મણ જેટલો ઉપદેશ જેટલું પરિવર્તન નથી લાવતો એટલું પરિવર્તન કણ જેટલું આચરણ લાવે છે...


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

એ ક યથાર્થ અને મજાનું નિરીક્ષણ વાંચ્યું હતું કે "પરિચય વિના પ્રીત જામે નહિ અને જો કદાચ જામી જાય તો એ આગળ જતાં નંદવાઈ જવાની પૂરી શક્યતા છે." અનુભવની એરણ પર ચકાસીએ તો આ નિરીક્ષણ સો ટચનું સુવર્ણ પુરવાર થાય તેમ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે 'લવ એટ ફર્સ્ટ સાઈટ'થી આકર્ષાઈને યુવાન વ્યક્તિઓ ઉતાવળે લગ્નબંધનથી બંધાઈ જાય કે અજાણી વ્યક્તિની મીઠી રીત-ભાતથી વ્યક્તિ એના પર વિશ્વાસ મૂકી દઈ ખાનગી વાતો કહે. આમાં મોટે ભાગે પરિણામ પસ્તાવારૂપે આવે અને વ્યક્તિ હેરાન-પરેશાન થઈ જાય. કારણ એ જ કે પ્રીત પહેલા પરિચય બરાબર થયો હોતો નથી.

જે વાત વ્યક્તિ માટે છે એ જ વાત ધર્મશાસન માટે પણ લાગુ પડે છે. એના મૌલિક સિદ્ધાંતો-તત્વોના સમ્યક્ પરિચય પછી એના પ્રત્યે જે પ્રીત-આદર-શ્રદ્ધા-બહુમાન પ્રગટે એ અત્યંત દ્રઢ હોય છે. કોઈની પણ એલફેલ વાતો એ શ્રદ્ધા ડગાવી ન શકે. એથી વિપરીત જો તે ધર્મશાસનની વિશિષ્ટતાનો ઊંડો પરિચય ન હોય તો એકાદ નબળી વાતથી - નબળા અનુભવથી પ્રીત-આદર ધરાશાયી થઈ જતા વાર ન લાગે.

પરિચયનો-પ્રીતનો રંગ ધર્મશાશનના સિદ્ધાંતો-વિચારસરણીના આધારે દ્રઢ કરવા માટે, ગત લેખથી આપણે જૈન દર્શનની છ વિશિષ્ટતાઓ વિચારણા આરંભી છે. આજે એમાં વિચારીશું બીજી અને ત્રીજી વિશેષતા :

(૨) જૈન દર્શન આચારપ્રધાન છે :- જૈન દર્શનના જે મૌલિક શાસ્ત્રો- આગામો છે એમાં અગિયાર અંગો - આગમો મુખ્ય સ્થાન ધરાવે છે. આ અગિયાર અંગોમાં સર્વપ્રથમ અંગસૂત્રનું નામ છે 'આચારાંગ'. એનું નામ જ કહી આપે છે કે એમાં આચારનું વર્ણન છે. મૂળભૂત શાસ્ત્રોમાં જે પ્રથમ સ્થાન આ રીતે આચારસંબંધી આગમને આપે છે એ જૈન દર્શન કેવું આચારપ્રધાન હશે એ સહજ કલ્પી શકાય છે.

આ જ શાસ્ત્રમાં એક પંક્તિ પ્રશ્નોત્તરરૂપે રજૂ થઈ છે કે "અંગાણં કિં સારો ? આયારો." મતલબ કે અંગશાસ્ત્રોનો-આગમોનો સાર જો કોઈ હોય તે છે આચાર. આચાર વિનાનું જ્ઞાન તો એકડા વિનાના મીંડા જેવું છે કે જેનું કોઈ ખાસ મૂલ્ય ન હોય. એક શાસ્ત્રગાથામાં આચારની મુખ્યતાનું નિરૂપણ બહુ કડક શૈલીમાં આવું કરાયું છે છે કે :-

જહા ખરો ચંદણ ભારવાહી, ભારસ્સ ભાગી ન હુ ચંદણસ્સ;

એવં ખુ નાણી ચરણેણ હીણો, ભારસ્સ ભાગી ન હુ સુગ્ગઈએ.

