ્રિયતાને નમસ્કાર.

હવે મહાભારતકાર આ પછી શ્રીકૃષ્ણ વિષ્ટી કરીને આવ્યા અને યુધિષ્ઠિર સાથે શું વાર્તાલાપ થયો એ વર્ણવે છે. કૃષ્ણે સભામાં જે બન્યું તે જણાવી દીધું અને વિશ્રામ કરવા ચાલ્યા ગયા. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે પાંડવોએ સંધ્યા વંદન કર્યું પછી પ્રભુ શ્રીકૃષ્ણ પાસે પધાર્યા અને યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો. 'હે પુંડરીકાક્ષ ! આપે કૌરવોની સભામાં જઈને શું કહ્યું. તે કહો. શ્રીકૃષ્ણે એક જ શ્લોકમાં ઉત્તર આપ્યો.' મેં કૌરવોની સભામાં જઈને તથ્ય=સાચું અને પથ્ય=આચરવા યોગ તથા હિત એટલે હિતકારી એવી વાત કરી પણ દુષ્ટ બુદ્ધિનાએ સ્વીકારી નહીં.

આ સાંભળી યુદ્ધિષ્ઠિરે શ્રીકૃષ્ણને વિગતવાર પ્રશ્નો કર્યા આપ એ સભામાં પધાર્યા હતા ત્યાં પિતામહ ભીષ્મ ઉપસ્થિત હતા તેમણે દુર્યોધનને શું કહ્યું ? આાર્ય દ્રૌણ, પિતા ધૃતરાષ્ટ્ર કે માતા ગાંધારીએ ત્યાં શું કહ્યું ? વળી ત્યાં જે બધા રાજાઓ હતા તેમણે શું કહ્યું. તે સહુની વાત અમારે જાણવી છે અને 

આપ જ અમારી ગતિ છો, આપ જ અમારા નાથ છો અને આપ જ અમારા ગુરૂ છો.

આ છેલ્લા વિધાનમાં યુધિષ્ઠિરની કૃષ્ણભક્તિ અર્ધાશ્લોકમાં પણ પરિપૂર્ણ રીતે અભિવ્યક્ત થઈ છે. આ છે મહર્ષિ વ્યાસની કલમની કળામત.

વાસુદેવે ઉત્તર આપ્યો. જેમાં સભામાં જે બન્યું તેનો વિસ્તૃત ચિતાર છે. આપણે મુખ્ય વાતો જ નોંધીશું. મેં જ્યારે રજૂઆત કરી ત્યારે દુર્યોધન માત્ર હસ્યો આથી ભીષ્મ ગુસ્સે થયા અને બોલ્યા. હે દુર્યોધન ! હું તને કુળના હિતમાં વાત કરું છું તું એ સાંભળીને પોતાના કુળનું હિત થાય તેમ વર્તન કર. મારા પિતા શન્તનું હતા અને તેઓના હું એક જ પુત્ર હતો તેમને વિચાર આવ્યો કે એક પુત્રને બદલે બીજો પુત્ર પણ થાય. મનીષિઓ એક જ પુત્ર હોય તેને અપુત્ર જ ગણે છે. બીજો પુત્ર હોય તો કુળનો કે યશનો ઉચ્છેદ ન થાય. મેં તેમની ઈચ્છા જાણીને મેં જે ભીષ્મ પ્રતિજ્ઞા કરી અને એ અન્ય સ્ત્રીને પરણ્યા એ વાત સુવિદિત છે. એ પછી વિચિત્ર વીર્ય થયા. એ સુપુત્ર મર્યા એટલે મને માતાએ દબાણ કર્યું પણ મેં પ્રતિજ્ઞા છોડી નહીં. પણ મહર્ષિ વ્યાસને વિનંતી કરી તેઓના નિયોગથી ત્રણ પુત્રોનો જન્મ થયો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. એમાં દુર્યોધન તારા પિતા અંધ હોવાથી રાજગાદી ન પામ્યા. પાંડુને ગાદી મળી. હવે એ પાંડુના પુત્રો જે પાંડવો છે એ પોતાના હક માંગી રહ્યા છે.

એ રાજા પાંડુના એ પુત્રો એટલે પાંડવો પિતાનો વારસો મેળવવા હકદાર છે. માટે કલહ ન કરે અને તેમને રાજયનો અર્ધો ભાગ આપી દે. તું પિતાની ગાંધારીની તથા વિદુરની વાત નહીં માનીને તારી પોતાની જાત અને સમગ્ર પૃથ્વીનો વિનાશ નોતરીશ.

આ પછી ભગવાને દ્રોણે દુર્યોધનને જે કહ્યું તે વર્ણવ્યું વળી ગાંધારી અને વિદૂરનું કથન પણ વિસ્તારથી જણાવ્યું. બધાની વાતનો સાર એક જ કે પાંડવો રાજયના અધિકારી છે અને દુર્યોધને એ આપવું જોઈએ નહીં તો આખા કુળનો નાશ થશે. ( આ બધું આગળ વિસ્તારથી આવી ગયું છે તેથી પુનરાવર્તન ટાળ્યું છે.) વિદુરને તો લાગે છે વિનાશ સામે ઉપસ્થિત થયો છે ત્યારે તારી બુદ્ધિ નષ્ટ થઈ છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.

Gujarat