For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુર્ગા દેવીની ઉપાસના દારિદ્રય, દુ:ખ અને ભયનો નાશ કરી સદ્ગતિ પ્રદાન કરે છે

Updated: Apr 24th, 2024

દુર્ગા દેવીની ઉપાસના દારિદ્રય, દુ:ખ અને ભયનો નાશ કરી સદ્ગતિ પ્રદાન કરે છે

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- ઈશ્વર એટલે કે શિવને પણ ક્રિયા કરવાની શક્તિ દુર્ગા જ પ્રદાન કરે છે

શિ વ: શકત્યા યુક્તો યદિ ભવતિ શક્ત: પ્રભવિતું ન ચેદેવં દેવો ન ખલુ કુશલ: સ્પન્દિતુજાપિ । અતસ્ત્વામારાધ્યાં હરિહરવિરંચ્છાદિભિર્પ પ્રણન્તું સ્તોતું વા કથમકૃતપુણ્ય: પ્રભવતિ ।। શિવ શક્તિથી જોડાઈને જ સર્જન, પોષણ અને સંહારના કાર્યો કરવા સમર્થ બને છે. જો તે શક્તિથી રહિત હોય તો સ્પંદન પણ કરી ના શકે એટલે કે જરાય હાલી શકવા પણ શક્તિમાન નથી. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ એમની આરાધના કરે છે. પુણ્યાત્મા હોય એ જ ભગવતી દેવી દુર્ગા માતાને પ્રણામ કરી શકે છે અને એમની સ્તુતિ કરી શકે છે.

- આદિ શંકારાચાર્ય, સૌંદર્ય લહરી, શ્લોક-૧

ભગવાન શિવે સ્વયં એકવાર એમના અર્ધાંગિની પાર્વતીને કહ્યું હતું - 'શક્તિ વિના મહેશાનિ સદાહં શવરૂપક: । હે મહેશ્વરી, શક્તિ વિના એટલે કે તમારા વિના હું હમેશાં શબ (મડદા) સમાન છું. હું જ્યારે શક્તિયુક્ત (તમારી સાથે જોડાયેલો) હોઉં છું ત્યારે જ બધી ઈચ્છા પૂર્ણ કરનાર 'શિવ' રૂપ રહું છું. શિવ શબ્દમાં પ્રથમ અક્ષરમાં જે 'શિ' છે તે 'શ' અને 'ઈ' થી બનેલો છે. 'શ' સાથે જોડાયેલ હ્રસ્વ ઈ એ શક્તિ (પાર્વતી) નું સ્વરૂપ છે. શિવમાંથી આ હ્રસ્વ ઈ નીકળી જાય એટલે 'શવ' થઈ જાય. પ્રાણી માત્રના શરીરમાંથી ચેતના રૂપ પ્રાણશક્તિ નીકળી જાય પછી તેનું શરીર શવ (મડદું) જ બની જાય છે. ઈશ્વર એટલે કે શિવને પણ ક્રિયા કરવાની શક્તિ દુર્ગા જ પ્રદાન કરે છે.

દુર્ગાને દુર્ગતિનાશિની એટલે કે દુર્ગતિનો નાશ કરનારી અને દુ:ખહારિણી એટલે કે બધા દુ:ખોને હરી લેનારી મહાદેવી, મહાપરમેશ્વરી કહેવામાં આવી છે. દુર્ગા દેવીની સ્તુતિ કરતાં કહેવામાં આવ્યું છે - 'તાં દુર્ગા દુર્ગમાં દેવી દુરાચાર વિધાતિનીમ્ નમામિ ભવભીતોડહું સંસારાર્ણવતારિણીમ્' તે દુવિજ્ઞોય (મુશ્કેલીથી જાણી શકાનારી), દુર્ગમ, દુરાચારનો નાશ કરનારી, સંસાર સાગરથી તારનારી ભગવતી દુર્ગાને હું ભવફેરાના ભયથી ત્રસ્ત થયેલો માનવી નમન કરું છું.

એ રીતે દુર્ગાસપ્તશતીમાં પણ કહેવાયું છે દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તો:સ્વસ્થૈ:સ્મૃતા મતિમત્તીવ શુભાં દદાસિ ા દારિદ્રય, દુ:ખ ભય હારિણી કા ત્વદન્યા, સર્વપકાર કરણાય સદાર્દ્રચિત્તા ાા હે દુર્ગા દેવી, તમે તે વ્યક્તિના મનમાં સંસારના અંતહીન ભયને દૂર કરી દો છો. જે કોઈ તમારું ધ્યાન કરે છે તેને તમે શુભ મતિ પ્રદાન કરો છો સર્વ પર ઉપકાર કરવા, હમેશા કરૂણાર્દ્ર ચિત્ત રાખનાર તમારા સિવાય દારિદ્રય, દુ:ખ અને ભય દૂર કરનાર બીજું કોણ આ જગતમાં છે ?

માનવી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત હોય છે. સંસારના વિકટ પથ પર આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દુ:ખો છવાયેલા રહે છે. તે કોઈને કોઈ વિપત્તિથી ઘેરાયેલો રહેતો હોય છે. એટલે કહેવાયું છે - આપદિ કિં કરણીયં ા સ્મરણીયં ચરણયુગમંબાયા : ા ઘોર આપત્તિમાં માનવીએ શું કરવું જોઈએ ? આપત્તિના નિવારણ માટે અંબિકા (અંબામાતા) ના ચરણકમળનું સ્મરણ કરવું જોઈએ.

દુર્ગાદેવીની આરાધના કરનાર ભક્તો તેમને કહે છે - 'રોગાન અશેષાન્અપહંસિ તુષ્ટા, રુષ્ટા તુ કામાન સકલાનભિષ્ટાન્ ા ત્વમાશ્રિતાનાં ન વિપન્નરાણાં, ત્વામાશ્રિતા હયોશ્રયતાં પ્રયાન્તિ ાા જો તમે પ્રસન્ન થાઓ છો તો તમો રોગોનો નાશ કરી દો છો. જો તમે કોઈ કારણથી અપ્રસન્ન થાવ તો તેની બધી આશ્રય લેનારા મનુષ્યોને કોઈ વિપત્તિ નડતી નથી. તમારો આશ્રય લેનારાને બીજો કોઈ આશ્રય લેવો પડતો નથી. તે મુક્તિ પ્રાપ્ત કરાવી દે છે.'

Gujarat