For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લજ્જાનાં આંસુ પાપો કરવાથી બચાવે... પશ્ચાત્તાપનાં આંસુ પાપોનાં ફળથી બચાવે...

Updated: Mar 27th, 2024

Article Content Image

- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

પ્રભુને જેનાથી છે ઓબ્જેક્શન, એનાથી દૂર થઈ જવાનું કરી લઈએ ડીસીઝન, તો રચાઇ જશે પ્રભુ સાથે રીલેશન. આત્મા જેનાથી કર્મગ્રસ્ત થાય તેવી વિરાધક બાબતોમાં પ્રભુનું હોય છે ઓબ્જેક્શન. એને ત્યાગવાનું ડીસીઝન દ્રઢતાપૂર્વક લઈ એનો મક્કમ અમલ કરાય તો પ્રભુ સાથેનું રીલેશન માત્ર પાંચ-પચાસ વર્ષનું નહિ, અંતે શાશ્વતકાલનું સ્થપાઈ જાય એમ શાસ્ત્રો કહે છે

'બ્રી જ'ની એક મજાની વિશેષતા હોય છે કે એ પોતાનાં માધ્યમે સામસામા છેડાનાં બે સ્થાનોને આસાનીથી જોડી આપે છે: પછી એ શહેરના પૂર્વ-પશ્ચિમ, વિભાગ હોય કે નદીના સામસામા કિનારા હોય. બસ આવી જ વિશેષતા છે આપણે છેલ્લા ત્રણ લેખથી જે ચાર શબ્દો પર વિચારણા આરંભી છે એની. એ શબ્દોના ભાવો હૃદયસ્થ-જીવનસ્થ થઈ જાય તો ભગવાન અને ભક્ત વચ્ચે અતૂટ સંબંધનો સેતુ રચાઈ જાય. આજે આ અંતિમ લેખમાં કરીશું અંતિમ-ચોથા શબ્દની વિચારણા.

(૪) ભીતિ :- પ્રથમ જ પ્રશ્ન અહીં એ પ્રગટે કે દેવ-ગુરુ જેવાં જે મહાન તત્ત્વો પ્રત્યે, ત્રણ લેખમાં જણાવ્યું તેમ, પ્રીતિ-ભક્તિ-સ્મૃતિનાં માધ્યમે સંબંધ રાખવાનો હોય તેમની સાથે ભીતિ કઇ રીતે જામે? સામાન્યપણે જ્યાં પ્રીતિ-ભક્તિ હોય ત્યાં ભીતિ ન હોય અને જ્યાં ભીતિ હોય ત્યાં પ્રીતિ-ભક્તિ ન હોય. એથી વધુ બીજો પ્રશ્ન એ થાય કે ભીતિ રાખીએ તો ય ભીતિથી દ્રઢ સંબંધ શક્ય બને ખરો? સામાન્ય લૌકિક સમજ એવી છે કે પ્રીતિ-ભક્તિ હોય ત્યાં જ દ્રઢ સંબંધ શક્ય બને. ભીતિ હોય ત્યાં દ્રઢ તો શું, સામાન્ય સંબંધ પણ લગભગ શક્ય ન બને.

પ્રાથમિક-ઉપલક દ્રષ્ટિ વિચારીએ તો ઉપરના બન્ને પ્રશ્નોમાં તથ્ય લાગે. પરંતુ અમે જે ભીતિની વાત કહીએ છીએ એને જરા સ્પષ્ટતાથી સમજીએ તો એમાં જરા ય વિરોધ નહિ આવે. ઉપરથી એમ પ્રતીતિ થશે કે આ ભીતિના આધારે સર્જાતો સંબંધ પ્રીતિ-ભક્તિ-સ્મૃતિથી ય વધુ ઉત્તુંગ-ઉત્તમ બને તેવો છે. જરા સ્પષ્ટતાથી સમજીએ ભીતિને.

ભીતિ દેવ-ગુરુની નહિ, બલ્કે દેવ-ગુરુની આજ્ઞાના ભંગ પ્રત્યેની સમજવાની છે. જે પુણ્યાત્મા દેવતત્ત્વનો અને ગુરુતત્ત્વનો ખરો આરાધક હોય એનાં અંતરમાં એ વાત દ્રઢપણે રમવી જ જોઈએ કે "પ્રભુ-ગુરુની દરેક આજ્ઞાનો અમલ જો શક્તિ હોય તો મારે કરવો જોઈએ. જો દરેક આજ્ઞાનો અમલ શક્ય ન હોય તો જેટલો શક્ય છે એટલો જરૂર કરું અને બાકી માટે ઊછળતો બહુમાનભાવ રાખું.'' જેનામાં આવો ભાવ ન હોય અર્થાત્ આજ્ઞાભંગ પ્રત્યેની ભીતિ ન હોવાથી હાલતા ને ચાલતા ઉપેક્ષા-અનાદરપૂર્વક જે આજ્ઞાભંગ કરતી હોય એવી વ્યક્તિ ભગવાનની પૂજાદિ કરતી હોય તો ય એનો ભગવાન સાથે  દ્રઢ સંબંધ ન રચાય. શાસ્ત્રો તો આવી વ્યક્તિની ઝાકઝમાળ ભક્તિને પણ સાવ વ્યર્ર્થ જણાવે છે. 'સંબોધ સિત્તરી' નામે ગ્રંથમાં કરાયેલ શાસ્ત્રવચનોના સંગ્રહમાં એક ગાથા આ મળે છે કે :-

