Dharmlok

''ગાયત્રી'' એક આધ્યાત્મિક ત્રિવેણી છે

By GS Team
30 Sep 20263 mins read
''ગાયત્રી'' એક આધ્યાત્મિક ત્રિવેણી છે

ગંગા, ગીતા, ગાય અને ગાયત્રી એ ચાર આર્યધર્મના આધાર સ્તંભ છે. ભારતીય ધર્મનો દરેક અનુયાયીઓ આ ચારેયને માતા જેટલું જ માન આપે છે અને આર્યધર્મના બધા જ અનુયાયીઓ એક જ માતાનાં સંતાન હોય એ રીતે પરસ્પર એકતાનો અનુભવ કરે છે.
'ગાયત્રી'ને આધ્યાત્મિક ત્રિવેણી કહી છે… ગંગા અને યમુનાનાં સંગમથી એક અદ્રશ્ય, સુક્ષ્મ અને અલૌકિક દિવ્ય નદીનો આવિર્ભાવ થાય છે, જેને આપણે સરસ્વતી કહીએ છીએ. ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણેય પવિત્ર નદીઓના સંગમને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ - ત્રિવેણી હોવાને કારણે જ પ્રયાગને તીર્થરાજ કહીએ છીએ. જે સર્વતીર્થોનો રાજા ગણાય છે.
એ જ રીતે આ ગાયત્રી શબ્દનાં ત્રણેય અક્ષરો સાંકેતિક રીતે એવાજ પ્રકારના ત્રિગુણાત્મક સંગમના રહસ્યોનું ઉદ્બોધન કરે છે. 'ગા' એ ગંગા નામનો પહેલો અક્ષર ગંગાનો બોધક છે, 'ય' નામનો બીજો અક્ષર યમુનાનો બોધક છે. ત્રીજો વર્ણ 'ત્રી' ત્રિવેણીનું અસ્તિત્વ બતાવે છે. આ ત્રયીશક્તિમાં આવા અનેક 'ત્રિકમો' ગુંથાયેલાં છે. જેમકે, (૧) સત્, ચિત્ત, આનંદ, (૨) સત્ય, શિવ અને સુંદર, (૩) સત્વ, રજ અને તમ્, (૪) ઇશ્વર, જીવ અને પ્રકૃતિ, (૫) ઋક્, યજુ અને સામ, (૬) બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, (૭) બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, (૮) ગુણ, કર્મ અને સ્વભાવ, (૯) શૈશવ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, (૧૦) વાયુ, પિત્ત અને કફ, (૧૧) આકાશ, પાતાળ અને પૃથ્વી, (૧૨) ઉત્પત્તિ, સ્થિતિ અને ક્ષય, (૧૩) ઠંડી, ગરમી અને વર્ષા, (૧૪) દેવ, અસુર અને મનુષ્ય, (૧૫) ધર્મ, અર્થ અને કામ.
આ ગાયત્રી છંદના ગર્ભમાં પણ સંપુટિત કરેલાં છે. આ ત્રિવેણી રૂપી ત્રિકમોના ઉંડાણમાં ગોતું લગાવીને મનન, ચિંતન તેમજ પારશીલનરૂપી સ્નાન કરવાથી ભૌતિક જગતની ત્રિવેણીમાં સ્નાન કર્યાથી મળતા પુણ્યની જેમ આધ્યાત્મિક પુણ્ય-લાભ મળે છે. આ ત્રણેય અક્ષરોમાં અનેક પ્રકારોની ત્રણ-ત્રણ સમસ્યાઓ મનુષ્યની સમક્ષ મુકવામાં આવી છે. એમાં યોગ્ય રીતે ઉંડા ઉતરીને જીવન મુક્તિનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.
ત્રિવેણીનાં ત્રણેય પ્રવાહમાં બહારથી જોતાં ખૂબ જ ભયંકર, વિશાળ, અગાધ તેમજ ન તરી શકાય એવા દેખાય છે. એ જ રીતે 'ગાયત્રી'માં જે સમસ્યાઓ સમાયેલી છે તે પણ ખરેખર અગમ્ય લાગે છે, પરંતુ જેમ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને સ્નાન કરવાથી ભય દૂર થઈ જાય છે અને શાશ્વત શાંતિ તેમજ પરમાનંદના દરવાજા ખૂલવાનો અનુભવ થાય છે એ જ રીતે 'ગાયત્રી'માં છુપાયેલી સમસ્યાઓનું ચિંતન, મનન અને અવગાહન કરવાથી એવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે સન્માર્ગ તરફ દોરે છે. ગાયત્રી નિ:સંદેહ આધ્યાત્મિક ત્રિવેણી છે તેમજ તીર્થરાજ તેને માનવી જોઈએ. એમાં રહેલું તત્વજ્ઞાન, અત્યંત સરળ, સુબોધ, સુગમ અને સ્થાયી સુખ-શાંતિ આપવાવાળું છે.
'ગાયત્રી'નો મહિમા અનંત છે. વેદ-પુરાણ, શાસ્ત્ર-ઇતિહાસ, ઋષિ-મુનિ, સંસારી-વૈરાગી વગેરે બધા જ સમાન રીતે તેના મહિમાનાં મહત્વનો સ્વીકાર કરે છે. તેમાં આપણી દ્રષ્ટિને બદલી નાખવાની અદ્ભુત શક્તિ છે. આપણા ભ્રાંતિ બુદ્ધિને સન્માર્ગે લઈ જનાર છે. મનુષ્યો માટે આનંદદાયક બની જાય છે.
વિષમ સ્થિતિમાંથી આપણા મનને, મગજને દૂર કરી તેને યોગ્ય માર્ગ પર ચઢાવવાની શક્તિ ગાયત્રીમાં છે. આની ઉપાસનાથી પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત થાય છે. જીવનનું સુંદરમય અને કલ્યાણમય સ્વરૂપમાં દર્શન કરતા શીખી જાય છે. આથી જ વેદમાતા ગાયત્રીને મહામહિમામયી કહી છે. તેનું મહાત્મ્ય અનંત છે. ચારેય વેદોની માતા તરીકે પંચમુખી ગાયત્રી ઓળખાય છે.

  • ગાયત્રી-ગીતા :- વેદમાતા ગાયત્રીનો મંત્ર નાનો સરખો જ છે. એમાં ૨૪ અક્ષરો છે. પરંતુ એટલે થોડા અક્ષરોમાં જ્ઞાનનો ભંડાર ભરેલો છે. જે જ્ઞાન 'ગાયત્રી'નાં ગર્ભમાં છે. તેટલું તો સર્વાંગ સંપૂર્ણ અને પરમાર્જિત છે, કે મનુષ્ય જો એને બરાબર સમજીને અને એ મુજબ જીવે તો તેના આ લોક અને પરલોક બંને સુખે-શાંતિમય બની શકે.
    આધ્યાત્મિક તેમજ સાંસારિક બંને દ્રષ્ટિએ ગાયત્રીને સંદેશ ખૂબ જ અર્થપૂર્ણ છે. તેનું મનન કરવામાં આવે તો સદ્જ્ઞાનનો અવિરત પ્રવાહ તેમાંથી પ્રગટે છે. આપણે સહુ આ વૈશ્વિક મંત્રનો પાઠ કરી જીવનને અમૃત બનાવી એવી ગાયત્રી માતાને પ્રાર્થના સાથે.