'વૃંદાવનથી ડાકોર સુધીઃ એક જ ચંદ્ર-અનેક રાસ'

આસો માસની શરદ પૂર્ણિમા એટલે પ્રકૃતિ અને પરમાત્માના દિવ્ય મિલનની અનોખી રાત્રિ છે. શરદ પૂનમની દિવ્ય રાત્રિએ સોળે કળાએ ખીલેલો ચંદ્ર પૃથ્વી પર અમૃત વરસાવી રહ્યો હોય ત્યારે માનવમન પર બ્રહ્માંડના બે પરમ ધામ-વૃંદાવન અને ડાકોર અંકિત થાય છે, વૃંદાવન એ ભક્તિનું હ્ય્દય છે, તો ડાકોર એ ભક્તિનું શ્રેષ્ઠ સમર્પણ છે. બંને ઉર્જાથી ધબકતા આધ્યાત્મિક તીર્થસ્થાનો છે. વૃંદાવન કનૈયાની લીલાઓનું દિવ્ય ધામ છે, તો ડાકોર વાત્સલ્ય અને ભક્તવત્સલતાનું જીવંત પ્રતીક છે. વૃંદાવનની પવિત્ર રજ-કણમાં રાધા-કૃષ્ણ ધબકે છે, જ્યારે ડાકોરમાં ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ તથા તેનો આત્મિક પ્રેમ જોઈને પ્રભુ સ્વયં શ્રી દ્વારિકાના નાથ ડાકોર પધારે છે. જ્યારે માનવના હૃદયમાં વૃંદાવનના યમુના કિનારે રચાયેલા મહારાસનું અનોખું દ્રશ્ય તથા ડાકોરના ગોમતી તળાવના તીરે પરમ ભક્ત બોડાણાની પ્રેમલક્ષણા ભક્તિનું ભવ્ય ચિત્ર અંકિત થાય છે, ત્યારે જીવાત્મા પરમાત્મા તરફ વળે છે, અને આત્મસાક્ષાત્કાર સહજ બની જાય છે.
આભમાં ચમકતો ચંદ્ર તો એક જ છે, પરંતુ વૃંદાવનથી લઈને ડાકોર સુધી વિસ્તરેલી એ રાસની દિવ્યતા અને આનંદ અનેક સ્વરૂપે અણમોલ છે. ભારતીય ચિંતન કહે છે : ''સત્ય એક છે, પણ તેની અભિવ્યક્તિ અનેક છે.'' વૃંદાવનનો મહારાસ રાધા અને ગોપીઓની નિર્મળ, નિષ્કામ અને નિ:સ્વાર્થ ભક્તિ છે, જ્યાં 'માધુર્ય ભાવ'નું સર્વોચ્ચ શિખર અનુભવાય છે. ડાકોરનો ભક્તિપ્રકાશએ ભક્ત બોડાણાની અનન્ય અને સમર્પિત ભક્તિ છે, જ્યાં રાસનું સ્વરૂપ બદલાઈને 'વાત્સલ્ય ભાવ'માં પરિવર્તિત થાય છે.
ભક્તિના ભાવો બદલાય છે, રાસની શૈલી બદલાય છે, પણ તત્ત્વ તો એક જ છે. વૃંદાવનના કાન્હા અને ડાકોરના શ્રી રણછોડરાયજી બંને એક જ છે. પ્રભુની લીલાઓ ખરેખર અનન્ય, અકળ અને અદ્ભૂત છે. જ્યાં આવી શુદ્ધ, ભાવપૂર્ણ અને અંતરની આસ્થાથી તરબતર ભક્તિ પ્રગટે છે, ત્યાં અખિલ બ્રહ્માંડના નાથ દોડીને આવે છે. ભગવાન પોતાના ભક્તને વરે છે, સ્વીકારી લે છે, હર્ષથી અપનાવે છે, ભેટે છે, અને ભક્તના પ્રેમને વશ થઈ જાય છે. ભગવાન ભક્ત પર પ્રસન્ન થઈને તેના પર આશીર્વાદ અને કૃપાનો વરસાદ વરસાવે છે. ભક્ત બોડાણા, ભક્ત નરસિંહ મહેતા, ભક્તરાજ પ્રહલાદ, શબરી, મીરાંબાઈ, દ્રોપદી… વગેરે ભક્તિમાર્ગના ઉત્તમ ઉદાહરણો છે. મીરાંબાઈએ ગાયું છે કે : 'મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ…'
શરદ પૂનમની રાત્રિનું શીતળ અને મનોરમ સૌંદર્ય નિહાળીને આનંદ માણવાનો તો છે જ, પરંતુ એ શીતળતા અને તેજને માનવે પોતાના અંતરમાં પ્રગટાવવાનું છે. વર્ષાઋતુ પછી ખીલેલી ધરાનું હરિત અને રળિયામણું દ્રશ્ય માનવને પ્રેરણા આપે છે કે પ્રત્યેકે પોતાના જીવનને નવરંગી, ઉમંગી, ચેતનવંતુ અને હરિયાળું બનાવવું જોઈએ. આ એવી પવિત્ર ક્ષણ તથા અનોખો અવસર છે જ્યાં બહારી સૌંદર્ય એ જ માનવીની 'આધ્યાત્મિક સાધના' બની જાય છે. આકાશનો ચંદ્ર ભલે મૌન છે, પણ એનું મૌન માનવને ઘણું બધું સમજાવી જાય છે, પૂર્ણિમાની આ 'અમૃતરાત્રિ' પોતાના 'મૌન પગરવ' દ્વારા માનવને ચૈતન્યશીલ અને સકારાત્મક દિશા તરફ ગતિ કરવાની સુંદર પ્રેરણા પૂરી પાડે છે. જીવનના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી આત્મિક પ્રકાશ રેલાવવાનો આ સોનેરી અવસર છે.
આ શરદ પૂર્ણિમાએ આપણે સૌ આપણી ભીતર એક નાનકડું વૃંદાવન અને ડાકોર સર્જીએ, જ્યાં ગોપીઓ જેવો દિવ્ય ભાવ હોય તથા બોડાણા (ભક્ત) જેવી અતૂટ આસ્થા હોય. આથી રાસવિહારી રાધાકૃષ્ણ અને રણછોડરાય આપણાં હૃદયમંદિરમાં સદાય માટે બિરાજમાન થઈ જાય. કૃષ્ણપ્રેમનો દિવ્ય રાસ તથા ભક્તિનો ભવ્ય ઉલ્લાસ આપણા જીવનને આધ્યાત્મિક આનંદથી ભરી દે તેવી શરદપૂર્ણિમાના દિવસની શુભેચ્છાઓ!
- દિનેશ એલ.જોષીપુરા