આણાખંડણકારી, જઈ વિ તિકાલ મહાવિભૂઈએ; 

પૂએઈ વીઅરાગં, સવં પિ નિરત્થ યં તસ્સ.

ભાવાર્ર્થ આ શાસ્ત્રવચનનો એ છે કે એક વ્યક્તિ પ્રભુઆજ્ઞાનું ઇરાદાપૂર્વક-અનાદરપૂર્વક ખંડન કરે અને બીજી તરફ એ જ વ્યક્તિ જબરજસ્ત ઠાઠમાઠથી નિત્ય એક નહિ, ત્રણ ત્રણ કાળ પ્રભુપુજા કરે તો એની એ વૈભવી પૂજાઓ સાવ નિરર્ર્થક છે. આવી તો અનેક ગાથાઓ એ 'સંબોધ સિત્તરી' ગ્રંથમાં સંગૃહિત છે. સાર એ તમામનો એક જ છે કે દેવ-ગુરુની ઉત્તમોત્તમ ભક્તિ કરતા પણ એમની આજ્ઞાનું પાલન અને એના પ્રત્યેનો ઉત્કટ બહુમાનભાવ ઉત્કૃષ્ટ બાબત છે. એની આરાધના-વિરાધના પર જ મોક્ષ કે સંસારનો નિર્ણય થાય.

આ જ વાતને એકદમ સ્પષ્ટ શબ્દોમાં પ્રસ્તુત કરી છે કલિકાલ સર્વજ્ઞા શ્રીમાન હેમચન્દ્રાચાર્યે 'વીતરાગસ્તોત્ર' માં. ત્યાં જણાવાયું છે કે:-

વીતરાગ ! સપર્યાત-સ્તવાજ્ઞાપાલનં પરમ્; 

આજ્ઞા।રાદ્ધા વિરાદ્ધા ચ, શિવાય ભવાય ચ.

ભાવાર્થ કે 'હે વીતરાગભગવંત, આપની પૂજા-ભક્તિ કરતાં ય આપનું આજ્ઞાપાલન શ્રેષ્ઠ-ચડિયાતું છે. આજ્ઞાની આરાધના મોક્ષનું કારણ બને અને એની વિરાધના સંસારનું કારણ બને.' બહુ સાદી સરલ વાત એ છે કે આજ્ઞાની આરાધના તે જ કરી શકે કે જેનાં અંતરમાં આજ્ઞાભંગની ભીતિ હોય. જેનામાં આજ્ઞાભંગની ભીતિ નથી, બલ્કે નિષ્ઠુરતા છે એ આજ્ઞાની આરાધના શે કરી શકે? નિષ્કર્ષ એ થયો કે જે વ્યક્તિમાં આજ્ઞાભંગની ભીતિ ન હોય એ વ્યક્તિ દેવ-ગુરુ પ્રત્યે ચાહે તેવી પ્રીતિ-ભક્તિ-સ્મૃતિ દાખવે તો ય એનો મોક્ષ નથી અને જે વ્યક્તિમાં આજ્ઞાભંગની ભીતિ ઠસોઠસ ભરી છે એનો નિસ્તાર જલ્દી શક્ય છે. કેમ કે એની પાસે આજ્ઞાની અહોભાવપૂર્વકની આરાધના સુશક્ય છે. આ જ સંદર્ભમાં અમે આ લેખમાં પૂર્વે જણાવ્યું કે 'આ ભીતિના આધારે સર્જાતો સંબંધ પ્રીતિ - ભક્તિ - સ્મૃતિથી ય વધુ ઉત્તુંગ-ઉત્તમ બને તેવો છે.'

