For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચેકબુકનો કાગળ ગમે તે લખવામાં ન વેડફાય..માનવનો જન્મ પાપો અને વિરાધનામાં ન વેડફાય..

Updated: Apr 24th, 2024

ચેકબુકનો કાગળ ગમે તે લખવામાં ન વેડફાય..માનવનો જન્મ પાપો અને વિરાધનામાં ન વેડફાય..

- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- દેવલોકના દેવો પાસે બાહ્ય ઐશ્વર્ય અને સામર્થ્ય અદ્ભૂત છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ તીથંર્કરપ્રભુની ધર્મદેશના પ્રત્યક્ષ સાંભળવાની ગુંજાયેશ એમની છે. છતાં એમની સૌથી મોટી મર્યાદા-લીમીટેશન છે અ-વિરતિ. નાનકડા પણ વિરતિસંબંધી ધર્મની સાધના એ કરી શકે જ નહિ. માટે ધર્મસાધનાની દૃષ્ટિએ દેવજન્મનું કોઈ મૂલ્ય-મહત્ત્વ નથી

ગામમાં સર્વપ્રથમવાર રામમંદિરનાં નિર્માણનો નિર્ણય અગ્રણીઓએ કર્યો હતો અને એના માટે ફંડની વિચારણા થઈ રહી હતી. ગામમાં જે સૌથી સંપન્ન શ્રેષ્ઠી હતા એ એવા કંજૂસશિરોમણિ હતા કે એનાથી ફંડ શરૂ કરવામાં 'પ્રથમ ગ્રાસે મક્ષિકા'નું જોખમ હતું. પરંતુ એક યુવાને અલગ જ તર્ક રજૂ કર્યો કે 'આપણે શરૂઆત ગામના આ ટોચના શ્રીમંત શ્રેષ્ઠીથી જ કરવી. આપણે એવી માનસિક તૈયારી રાખીને જ જવું કે ત્યાં દશ મિનિટ નહિ, દશ કલાક મથામણ કરવી પડશે. પણ પહેલા જ પ્રયાસમાં મુશ્કેલ લક્ષ્ય પાર કરીશું તો અન્યોને આસાનીથી કહી શકાશે કે જો આ મહાકંજૂસ શ્રેષ્ઠી પણ આ રીતે જીવનનું પ્રથમ દાન આપે છે તો તમારે ય આપવું જોઈએ. પહેલા દિવસની મહેનતનું પરિણામ આગળ સરસ મળશે. ઉપરાંત શ્રેષ્ઠીનો આંકડો મોટો લેવાશે એ લાભ અલગ.' એની વાતોમાં એવો વિશ્વાસ અને ઉત્સાહ છલકતો હતો કે સહુ એના તર્ક સાથે સંમત થઈ ગયા.

બીજા દિવસે સહુ એક સાથે શ્રેષ્ઠીના ઘરે પહોંચી ગયા. શ્રેષ્ઠીને પણ આગલી રાત્રે સમાચાર મળી ગયા હતા કે અગ્રણીઓ આખો દિવસ અહીં પસાર કરીને ય દાન લીધા વિના જવાના નથી. એથી એમણે પોતાની 'સ્ટ્રેટેજી' બનાવી રાખી હતી. પ્રારંભિક અર્ધો કલાક ખેંચતાણ બાદ શ્રેષ્ઠીએ પાંચ લાખનાં દાનની હા કહી. અગ્રણીઓ મનોમન ખુશખુશાલ થઈ ગયા કે બહુ સરલતાથી મોટું દાન મળી ગયું. શ્રેષ્ઠીએ પાંચ લાખનો ચેક પણ લખી આપ્યો.' વેલ બીગેન ઇઝ હાફ ડન'ની લાગણી સાથે અગ્રણીઓ વિદાય થયા. શ્રેષ્ઠી પણ મનોમન હરખાતા હતા.

દશ મિનિટ બાદ અગ્રણીઓમાંથી એકનું ધ્યાન ગયું કે ચેકમાં શ્રેષ્ઠીની સહી જ નથી. એ ચેક લઈ શ્રેષ્ઠી પાસે પહોંચ્યો. કહે : ' શેઠજી ! આમાં સહી રહી ગઈ છે, જરા સહી કરી આપો ને.' શ્રેષ્ઠીએ ધરાર ઇન્કાર કરતા ઠાવકાઈથી કહ્યું : 'જુઓ, અર્ધા કલાકની ચર્ચામાં મેં તમારી વાત માની. હવે હું જરાય નહિ માનું. મારી જિંદગીનું આ પહેલું દાન છે, મારે એ ગુપ્ત કરવું છે. માટે હું મારું નામ સહીરૂપે ય હરગિજ  નહિ લખું. વિદાય થાવ અહીંથી..' શ્રેષ્ઠીની સખ્તાઈ જોઈ પેલાને વીલે મુખે વિદાય થઈ જવું પડયું...

