FOLLOW US

ઉપશમભાવ એવું અમૃત છે કે જે મનને સ્વસ્થ પણ રાખે અને વિપુલ કર્મનિર્જરા પણ કરાવે

Updated: Mar 15th, 2023


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

આ ત્મિક યોગ્યતા વિકસ્વર કરવાના અદ્ભુત આલંબનરૂપ 'અમૃતવેલની સજઝાય'ના આધારે ચાલી રહી છે આપણી ચિંતનયાત્રા. એમાં આજની પંક્તિમાં એક એવા ગુણનો નિર્દેશ કે જેની ઝંખના હર કોઈને હોય: પછી ભલે ને એ વ્યક્તિ સંત હોય કે સંસારી, રાય હોય કે રંક, પ્રાજ્ઞા હોય કે અજ્ઞા. ગ્રન્થકારની એ પંક્તિના શબ્દો આ છે કે 'ઉપશમ અમૃતરસ પીજીએ.'

'ઉપશમ' શબ્દનું અર્થઘટન આપણે સામાન્યપણે કરીએ છીએ શાંતિ. મન આવેશગ્રસ્ત ન હોય, કોઈ પણ ઘટનાવશ ચિત્ત વિક્ષિપ્ત ન બની ગયું હોય આવી સ્થિતિને આપણે કહીએ છીએ ઉપશમભાવ-શાંતિ. આવો ઉપશમભાવ-આવી શાંતિ કોને ન જોઈએ, ભલા ? પણ ખાસ ખ્યાલ રાખવા જેવો છે કે બજારની મનપસંદ ચીજ મેળવવા માટે પણ જો મૂલ્ય ચુક્વવું પડે છે, તો ઉપશમભાવ જેવી ઉત્તમ બાબત માટે પણ મૂલ્ય ચુકવવું જ પડે. કયું છે એ મૂલ્ય એનો ખ્યાલ આપણે મેળવીએ આ જ ગ્રન્થકારે એમની અન્ય એક ગુજરાતી મહાન કૃતિ' સમકિતના સડસઠ બોલની સજઝાય માં કરેલ ઉપશમભાવની વ્યાખ્યામાંથી. ત્યાં તેઓ સમ્યક્ત્વના પ્રથમ લક્ષણરૂપે ઉપશમભાવને આ રીતે વ્યાખ્યાયિત કરે છે કે:-

લક્ષણ પાંચ કહ્યા સમકિતતણાં, ધુર ઉપશમ અનુકૂલ ;

અપરાધી શુ પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂલ.

બસ, આ વ્યાખ્યાને જ આપણે કહીશું ઉપશમભાવની પ્રાપ્તિ માટેનું મૂલ્ય. એટલે કે જે વ્યક્તિ, પોતાને ઉપદ્રવ કરનાર- પોતાનું અપ્રિય કે અહિત કરનાર અપરાધી વ્યક્તિ પ્રત્યે મનથી પણ દુર્ભાવ ન ધરાવે એ વ્યક્તિ ચિતની શાંતિ અવિક્ષિપ્ત રાખી શકે. શાંત રહી શકે. સામાન્યપણે બહુજનવર્ગની પદ્ધતિએ હોય છે કે કોઈ એનું બૂરું-અહિત કરે તો એની સામે એ ટીકા ફોર- ટેટ- જેવા સાથે તેવા બની જાય અને એનું સવાયું બૂરું-સહિત કરે. જો કદાચ તેનું સામર્થ્ય- પહોંચ ન હોય તો મનથી એમ જ ચાહે કે એને ધોબીપછાડ જેવી નુકસાની થાય. આ દુર્ભાવ જ્યાં હોય ત્યાં સાચો ઉપશમભાવ- સાચી શાંતિ પ્રાપ્ત થવી શકય નથી.