એ કહે છે કે ચંદનના ઘણાં ઘણાં કાષ્ઠોનો તનતોડ બોજો ઉઠાવીને જતા ગધેડાના ભાગે ચંદનનું વિલેપન-ચંદન શીતલતા નથી આવતી, માત્ર અસહ્ય બોજ જ આવે છે. તેમ આચારશૂન્ય જ્ઞાનીજનના ભાગે પણ માત્ર માહિતીઓનો બોજ જ આવે છે, સદ્ગતિ નહિ. આવું સખત શાસ્ત્રીય નિરૂપણ એ સમજાવવા સક્ષમ છે કે જૈન દર્શન કેવું આચારપ્રધાન છે.

હજુ એક ઓર વાત. જૈન પરંપરાની આચારશૈલી એવી છે કે જેઓ ગૃહસ્થજીવન જીવતા શ્રાવકો છે એની સરખામણીમાં સંસાર ત્યાગીને સાધુજીવન જીવતાં સંયમીઓની આચારશૈલી અતિશય ઉત્કૃષ્ટ-કઠોર હોય છે. આ સંયમીઓનું સ્થાન શ્રાવકો-ગૃહસ્થો કરતા મહાન ગણાય છે. તમામ ગૃહસ્થોએ સંયમીઓને વંદન કરે. હવે ધારો કે એક સંયમીની બૌદ્ધિક ક્ષમતા અતિ મર્યાદિત હોવાથી એમનું જ્ઞાન અલ્પ છે અને એક ગૃહસ્થ શ્રાવકની બૌદ્ધિક ક્ષમતા જબરજસ્ત હોવાથી એનું જ્ઞાન વિશાલ છે. આમ છતાં શ્રાવક જ સંયમીને વંદન કરશે, સંયમી શ્રાવકને વંદન નહિ કરે. શું દર્શાવે છે આ ? એ જ કે જૈન  દર્શન આચારપ્રધાન છે. ગળથૂથીમાંથી આચારપ્રધાન જીવનશૈલી આત્મસાત્ કરનારા જૈન શ્રમણોના આચારથી અ-જૈન વર્ગ પણ કેવો અહોભાવ-પ્રભાવિત થઈ જતો હોય છે એ જાણવું છે ? તો વાંચો આ અમારા જ સ્વાનુભવની ઘટના :

અઢારેક વર્ષ પૂર્વે અમે પદયાત્રાપૂર્વક ગુજરાતમાં વિચરી રહ્યા હતા. એક સાંજે અમે નાપાડ ગામ તરફ વિહાર કર્યો. એ ગામમાં પ્રાચીન જિનાલય હોવાથી દર્શનના અમારા ભાવ હતા. જાણકારે છ કિલોમીટરનું અંતર દર્શાવ્યું હોવાથી સૂર્યાસ્ત સમયે એ ગામમાં પહોંચ્યા એ રીતે અમે પદયાત્રા શરૂ કરી અને બરાબર છ કિલોમીટરે ગામ આવ્યું ય ખરું. પરંતુ તકલીફ એ થઈ છે કે તે ગામનું નામ તો નાપા હતું. ગ્રામજનોને પૂછયું તો કહે : "નાપાડ તો અહીંથી બીજા છ કિલોમીટર છે." સૂર્યાસ્ત થવા આવ્યો હતો. એથી હવે નવા છ કિ.મી.નો વિહાર શક્ય ન હતો. એ ગામમાં જ રાત્રિ રોકાણની ધારણાથી ગ્રામજનોને અમે પૂછયું : "અહીં કોઈ જૈન ઘરો છે ?" "એક પણ નથી, મહારાજ. પણ પટેલના ઘરે તમારી વ્યવસ્થા થઈ જશે." ગ્રામજનોએ આદરથી કહ્યું.