સમજી શકાય છે કે આ રમૂજકથાના શ્રેષ્ઠીનો આશય તો કંજૂસવૃત્તિવશ રૂપિયા બચાવવાનો હતો. એમને 'ગુપ્તદાન'ની ભાવના સાથે કાંઈ જ લેવા-દેવા ન હતી, એ તો સહિ નહિ કરી ' ચેક'ને 'અનવેલીડ' બનાવવા ચાહતા હતા. પરંતુ આ ઘટના પરથી આપણે સાવ અલગ જ 'એંગલ' તારવીને એમાંથી પ્રેરણા લઈએ :

ચેક દ્વારા રકમ મળે એ માટે 'બેન્કીંગ સીસ્ટમ' ના ત્રણ નિયમો અફર છે. (એ) જે કાગળ પર વ્યક્તિ રકમ ભરે છે એ કાગળ 'ચેકબુક'નો જ જોઈએ, ગમે તે નોટબુક વગેરેનો નહિ. જો કાગળ 'ચેકબુક'નો ન હોય તો સહી ભલે ખાતાધારકની ખુદની હોય અને ખાતામાં બેલેન્સ પણ તગડું હોય તો ય એક ફૂટી કોડી પણ એનાથી ન મળે. (બી) ધારો કે કાગળ ચેકબુકનો જ છે અને સહી પણ ખાતાધારકની પોતાની છે પરંતુ એમાં રકમનો અંક ન લખાયો હોય તો ય એનાથી એક રૂપિયો ય ન મળે. (સી) હવે છેલ્લી વાત. કાગળ ચેકબુકનો હોય અને રકમનો અંક પણ લખાયો હોય. પરંતુ જો એમાં ખાતાધારકની સહી ન હોય તો એ ચેકથી ય એક રૂપિયો મળી ન શકે : જેમ પેલા કંજૂસ શ્રેષ્ઠીની ઘટનામાં બન્યું એમ.

હવે આ જ ત્રણ બાબતને આપણે સાધનાજગતના સંદર્ભમાં વિચારીએ.

(એ) માનવનો જન્મ ચેકબુકના કાગળ જેવો છે : દેવલોકના દેવો પાસે બાહ્ય ઐશ્ચર્ય અને સામર્થ્ય અદ્ભૂત છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થકરપ્રભુની ધર્મદેશના પ્રત્યક્ષ દેશના સાંભળવાની ગુંજાયેશ એમની છે. છતાં એમની સૌથી મોટી મર્યાદા-લીમીટેશન છે અ-વિરતિ. નાનકડા પણ વિરતિસંબંધી ધર્મની સાધના એ કરી શકે જ નહિ. માટે ધર્મસાધનાની દૃષ્ટિએ દેવજન્મનું કોઈ મૂલ્ય-મહત્ત્વ નથી : જેમ ચેક લખવા માટે સાદા કાગળનું કોઈ મહત્ત્વ નથી એમ. દેવો સ્વયં આ વાસ્તવિકતા બરાબર સમજતા હોવાથી એમની મન:સ્થિતિ આ પંક્તિમાં દર્શાવી તેવી હોય છે કે :

માનવના જન્મને દેવતાઓ ઝંખતા,

સ્વર્ગના સુખો એને વારંવાર ડંખતા...

તિર્યચજન્મના જીવોમાં ક્યાંક વિરતિધર્મની થોડી-નાની સાધના શક્ય છે. પરંતુ એ દેશવિરતિ સુધી જ. સર્વવિરતિની સાધનાનો ત્યાં જરા ય અવકાશ નથી હોતો. એથી જ, પ્રભુમહાવીરદેવના સંસર્ગે દૃષ્ટિવિષ ચંડકૌશિક સર્પનું જીવન અધ:પતનમાંથી ઊર્ધ્વગમન તરફ ગયું તો ય એ સદ્ગતિ સુધી જ સીમિત રહ્યું. પરમગતિ-મોક્ષ એને પ્રાપ્ત ન થયો. નર્કગતિમાં તો ધર્મસાધનાનાં સાધનો કે વાતાવરણ પણ નથી હોતું. એથી એને ધર્મસાધનાના સંદર્ભમાં સ્થાન આપવાની ખાસ આવશ્યકતા નથી.