આ જે બહુજનવર્ગનો અભિગમ દર્શાવ્યો એના કરતા ઉત્તરોત્તર ચડિયાતા બે અભિગમ અન્ય છે. એક એ કે કોઈ વ્યક્તિ પોતાનું બૂરું-અહિત કરે તો એ એમ વિચારે કે ' આ અહિત મારાં અશુભ કર્મોધ્યનાં કારણે થયું છે. એથી ખરું જવાબદાર કારણ મારાં તેવાં કર્મ છે, આ સામે પડેલ વ્યક્તિ નહિ. એ તો ફક્ત નિમિત્ત છે.  માટે મારે એના પર જરા પણ દુર્ભાવ નથી કરવો.' હજુ આનાથી ય ચડિયાતો અભિગમ બીજો છે. એમાં વ્યક્તિ પોતાનું બૂરું-અહિત કરનાર માટે એમ વિચારે કે 'તકલીફ-પીડા આપીને આ સામે પડેલ વ્યક્તિ મને બહુ મોટી કર્મનિર્જરા કરાવી રહી છે. એટલે એ તો મારા માટે ઉપકારો છે. એનો તો મારે કર્મનિર્જરાની તક આપવા બદલ આભાર માનવો જોઈએ.' યાદ આવે આ છેલ્લા અભિગમના સંદર્ભમાં મહામુનિ ગજસુકુમાલની મનોદશા. તાજી દીક્ષાગ્રહીને સ્મશાને કાયોત્સર્ગદશામાં રહેલ એ મુનિવર પ્રત્યે ક્રોધાંધ બનેલ સસરા સોમિલે એમને મરણાંત ઉપસર્ગ કર્યો ત્યારે એમની વિચારધારા આ હતી કેઃ-

એ સસરો સાચો સગો જી, બાંધે મુક્તિની પાઘ ;

ઇણ અવસર ચૂકું નહિ જી, ટાળું કર્મવિપાક..

આપણે એ મહામુનિ જેવું મરણાંત કષ્ટ સહવાનું કૌવત ભલે ન દાખવી શકીએ. પરંતુ આ બીજો અને એથી ય ચડિયાતો ત્રીજો આત્મસાત્ કરીએ તો સાચો ઉપશમભાવ-આંતરિકને બાહ્ય શાંતિ જરૂર પ્રાપ્ત કરી શકીએ.

ગ્રન્થકાર મૂળ પંક્તિમાં ઉપશમભાવને અમૃતરસની ઉપમા આપી એનું પાન કરવાનો નિર્દેશ કરે છે. આ અમૃતની ઉપમા એકદમ સાર્થક-સુયોગ્ય છે. ચતુર્ભગીની કલ્પના દ્વારા આપણે આ અમૃતની ઉપમા સમજીએ:

ચતુર્ભગી એટલે ચાર વિકલ્પો. પહેલો વિકલ્પ છે ઝેર. એ સ્વાદમાં ય કડવું છે અને મોત લાવતું હોવાથી પરિણામમાં ય કટુ છે. બીજો વિકલ્પ છે કિંપાક ફળ. એ સ્વાદમાં તો એકદમ મધુર છે, પરંતુ ઝેરી હોવાથી પરિણામમાં મૃત્યુદાયક હોઇ કટુ છે. ત્રીજો વિકલ્પ છે કડવું ઔષધ. એ સ્વાદમાં ભલે કટુ હોય, પરંતુ આરોગ્ય આપતું હોવાથી પરિણામમાં મધુર છે. ચોથો અને સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે અમૃત. એ સ્વાદમાં તો અત્યંત મધુર છે જ, ઉપરાંત ચિરકાલીન જીવન બક્ષતું હોવાથી પરિણામમાં પણ મધુર છે.

