Dharmlok

દુ:ખ, દારિદ્રય, ભય અને સંકટ દૂર કરી વિજય આપનારાં દેવી દુર્ગા

By GS Team
8 Oct 20263 mins read
દુ:ખ, દારિદ્રય, ભય અને સંકટ દૂર કરી વિજય આપનારાં દેવી દુર્ગા
  • વિચાર-વીથિકા-દેવેશ મહેતા

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો:
સ્વસ્થૈ: સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ ।
દારિદ્રય દુ:ખ ભયહારિણી કા ત્વદન્યા
સર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા ।।
હે દુર્ગા દેવી ! તમે સ્મરણ કરવામાં આવે ત્યારે બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ પુરુષો દ્વારા ચિંતન કરવામાં આવે ત્યારે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ પ્રદાન કરો છો. દુ:ખ, દરિદ્રતા અને ભય હરનારા દેવી તમારા વિના બીજું કોણ છે જેમનું ચિત્ત બધા પર ઉપકાર કરવા માટે હમેશાં કરુણાર્દ્ર રહેતું હોય !

  • દુર્ગા સપ્તશતી, અધ્યાય-૪, શ્લોક-૧૭
    ભારતીય સનાતન પરંપરામાં 'દુર્ગા' માત્ર એવા દેવીનું નામ નથી પરંતુ પરમ શક્તિના એક એવા દિવ્ય સ્વરૂપનું નામ છે જે અધર્મનો નાશ કરે છે, દુર્ગતિને દૂર કરે છે અને ભક્તોની રક્ષા કરી તેમના સકલ મનોરથોને પરિપૂર્ણ કરે છે. તે જ્ઞાાન અને આત્મબળનો પ્રકાશ પ્રસરાવે છે. દુર્ગા દુર્ગમને પાર કરાવી સંસારના દુ:ખો, ભય, વિઘ્નો અને અજ્ઞાાનમાંથી જીવને પાર ઉતારનારી ઉદ્ધારક, તારક શક્તિ છે.
    પર બ્રહ્મની સક્રિય અવસ્થાનું નામ શક્તિ છે. સમગ્ર વિશ્વની અંદર રહેનારી નિર્વિકાર પરમ સત્તાનુ ંનામ શિવ છે. એમની શક્તિના અનંત રૂપો છે. માયા, મહામાયા, મૂલ પ્રકૃતિ, આદિ શક્તિ, મહેશ્વરી, પરા શક્તિ, પરા વિદ્યા એ બધા એ પરમ શક્તિના જ નામો છે. ચિદ્ રૂપે પોતાનું કાર્ય કરે છે ત્યારે નિર્વિશેષ બ્રહ્મ વિશેષ અનુભૂતિમય બની જાય છે. એને જ શિવ તત્વ કહેવામાં આવે છે. આનંદ શક્તિના કાર્યકલાપથી જ્યારે જીવનનો સંચાર થાય છે ત્યારે બ્રહ્મની બીજી અવસ્થા ઉદ્ભવે છે જેને શક્તિ તત્વ કહેવામાં આવે છે. પોતાના અભિપ્રાયને વ્યક્ત કરવાની ઇચ્છાથી ત્રીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. તે પછી બ્રહ્મની જ્ઞાાન અવસ્થા આવે છે તેનાથી આગળની અવસ્થામાં જ્ઞાાતા અને જ્ઞોયનો ભેદ ઉત્પન્ન થાય છે. ત્યાંથી ક્રિયાનો આરંભ થાય છે. તે જ શુદ્ધ વિદ્યાની અવસ્થા છે. આ રીતે આ પાંચ અલૌકિક તત્વ શિવની પંચધા શક્તિના અભિવ્યક્ત રૂપ છે.
    'જગત બ્રહ્મરૂપી ફૂલની સુગંધ છે. બ્રહ્મ રૂપી લતાનું ફળ છે. બ્રહ્મની સત્તા જ જગતની સત્તા છે અને જગત જ બ્રહ્મનું રૂપ છે. સર્વશક્તિયુક્ત બ્રહ્મ બધાનું ઇશ્વર છે જે શક્તિ દ્વારા પ્રગટ થવા માંગે છે તે જ દ્રષ્ટિગોચર થઈ જાય છે. તે પરમ આકાશ (અનંત તત્વ) જેને મેં ચેતન સ્વરૂપ (બ્રહ્મ) જણાવ્યું છે તે શિવ પણ કહેવાય છે. તે સનાતન છે. એની મનોમયી સ્પન્દશક્તિ (ક્રિયા શક્તિ)ને એની સાથે સદા-સંયુક્ત સમજો.' યોગવશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠ મુનિએ આ રીતે શિવ-શક્તિ સ્વરૂપની સમજ આપી છે.
    દુર્ગા દેવી માટે કહેવામાં આવ્યું છે - સૈષા પ્રસન્ના વરદા નૃણાં ભવતિ મુક્તયે । સા વિદ્યા પરમા પ્રોક્તા ભવબન્ધવિમોચિની ।। જ્યારે દેવી પ્રસન્ન થાય છે ત્યારે તે મનુષ્યોને વરદાન આપે છે અને મુક્તિ પ્રદાન કરે છે. તે જ દેવી પરમ વિદ્યા કહેવાઈ છે. જે જીવને સંસારના બંધનથી મુક્ત કરે છે (દેવી માહાત્મ્ય, દુર્ગા સપ્તશતી) મહાભારતના ભીષ્મ પર્વના ૨૩મા અધ્યાયમાં દર્શાવાયું છે કે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રના મેદાન પર યુદ્ધ શરૂ થતાં પહેલાં ભગવતી દુર્ગા દેવીની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અર્જુને વિશુદ્ધ અંતરાત્માથી શ્રી દુર્ગા સ્તવન કર્યુ ંહતું. અર્જુનના આ સ્તવનથી પ્રસન્ન થઈ દુર્ગા દેવી આકાશમાં પ્રગટ થયા હતા અને તેને વરદાન આપ્યું હતું - 'હે પાંડવ શ્રેષ્ઠ ! બહુ જ ઓછા સમયમાં તું તારા શત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લેશે.' દેવી માતાના આ વરદાનથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં અમોઘ વિજય પ્રાપ્ત થયો હતો. આ કારણે આ સ્તુતિને વિજયમંત્રો પણ કહેવાય છે. આ સ્તોત્રના પાઠથી શત્રુઓ, રોગો અને તમામ પ્રકારના ભયોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં ગુપ્ત કે પ્રગટ શત્રુઓ દ્વારા ઊભી કરાયેલી મુસીબતો આપમેળે નષ્ટ થઈ જાય છે. તે ઉપરાંત તે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ પણ પ્રદાન કરે છે.