વાસ્તવિકતા જો આ છે તો ધ્યાન એ જ રાખવા જેવું કે ચેકબુકનો કાગળ જેમ ગમે તે લખવામાં વપરાય નહિ એમ માનવજન્મ પણ વિરાધનામાં વેડફાય નહિ.

(બી) ધર્મની આરાધના ચેક પરનાં અંક જેવી છે : ચેક પરનો અંક જેટલો મોટો લખાય, એટલી મોટી રકમ એ ચેક દ્વારા પ્રાપ્ત થાય. વ્યક્તિ જો ચેક પર અંક અગિયાર હજારનો લખે તો અગિયાર હજાર રૂપિયા એનાથી મળે અને અંક જો અગિયાર ક્રોડનો ભરે તો અગિયાર ક્રોડ રૂપિયા મળે. બસ, આ જ વાત માનવજન્મરૂપ ચેકબુકના કાગળને પણ લાગુ પડે છે. આરાધક વ્યક્તિ જો એના પર સામાન્ય ધર્મસાધનાનો અંક લખે તો એના દ્વારા સદ્ગતિ- સામાન્ય કર્મનિર્જરા વગેરે ફળ મળે. પરંતુ એ જો ઉત્તમ-ઉત્કૃષ્ટ ધર્મસાધનાના અંક લખે તો એના દ્વારા વિપુલ કર્મનિર્જરા અને સિદ્ધિગતિનાં પણ ફળ મળે.

જરૂર નથી કે જે વ્યક્તિ સક્ષમ-યુવાન હોય એ જ મોટી ધર્મસાધનાના અંક ભરે. એવાં અઢળક ઉદાહરણો પૂર્વકાલીન અને સાંપ્રતકાલીન છે કે જેમાં વ્યક્તિ બાળવયની હોય. છતાં એણે ધર્મસાધનાના અંક બહુ મોટા ભર્યા હોય. પૂર્વજન્મની સાધના-વર્તમાનજન્મના સંસ્કારો અને સમ્યક્ સમજ વગેરે એમાં પીઠબળ અર્પે છે. ખબર છે પેલી ઘટના ?

નાનકડો નવ વર્ષનો બાળક. ઉપરોક્ત વિવિધ કારણે એની અભિરુચિ ધર્મસાધનામાં એવી ભરપૂર હતી કે જે સામાન્યપણે નાના બાળકોમાં જોવા ન મળે. નિત્ય પ્રભુપૂજા-ધર્મનો અભ્યાસ-સામાયિકાદિ ક્રિયાઓ-નવકારશી-રાત્રિભોજનત્યાગાદિ પચ્ચક્ખાણો-ગામડામાં અવારનવાર સાધુજનો પધારે ત્યારે પૂરી ભક્તિ વગેરે બધી આરાધના એ નાની વયે એનામાં ઝળહળે. એના જ પરિણામરૂપે એ અવસરે સંસારત્યાગની-દીક્ષાની ભાવના ય રજૂ કરે. ત્યારે વડિલો 'હજુ તું નાનો છે' કહી વાતને વિરામ આપી દે.

એક દિવસની વાત. સવાર સવારમાં એ નવવર્ષીય બાળક સ્વયંસ્ફૂર્ત વિચારોથી , કોઈની ય પ્રેરણા ઉપદેશ વિનાં, એના પિતા પાસે દોડી જઈ આગ્રહપૂર્વક બોલ્યો : 'મારે હવે દીક્ષા બહુ જલ્દીથી લઈને ફ્કત ધર્મસાધના જ કરવી છે. હર વખતની જેમ પિતાએ વાતને હળવાશથી વિરામ આપવા માંડયો. પરંતુ આજે બાળકની દૃઢતા- આગ્રહ અલગ જ હતો. વાત લાંબી ચાલી. એથી પિતાએ પૂછયું : 'કેમ ? એકદમ અચાનક શું થયું તને ? બાળકે નિર્દોષભાવે બહુ હૃદયસ્પર્શી વાત કરી : પપ્પા ! એવું છે કે થોડીવાર પહેલા મમ્મી ચૂલો પેટાવતી હતી. હું એની બાજુમાં બેસ્યો હતો. મેં જોયું કે મમ્મી ચૂલામાં નાનાં-નાનાં લાકડાં નાંખતી હતી. મેં મમ્મીને પૂછયું કે ' તું મોટા લાકડાં કેમ નથી નાંખતી ? મમ્મીએ કહ્યું કે ' મોટા લાકડાં જલ્દી ન બળે, નાનાં લાકડાં જલ્દી બળે. માટે હું નાનાં લાકડાં નાખું છું. મને થાય છે કે યમરાજા આવા જ વિચારથી મારા જેવા નાનાને પહેલા ઉઠાવી લે તો મારું સંયમનું સ્વપ્ન અધૂરું રહી જાય.