હવે સરખાવીએ આ ચતુર્ભંગી સાથે ઉપશમભાવને. સતત દુર્ભાવની-વૈરવિરોધની પરંપરા ચાલે એવો ઉગ્ર ક્રોધ છે ઝેર જેવો. એ તે સમયે પણ કટુ છે અને જબરજસ્ત દુર્ભાવ વધારનાર હોવાથી પરિણામમાં પણ કટુ છે. હાથ નીચેના માણસો કે પ્રતિસ્પર્ધી વગેરે પર દાબ બેસાડવા-રૂઆબ જમાવતા કરાતો ક્રોધ છે કિંપાકફૂળ જેવો. સામી વ્યક્તિ પર રૂઆબ જમાવી શકાતો હોવાથી એ તે સમયે મધુર લાગે છે, પરંતુ પરસ્પર દુર્ભાવ-ઉદ્વેગ-સંબંધહાનિ કરનાર હોવાથી પરિણામમાં કટુ છે. ક્રોધનાં નુકસાનાદિ સમજીને મન માનતું ન હોવા છતાં પ્રયત્નપૂર્વક 'કન્ટ્રોલ' કરી કરીને રખાતી શાંતિ છે કડવા ઔષધ જેવી. એ તે સમયે થોડો માનસિક અજંપો-ઉદ્વેગ કરાવે, પરંતુ સમજણપૂર્વકની હોવાથી પરિણામમાં મધુર છે. જ્યારે પૂર્વોક્ત બીજા અને ત્રીજા અભિગમદ્વારા સહજપણે કેળવાતો ઉપશમભાવ છે અમૃત જેવો. એ તે સમયે પણ મનને સ્વસ્થ-પ્રસન્નતાસભર રાખતો હોવાથી ત્યારે પણ મધુર છે અને વિપુલ કર્મ નિર્જરા કરાવતો હોવાથી પરિણામમાં ય મધુર છે.

જેઓએ ઉપશમઅમૃતનું પાન કર્યું છે એમનો ઉપશમભાવ એમને તો સર્વાગીણ લાભ કરે જ છે. પરંતુ અન્યને વિરોધીને કેવો સરસ લાભ કરે એ જાણવું છે ? તો વાંચો આ જૈન ઇતિહાસની પ્રેરક ઘટનાઃ

વિક્રમની સોળમી શતાબ્દીનો એ સમય હતો, ત્યારે આગ્રામાં માણેકશાહ નામે જૈન યુવાન રહે. એ કાંઈક અંશે મનસ્વી-મનમાં જે આવે તે કરનારો અને ઉદ્ધત સ્વભાવ ધરાવતો હતો. એકવાર એણે તત્કાલીન જૈન શાસનના મહાન પ્રભાવક આચાર્યવર્ય શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજને એકાંતમાં કાર્યોત્સર્ગધ્યાનમાં લીન નિહાળ્યા. સૂરીશ્વરને ધ્યાનમગ્ન નિહાળીને ખરેખર તો વંદનના-પ્રશંસાના ભાવ જાગવા જોઈએ. પરંતુ માણેકશાહને એનો મનસ્વી સ્વભાવ આડો આવ્યો. એનાં મનમાં સૂરીશ્વરનું ધ્યાન તકલાદી પુરવાર કરવાનો આકરો વિચાર આવ્યો અને એણે સળગતું લાકડું લઈ આવી સૂરીશ્વરની દાઢીમાં ચાંપી દીધું. ક્ષણમાં જ સૂરીશ્વરની દાઢીના વાળ ઘાસની જેમ ભડ ભડ બળવા માંડયા. પણ વાહ સાધક ! એ તો ઉપદ્રવકારીને ય ઉપકારી માનીને ઉપશમભાવમાં અને ધ્યાનમાં લીન રહ્યા.

એકાદ ક્ષણ. અને માણેકશાહનું અંતરસૂરીશ્વરની સહિષ્ણુતાથી- ઉપશમભાવથી પીગળી ઉઠયું. તુર્ત આગ બુઝાવી નાંખીને એણે જૈનાચાર્યની માફી માંગી. જૈનાચાર્યના ઉપશમભાવથી તે એ હદે પ્રભાવિત થઈ ગયો કે એણે તેઓને પોતાના સદ્ગુરુરૂપે સ્થાપ્યા. ક્રમશઃ સદ્ગુરુમુખે શત્રુંજયગિરિરાજનો મહિમા જાણીએ અન્ન-જલત્યાગ સાથે એકાષ્ઠી પગપાળા શત્રુંજયમહાતીર્થયાત્રાર્થે નીકળ્યો. માર્ગમાં વિલક્ષણ સંયોગોમાં જીવનનો અંત આવ્યો ત્યારે એનું ધ્યાન શત્રું- જયમહાતીર્થમય હોવાથી એ મૃત્યુ બાદ યક્ષનિકાયના મણિભદ્ર દેવરાજ- ઇન્દ્ર બન્યા અને તપાગચ્છાધિષ્ઠાયક રૂપે તેઓની મૂર્તિ આજે ઠેર ઠેર પ્રતિષ્ઠા પામી છે.