આજ્ઞાભંગ પ્રત્યે ભીતિની ધારામાં આપણને સરલતાથી લઇ જાય તેવું સરસ સુવાક્ય હૃદયસ્થ કરવા જેવંમ છે કે : પ્રભુને જેનાથી છે ઓબ્જેક્શન, એનાથી દૂર થઈ જવાનું કરી લઇએ ડીસીઝન, તો રચાઈ જશે પ્રભુ સાથે રીલેશન. આત્મા જેનાથી કર્મગ્રસ્ત થાય તેવી વિરાધક બાબતોમાં પ્રભુનું હોય છે ઓબ્જેક્શન. એને ત્યાગવાનું ડીસીઝન દ્રઢતાપૂર્વક લઇ એનો મક્કમ અમલ કરાય તો પ્રભુ સાથેનું રીલેશન માત્ર પાંચ-પચાસ વર્ષનું નહિ, અંતે શાશ્વતકાલનું સ્થપાઈ જાય એમ શાસ્ત્રો કહે છે.

પ્રભુની આજ્ઞા જેના માટે 'ઓબ્જેક્શન' રાખે છે-નિષેધ કરે છે તેવી વિરાધક બાબતો- ગાઢ કર્મબંધ કરાવે તેવી બાબતો પ્રત્યે દૂરી રાખવાનો-આજ્ઞાભંગથી ભીતિ રાખવાનો અભિગમ કેવો દઢ હોવો જોઈએ એ જાણવું છે? તો વાંચો આ સત્ય ઘટના:

ભારતીય ફિલ્મજગતનું તે સમયની સુપરસેલીબ્રીટી જેવું નામ-કામ ધરાવતા રાજકપૂરે એમના જન્મદિનનું 'સેલિબ્રેશન' રાખ્યું હતું અને એમાં વિવિધ ક્ષેત્રની ટોચની નામાંકિત હસ્તીઓ આમંત્રિત હતી. જેમને આમંત્રણ મળે તેઓને પોતાનો મહિમા-ગૌરવ થયાની સંવેદના જાગે એવો તે કાળનો માહોલ હતો. નિયત સમયે તમામ આમંત્રિત મહાનુભાવો 'સેલિબ્રેશન' માટે ઉપસ્થિત થઈ ગયા. એની પાર્ટીમાં એક તબક્કે ખુદ રાજકપૂરે દરેક મહાનુભાવોને 'વાઈન' પીરસવો શરૂ કર્યો. દરેક મહેમાન ધન્યતાની લાગણી સાથે રાજકપૂરે આપેલ 'વાઈન'ને ન્યાય આપી રહ્યા હતા.

એવામાં એક અજબ બનાવ બન્યો. એક આમંત્રિત મહાનુભાવે પ્રેમથી વિનયપૂર્વક 'વાઈન'નો ઇન્કાર કર્યો. સમગ્ર પાર્ટી ચોંકી ગઇ કે રાજકપૂર જેવી 'ટોપ સેલિબ્રીટી'ને ના! અને એ પણ એમના જન્મદિને! અશક્ય. સહુ આશ્ચર્યચકિત નજરે નિહાળી રહ્યા હતા. રાજકપૂરે એક વાર નહિ, પણ ચાર-પાંચ વાર આગ્રહ કર્યો.  તો ય પેલા મહાનુભાવે સ-વિનય ઇન્કાર કર્યે જ રાખ્યો. આખરે રાજકપુર બોલ્યા: "તમારે થોડો વાઈન તો લેવો જ પડશે. નહિ તો તમને મારા સોગંદ.' સહુને થયું કે હવે તો ના પાડનાર મહાનુભાવ પીગળશે. પરંતુ એ મહાનુભાવે એ જ વિનયથી મક્કમપણે કહ્યું: ''રાજકપૂરજી ! તમે મને 'વાઈન' પીવા માટે અત્યારે સોગંદ આપો છો, પરંતુ મેં તો નહિ પીવાના સોગંદ (નિયમ) સાત વર્ષની ઉંમરે આજીવન માટે લીધા છે. માફ કરજો, હું 'વાઈન' નહિ જ લઈ શકું.' નિયમ-બાધાની વાત સાંભળી રાજકપૂરે પણ આગ્રહ પડતો મૂક્યો.

રાજકપૂર જેવી હસ્તીને મક્કમતાથી ના કહેનાર એ 'સેલીબ્રીટી' જૈન હતી. એ હતા જાદુની દુનિયાના ટોચના કલાકાર કે. લાલ દારૂ મહાવિગઈ છે, અગિણત જીવોની હિંસારૂપ છે. માટે પ્રભુનું એનાથી ઓબ્જેક્શન છે. પ્રભુઆજ્ઞાભંગ પ્રત્યે ભીતિ ધરાવનાર કે.લાલે એટલે એના આજીવન ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. એટલું જ નહિ, સ્વયંસ્ફૂર્ત દ્રઢતાથી એ આશાનો-પ્રતિજ્ઞાનો ભંગ ન થવા દીધો. આ પ્રશસ્ય પરિણામ હતું. આજ્ઞાભંગ પ્રત્યેની ભીતિનું.

એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે આજ્ઞાનો વિષય થોડો સૂક્ષ્મ-જટિલ છે. એ દ્રવ્ય-ક્ષેત્ર- કાળ મુજબ ફેરફાર પણ ધરાવે છે. એક સરલ ઉદાહરણ લઈએ તો કાર્તિકી ચાતુર્માસમાં ભાજી-સૂકો મેવો ભક્ષ્ય હોવાની પ્રભુઆજ્ઞા છે, પરંતુ બાકીના આઠ માસ એ જ દ્રવ્યો અભક્ષ્ય હોવાની પ્રભુઆજ્ઞા છે. આ થયો કાળઆધારિત ફેરફાર, આવી તો ઘણી ઘણી બાબતોનાં ઉદાહરણ આપી શકાય. માટે આ આજ્ઞાને સાચા સ્વરૂપમાં આત્મસાત્ કરવા દ્રવ્ય-ક્ષેત્રાદિ ભાવોના સમ્યગ્ જ્ઞાતા નિષ્પક્ષ અનાગ્રહી ગીતાર્થ સાચા શાસનરાગી ગુરુભગવંતો પાસેથી અને આવા ગુરુભગવંતોના પુસ્તકોથી સમ્યક્ પરિપક્વ સમજ પ્રાપ્ત કરવી અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યાં પરિપક્વ સમજ હશે ત્યાં પ્રવૃત્તિ બિલકુલ સમ્યક્ રહેશે. જ્યાં પરિપક્વ સમજ નહિ હોય ત્યાં પ્રવૃત્તિ અસમ્યક્-ગલત રહેશે. સમજીએ એક પ્રાચીન દ્રષ્ટાંત દ્વારા આ વાત : 

ક્ષીરકદંબ નામે પંડિત એમના ત્રણ શિષ્યો સાથે મકાનની છત પર રાત્રિશયન કરતા હતા. શિષ્યો નિદ્રાધીન હતા. માત્ર પંડિત જાગૃત હતા. એવામાં આકાશમાર્ગે જતાં દેવની વાણી થઇ કે આ ત્રણ શિષ્યોમાંથી બે નર્કે જશે અને એક સ્વર્ગે. પંડિતને આઘાત લાગ્યો. સાથે એ તમન્ના ય જાગી કે સ્વર્ગે કોણ જશે? ત્રણમાં એક પંડિતપુત્ર હતો, બીજો રાજપુત્ર હતો અને ત્રીજા નારદ હતા. બીજા દિવસે પરીક્ષા માટે પંડિતે લોટના ત્રણ કૂકડા બનાવી ત્રણે ય ને એકેક આપતા કહ્યું: ''કોઈ ન જુએ એવાં સ્થાને જઇ આ કૂકડાની ડોક મરડી નાંખશો.' કોણ (ભાવ) હિંસા કરે છે એના આધાર પર એમની સદ્ગતિ-દુર્ગતિનો અંદાજ કાઢવાની પંડિતની ગણતરી હતી. પહેલા બન્ને ઝાઝું વિચાર્યા વિના અલગ અલગ એકાંત સ્થાને જઈ કૂકડાની ડોક મરડીને આવ્યા. પરંતુ નારદે તેમ ન કર્યું. ગુરુએ પૂછયું તો એણે પરિપક્વ સમજ ધરાવતો મસ્ત ઉત્તર આપ્યો: "હું એકાંતમાં ગયો. પણ ત્યાં ય મારી આંખો તો કૂકડાને જોતી જ હતી. મેં આંખ બંધ કરી તો મને થયું કે અનંત સિદ્ધભગવંતો-કેવલજ્ઞાનીઓ આદિ તો આ કૂકડાને જ્ઞાનદષ્ટિથી જૂએ જ છે. એથી 'કોઈ ન જુએ' એવી આપની શર્ત સચવાતી નથી. માટે ડોક ન મરડવામાં આપની આજ્ઞાનું પાલન છે સમજીને પરત આવ્યો છું.'' ગુરુએ ધારી લીધું કે આ જ સદ્ગતિએ જશે.

છેલ્લે એક વાત: આજ્ઞાભંગની ભીતિ હોય ત્યાં અકાર્યને અટકાવે તેવાં શરમનાં-લજ્જાનાં આંસુ પ્રગટે અને સંયોગવશ અકાર્ય કરવું જ પડયું હોય તો એની અસરો નાબૂદ કરે તેવા પશ્ચાત્તાપના આંસુ પ્રગટે !

Gujarat