એમના બતાવ્યા મુજબ અમે પટેલના ઘરે ગયા. ભાવુક પટેલે એક અલાયદું મકાન જ અમને રાત્રિરોકાણ માટે આપ્યું. પછી કહે : "બોલો હવે, જમવામાં શું લેશો ?" અમે કહ્યું : "અત્યારે સૂર્યાસ્ત થયો છે. અમે સૂર્યાસ્ત પછી ભોજન તો શું, પાણીનું એક બુંદ પણ ન લઈએ. અમારો આચાર આવો હોય છે." "એમ ?" પ્રભાવિત થઈ ગયેલ બોલ્યા : "તો પછી એમ કરો કે કાલે સવારે ચા-નાસ્તો કરીને જજો." અમે હસીને કહ્યું : "એ પણ નહિ બને. કારણ કે અમારો એક આચાર એ છે કે જેનાં ઘરે રાત્રિ વીતાવીએ એ ઘર અમારા માટે 'શય્યાતર' બને અને બીજે દિવસે એના ઘરનું કોઈ ખાન-પાન અમને કલ્પે નહિ." પટેલ અહોભાવથી બોલી ઊઠયા : "તમારા આચારો બહુ ઉત્તમ છે... તમારો ધર્મ મહાન છે..." યાદ રહે છે મણ જેટલો ઉપદેશ જેટલું પરિવર્તન નથી લાવી શકતો એટવું પરિવર્તન કણ જેટલો આચાર લાવી શકે છે...

(૩) જૈન દર્શન આજ્ઞાપ્રધાન છે :- ધારો કે એક પુત્ર એવો છે કે જે માતા-પિતાના સેવા-ભક્તિ બરાબર કરે છે. પરંતુ સ્વભાવનો ઉદદંડ-તુંડમિજાજી હોવાથી માતા-પિતાની કોઈ આજ્ઞાનું પાલન કરતો તો નથી, ઉપરાંત આજ્ઞા માનવી જોઈએ એવું ય સ્વીકારતો નથી. આવા પુત્રને શું માતા-પિતાનો સાચો ભક્ત માની શકાય ? આપણી 'કોમન સેન્સ' તરત કહેશે કે ન માની શકાય. કારણ કે બાહ્ય સેવા કરતાંય માતા-પિતાની વાત પ્રત્યે આદર યાવત્ આજ્ઞાપાલન કૈંકગણું મહત્વનું છે.

બસ, આ જ 'વેવલેન્થ' પર જૈન દર્શન કહે છે કે પરમાત્મા વીતરાગદેવની બાહ્યા પૂજા-સેવા કરતાં પણ એમની આજ્ઞાનું પાલન અત્યધિક મહાન છે. પૂજા-સેવા બાહ્ય ભક્તિ-પ્રાથમિક ભક્તિ છે, જ્યારે આજ્ઞા આંતરિક ભક્તિ-ઉચ્ચતમ ભક્તિ છે. અલબત્ત, આજ્ઞાનાં પાલનનું ક્ષેત્ર અતિશય વિશાલ હોવાથી દરેક આજ્ઞાનું પાલન થાય જ એવું શક્ય ન પણ બને. પરંતુ દરેક પ્રભુ આજ્ઞા પ્રત્યે આદર-બહુમાન જરૂર શક્ય છે. જેનાં પાલન માટે આપણે સક્ષમ હોઈએ એનું પાલન અને જેનાં પાલન માટે આપણે અસમર્થ હોઈએ એના પ્રત્યે ય આદર : આને કહેવાય આજ્ઞાની આરાધના. એનાથી વિપરીત સ્થિતિને કહેવાય વિરાધના. કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યે એમની 'વીતરાગ સ્તોત્ર' નામે કૃતિમાં આજ્ઞાની આરાધના-વિરાધના સંદર્ભમાં અદ્ભુત પંક્તિ લખી છે કે "આજ્ઞાડડરાદ્ધા વિરાદ્ધાચ, શિવાય ચ બવાય ચ." ભાવાર્થ કે અજ્ઞાની આરાધના મોક્ષનું કારણ બને છે અને આજ્ઞાની વિરાધના સંસારનું કારણ બને છે. આજ્ઞાનો મહિમા જૈન શાસનમાં કેવો અદ્ભુત છે તે આ પંક્તિમાં પ્રતિબિંબિત થાય છે.

