જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી

- શ્રીકૃષ્ણ ભગવાનગીતા અધ્યાય:૬, શ્લોક ૩૦
- ભગવાન માત્ર મંદિરમાં જ હોય છે - એ વહેમ ટાળવા જેવો છે. જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી.
કોયલના ટહુકાનું મૂલ્ય ગાયત્રી મંત્રથી ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી. ઢેલ આગળ કળા કરતાં મોરનો અદ્ભૂત નૃત્ય વૈભવ નિહાળ્યા પછી થનગનાટનો અનુભવ જ ન થાય તેને માણસ કહેવો કે કેમ ? એ એક યક્ષ પ્રશ્ન છે. સુગરી અને દરજીડાનો માળો જોયા પછી જો વિશ્વકર્મા યાદ ન આવે તો જ નવાઈ ! યોગ : કર્મસુ કૌશલમ્. કરોળિયાનું જટીલ, જાળું જોયા પછી આજના ઈજનેરો ભોંઠા પડી જાય છે. વાહ રે ! કુદરત.
વહેલી પરોઢે કૂકડો બોલે તેમાં પ્રભુની રોકડી પરોક્ષ ચેતના ઉજાગર થાય છે. હોલાનું પ્રભુ તું પ્રભુ તું સ્મરણ ભક્તિની પરાકાષ્ઠા છે. મોટા લટકતા મધપૂડાનું ભમરીઓનું નિવાસસ્થાન સંપ ત્યાં જંપ-ની યાદ અપાવી જાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયની લાલિમા અસ્તિત્ત્વનું અસ્તિત્ત્વ છે એનો પુરાવો છે. સપ્તરંગી મેઘધનુષ્ય એ તો સ્વયં ઇશ્વરના હસ્તાક્ષર છે. સમુદ્ર તટે બેસી દરિયાનાં મોજાંના ઘૂઘવાટની આજદિન સુધી કોઈ નકલ કરી શક્યું નથી ! મનને શાંત કરવાની તાકાત ઘૂઘવાટમાં છે.
અંધારી રાતના ઝબૂકતા આગિયાના ક્ષણિક થતા ચમકારા વીજળીના ચમકારે મોતી પરોવવાનો બોધ બધાને આપી જ દે છે. ગાયને ઘાવતું વાછરડું માતૃપ્રેમનો લાગણીસભર ખજાનો છે. સંધ્યા ટાણે થતો ઘંટારવ કાનની ઉપયોગિતાને સાર્થક કરે છે. દેડકાઓનું ડ્રાઉ ડ્રાઉનું સમૂહગાન સંગીતસભાની કક્ષાનું હોય છે. માતાના મુખેથી વહાલસોયા લાડલા માટે ગવાતું હાલરડું વહેલી સવારે ગવાતા પ્રભુના પ્રભાતિયાની ગરજ સારે છે. ભ્રમરનો ગુંજારવ સારેગમપધનિ-થી ઉતરતો નથી હોતો. તમરાંનો તીણો અવાજ તંબૂરાના તારની સ્પર્ધા કરતો હોય છે.
ભગવાન માત્ર મંદિરમાં જ હોય છે - એ વહેમ ટાળવા જેવો છે. જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી. (ગીતા અધ્યાય : ૬ : શ્લોક : ૩૦). પીપળાની પૂજા સ્વયં વિષ્ણુની પૂજા છે. ગૌમાતાની સુશ્રુષા ગોપાળની ભક્તિનું શુદ્ધ રૂપાંતર છે, ગાયમાં ૩૩ (તેત્રીસ) કરોડ દેવતા છે એવું વાતે વાતે કહેનારને એક ગાય આપના આંગણે બાંધી પાળવાનું કહીએ તો પોતે જાણે અબઘડી ''દેવ'' થઈ જશે એવું કટાણું મોઢું કરી ભાગી જનારાઓની બહુમતી છે. અભી બોલા અભી ફોક. ઐસા ભી હોતા હૈ !
પહેલા પહેલા વરસાદની માટીની મહેંક (ફોરમ), ઉષા અને સંધ્યા ટાણે થતો પક્ષીઓનો કાનને ગમી જાય તેવો કલરવ, ઝરણાનો ખળખળાટ, પારિજાતનાં પુષ્પોનો પમરાટ, રાતરાણીની માદક સુગંધ, લજામણીની નજાકત, વૃક્ષોની તાજી કૂંપળો, અગણિત એવાં ફળોની મીઠાશ, પૂનમની ચાંદની, વીજળીનો તેજ લિસોટો, ખેતરોમાં લીલાંછમ લહેરાતાં (ઘઉં, બાજરી, મકાઈ, જુવાર) કોમળ કણસલાં, રંગબેરંગી પતંગિયાંની ફોજ અને આત્મા-પરમાત્મામાં ભળી જાય તેવું નદીનું સાગરમાં એકાકર વિલીન થઈ જવું - માં જો કોઈને જગતનિયંતાનાં દર્શન થઈ જતાં હોય તો તેવા માટે મંદિર જવું ફરજિયાત નથી. કારણ કે સર્વ ભૂતોનું બીજ હું છું, એવું કોઈપણ સ્થાવર-જંગમ નથી કે જે મારા વિનાનું હોય (ગીતા-વિભૂતિયોગ, શ્લોક:૩૯) એવું શ્રીકૃષ્ણ કહીને આ બાબતનું સમર્થન કરે છે.
બકરો ખુદ મેલડી માતાનું વાહન છે પણ માનતા રાખી ભૂવા આખેઆખો બકરો કાપી, રાંધીને ખાઈ જાય છે ત્યારે મેલડી માતા કેવી રીતે રાજી રહેતાં હશે એવો પ્રશ્ન કોઈને થતો જ નથી. તો પછી મા અંબાજીનું વાહન વાઘ છે - લો, તમારામાં તાકાત હોય તો વાઘની માનતા એક વાર તો રાખો-ભુવાજી-આવો..મેદાનમાં.
૩૦ (ત્રીસ) ફૂટ ઊંચા ફલેટની પાણીની ટાંકી માટે મોટર ફરજિયાત છે પણ દરિયા કિનારે પચાસ ફૂટ ઊંચી નાળિયેરીનાં ત્રીસથી પચાસ નાળિયેરમાં સરસ શુદ્ધ મીઠું પાણી કોણ ભરી જાય છે? મા-ના ઉદરમાં ગર્ભસ્થ શિશુનાં તમામ અંગો બહારથી એક પણ મટીરીયલ વગર આપોઆપ થઈ જાય ત્યારે એ દિવ્યતત્ત્વનો અહેસાસ થઈ જાય છે. પિંડે સો બ્રહ્માંડે અહં બ્રહ્માસ્મિ-તે આનું નામ!!
વર્ષોના અનુભવ પછી એક વાત જડી છે: મા બાપની સેવા, રોગીની સુશ્રુષા, જીવદયા, પક્ષીઓને ચણ, તરસ્યા માટે પરબ, ભૂખ્યાને ભોજન, અતિથિ અને વડીલોનો આદર, સ્ત્રી દાક્ષિણ્ય, નીતિ અને પરસેવાની કમાણી, આત્મભાન અને આત્મજ્ઞાનનું ધ્યાન રાખશો તો સ્વયં ભગવાન તમારું ધ્યાન રાખશે. એક વાર આ અજમાવી તો જુઓ! સુખને એક અવસર તો આપો!!
- પી.એમ. પરમાર