એક ઉપદ્રવી-ઉદ્દંડ યુવાનને માણિભદ્રઇન્દ્ર બનાવવા સુધીના મહાન લાભમાં મૂળમાં શું હતું ? માનવું જ જોઈશે કે આ. હેમવિમલસૂરિજીનો ઉત્તમ ઉપશમભાવ...

ગ્રન્થકારના 'ઉપશમ' શબ્દનો જ્યાં સીધે સીધો ઉલ્લેખ છે એવી બે શાસ્ત્રપંક્તિઓનો હવે આપણે ઉલ્લેખ કરી ઉપશમનો મહિમા સમજીએ:

જૈન શ્રમણો પાક્ષિક પ્રતિક્રમણમાં જેનો અવશ્ય પાઠ કરે જ એવું એક સૂત્ર છે 'પાક્ષિકસૂત્ર'. એમાં ચારિત્રધર્મ માટે એકેકથી ચડિયાતા બાવીશ વિશેષણો છે. એમાં એક મજાનું વિશેષણ છે ' ઉપસમપભવસ્સ'. મતલબ કે ઉત્તમ ચારિત્રનો જન્મ ઉપશમભાવમાંથી થાય છે. ટીકાકાર ભગવંતે આ વિશેષણને વ્યાખ્યાયિત કરતા આ સંસ્કૃત પંક્તિ લખી છે કે 'ઉપશમ ઇન્દ્રિયનોઇન્દ્રિયજસ્તસ્માત્ પ્રભવો જન્મ-ઉત્પત્તિર્યસ્યાસૌ ઉપશમપ્રભવ ઇન્દ્રિયમનો નિગ્રહ લભ્ય ઇત્યર્થસ્તસ્ય.. આ પંક્તિનો સારાંશ એ છે કે પ્રવૃત્તિ અને પરિણતિરૂપ ઉત્તમ ચારિત્ર ઉપશમભાવમાંથી પ્રગટે છે. આ ઉપશમભાવનો અર્થ છે ઇન્દ્રિયો અને મન ઉપર વિજય. ઉદાહરણરૂપે કાન નામની ઇન્દ્રિયને કોઈના તરફથી કડવા-કઠોર અપશબ્દો સાંભળવા મળે કે જીભ નામની ઇન્દ્રિયને તીખું તમતમતું ભોજન મળે: સાધક એ સમયે પણ સ્વસ્થ- મસ્ત રહે આ છે ઇન્દ્રિયવિજય. કોઈએ આપણો મોટો અપરાધ કર્યો એ સમયે મનમાં એવું બગાડવાનો વિચારમાત્ર ન જાગવા દેવો આ છે મનોવિજય. બસ, આ ઇન્દ્રિયવિજય- મનોવિજયનું નામ છે ઉપશમભાવ અને એ છે ઉત્તમ ચારિત્રની જન્મદાત્રી માતા !

હવે વિચારીએ 'કલ્પસૂત્ર' આગમનો પાઠ. ત્યાં સાધનાલીન પરમાત્મા મહાવીરદેવ માટે વિશેષણપંક્તિ લખાઈ છે 'સંતે પસંતે ઉવસંતે.' ભાવાર્થ કે પ્રભુ શાંત પ્રશાંત ઉપશાંત છે. સુબોધિકા ટીકાકારે એનું અર્થઘટન કર્યુ છે કે બાહ્ય આકૃતિથી જે સ્વસ્થ હોય એ છે શાંત, અંતઃકરણથી સ્વસ્થ હોય એ છે પ્રશાંત અને બાહ્ય- અભ્યંતર બન્ને સ્તરે જે સ્વસ્થ હોય તે છે ઉપશાંત. 'ઉપશમ' શબ્દ આપણને બાહ્ય-અભ્યંતર બન્ને સ્તરે સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે. આ જ પ્રેરણા કરતી આ મજાની કાવ્યપંક્તિ દ્વારા સમાપન કરીએ કેઃ

જિંદગી ત્રણ અક્ષરનું નામ, એમાં પ્રેમના અઢી અક્ષર;

એ બન્નેનો મેળ થઈ જાય તો, નહિ યુદ્ધ નહિ લશ્કર..

Gujarat
News
News
News
Magazines