આને કહેવાય નાની વયે ધર્મસાધનાના-સર્વવિરતિના મોટા અંક લખવાની સજ્જતા.

(સી) શુભ ભાવો ચેક પરની સહી જેવા છે : કાગળ અને અંક ભલે બરાબર હોય. પરંતુ ચેક માં સૌથી મહત્ત્વનું જે પરિબળ છે એ સહી જ જો ન હોય તો ચેકનું કોઈ મૂલ્ય ન રહે એ આપણે શરૂઆતમાં જોયું. બસ, જેવી વાત સહીની છે, એવી જ વાત ભાવની છે. માનવજન્મમાં ધર્મસાધના ભલે સર્વવિરતિ સુધીની અને તપશ્ચર્યાદિરૂપે ય ભરપૂર હોય. પરંતુ જો એનું પ્રાણતત્વ ભાવ જાજ્વલ્યમાન ન હોય તો એ સાધના પણ ફલદાયિની ખાસ બની શકતી નથી. ખબર છે મહાન પ્રાચીન જૈનાચાર્ય શ્રીમાન સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.નુ વચન ? કલ્યાણમંદિર સ્તોત્રમાં તેઓ લખે છે આ પંક્તિ કે 'યસ્માત્ ક્રિયા : પ્રતિફલન્તિ ન ભાવશૂન્યા : મતલબ કે ભાવરહિત ધર્મક્રિયાનું કોઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી.

ભાવ દૂષિત ન હોવો જોઈએ- નિર્ભેળ હોવો જોઈએ, ભાવ સાતત્યસભર હોવો જોઈએ અને ભાવ ઊછળતો-ઉત્કટ હોવો જોઈએ. કરવું છે આવા ભાવનું અને એના પરિણામનું દર્શન ? તો વાંચો આ સરસ ઘટના :

ગુજરાતના તે સમયના બેતાજ બાદશાહ સમા મન્ત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ પૈકી તેજપાલના ધર્મપત્ની અનુપમાદેવી. ક્રોડો-ક્રોડો સુવર્ણમુદ્રાઓના ખર્ચે આબુ દેલવાડાદિ હજારો જિનમંદિરો રચાવનાર અનુપમાદેવીના એવરેસ્ટ જેવા ભાવે નાની નાની ઘટનાઓમાં ય ઝળકે. એકવાર ઘરે ભિક્ષાર્થે પધારેલ મુનિવરને ઘીનો ખપ હતો. અનુપમાદેવીએ એવા ઉત્કટભાવે પાત્ર ઝડપથી ભર્યું કે એમાંથી થોડું ઘી બહાર ઢળ્યું. આ દૃશ્ય નિહાળી રહેલ વસ્તુપાલમન્ત્રીશ્વરને આમાં વેવલાઈ લાગી : ખપપૂરતું અને સાચવીને આપવું જોઈએ ને ? ત્યાં નવું દૃશ્ય સર્જાયુ. અનુપમા લાખોની કિંમતની સાડીના એક ભાગથી પાત્ર લૂંછી રહ્યા હતા. વસ્તુપાલ જરા અપ્રિતિથી બોલ્યા : પહેરેલ સાડીને આ રીતે ન બગાડાય. ધ્યાન રાખીને વહોરાવો. અનુપમાએ ભાવછલકતો ઉત્તર આપ્યો : બીજી વાર વધુ ધ્યાન જરૂર રાખીશ. પણ સાડીની ચિંતા ન કરો. ઘાંચીના જન્મમાં મેં અપાર ડાઘભર્યા વસ્ત્રો કાયમ પહેર્યા હશે, જ્યારે આ તો સુપાત્રભક્તિનો ડાઘ છે. એ મારા આત્માનાં કર્મોના ડાઘ ધોઈ આપશે. ઇતિહાસ કહે છે કે આવા ભાવવિભોર અનુપમા એક જ ભવના અંતે મહાવિદેહમાંથી મોક્ષે પધારશે.

છેલ્લે એક વાત : આ જન્મ માનવમાંથી મહાવીર અને આત્મામાંથી પરમાત્મા બનવા માટે જ છે.

Gujarat