જેઓ પ્રભુ આજ્ઞાપાલનનો આ મહિમા સમજ્યા છે તેઓ યથાશક્તિ આજ્ઞાપાલનનું લક્ષ્ય કેળવી એને કેવી દ્રઢતાથી આત્મસાત્ કરે એ જાણવું છે ? તો વાંચો આ હૃદયસ્પર્શી સત્ય ઘટના :

તત્કાલીન ફિલ્મજગતની મહાન 'સેલીબ્રીટી' એ એના જન્મદિવસે ભવ્ય પાર્ટી યોજી હતી અને એમાં વિવિધ ક્ષેત્રનાં નામાંકિત સિતારાઓને આમન્ત્રિત કરાયા હતા. આવી પાર્ટીમાં આમન્ત્રણ મળવું એ પણ 'સ્ટેટસ' ગણાતું હોવાથી એ તમામ સિતારાઓ ત્યાં હાજર હતા. 'સેલીબ્રેશન' બાદ ખુદ એ ફિલ્મી હસ્તીએ પોતાના હાથે સહુને ઊંચી જાતનો શરાબ પીરસવા માંડયો. સહુ હોંશે હોંશે પ્યાલી છલકાવતા હતા. ત્યાં અન્ય ક્ષેત્રની એવી જ એક નામાંકિત હસ્તીએ શરાબ લેવાનો નમ્રતાપૂર્વક ઈન્કાર કર્યો. પેલી ફિલ્મી હસ્તીને આશ્ચર્ય સાથે જરા અપમાન પણ લાગ્યું. એણે આગ્રહ કરીને શરાબ આપવાની કોશિશ કરી,  તો સામેના મહાનુભાવે મક્કમતાથી ના જારી રાખી. આખર ફિલ્મી હસ્તીએ પેલા મહાનુભાવને કહ્યું : "મારા માન ખાતર થોડો શરાબ તો લેવો જ પડશે. ન લો તો મારા સોગંદ." પેલા મહાનુભાવે પ્રત્યુત્તર આપ્યો : "તમે શરાબ પીવાના સોગંદ અત્યારે આપો છો. જ્યારે શરાબ નહિ પીવાના સોગંદ મેં બાળપણથી લીધા છે. એનું શું ?" આખરે ફિલ્મી હસ્તીએ પોતાનો હઠાગ્રહ છોડી દેવો પડયો. એ ફિલ્મી હસ્તી એટલે રાજકપૂર અને શરાબનો મક્કમ ઈન્કાર કરનાર મહાનુભાવ એટલે મહાન જાદુગર કે.લાલ. જૈન પરિવારમાં જન્મેલ કે.લાલે પ્રભુઆજ્ઞાનાં પાલનરૂપે આ શરાબત્યાગનો નિયમ આજીવન લીધો હતો. 

છેલ્લે એક મજાની વાત : 'અમે કહીએ એ થાય' આ આજના સ્વચ્છંદતાપરસ્ત યુગની આગ્રહી વૃત્તિ છે, જ્યારે 'પ્રભુ કહે એ થાય' આ સમર્પણપરસ્ત જૈન શાસનની આજ્ઞાપાલનવૃત્તિ છે.

City News

Sports

RECENT NEWS