અનુભવવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ વડિલોના સંપર્કથી યુવાન વયે ય ધૈર્ય-સ્થિતિપ્રજ્ઞાતા જેવા ગુણોની સમૃદ્ધિ સાંપડે

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ' સામાન્યત : એવું નિહાળવા મળે છે કે વ્યક્તિ યુવાવસ્થામાં જેટલી આસક્તિથી અબ્રહ્મસેવન-વિષયસેવન આદિમાં જોડાય એવી આસક્તિભરી વિષયપ્રવૃત્તિ વૃદ્ધાવસ્થામાં ન હોય. યુવાવસ્થામાં વ્યક્તિ જેટલી તીવ્ર ધનલાલસાથી અઢારે ય પાપસ્થાનકોનાં સેવનપૂર્વક વ્યવસાયાદિ કરે તેવી તીવ્ર ધનલાલસા કે તીવ્ર પાપાચરણો સાથેનાં વ્યવસાયાદિ વૃદ્ધાવસ્થામાં ન કરે. વૃદ્ધાવસ્થામાં પ્રાય : વ્યક્તિના વિચારો એવા હોય કે 'જતી જિંદગીએ નવાં નવાં પાપોનાં પોટલાં નથી બાંધવા. શક્ય હોય તેટલી ધર્મારાધના દ્વારા પરલોકનું ભાતું બાંધવું છે.'
પૂર્વાચાર્ય મહર્ષિએ 'ધર્મરત્નપ્રકરણ' ગ્રન્થમાં શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપે જે એકવીશ ગુણો દર્શાવ્યા છે તેની ચિંતનયાત્રામાં આજે આપણે વિચારીશું સોળમો ગુણ. એનું નામ છે વૃદ્ધોનો-વડિલોનો સંસર્ગ.
આજનું કહેવાતું 'ફાસ્ટ જનરેશન' ભલે ઉપકારશૂન્ય બનીને વડિલોને વૃદ્ધાશ્રમમાં કે ઘરના એકાંત ખૂણે ઉપેક્ષિત અવસ્થામાં સીમિત કરી દે. પરંતુ શાસ્ત્રો અને સંસ્કૃત સાહિત્ય વૃદ્ધજનસંસર્ગના અનેક લાભો દર્શાવે છે. જો એ વૃદ્ધ વડિલો માતા-પિતાદિ ઉપકારી વ્યક્તિરૂપે હોય તો એ ભક્તિપાત્ર- સંસર્ગપાત્ર છે જ. પરંતુ જે આવા ઉપકારી વ્યક્તિત્વરૂપે નથી તેવા વૃદ્ધો પણ આદરણીય છે. એમનો સંસર્ગ જીવનને કેટલા ય સરસ પાઠ શીખવી શકે છે.
ગ્રન્થકાર વૃદ્ધ વ્યક્તિની વિશિષ્ટતારૂપે બે બાબત જણાવે છે. એમાંની પ્રથમ બાબત છે પરિણત બુદ્ધિ. જીવનના અનેક ધૂપ-છાંવ નિહાળીને અનેક આરોહ-અવરોહમાંથી પસાર થઇને એમની બુદ્ધિ પરિણત થઈ ગઈ હોય છે, ઘડાઈ ગઈ હોય છે. એથી જીવનની સમસ્યાઓમાં એ ઉતાવળથી નહિ, ઠરેલ બુદ્ધિથી નિર્ણય લેશે. નાસીપાસ નહીં થાય, બલ્કે ઉકેલ લાવશે. અલબત્ત, તમામ વૃદ્ધજનોમાં આ વિશેષતા હોય જ એમ માની લેવાની જરૂર નથી. કેટલાક વૃદ્ધ હોવા છતાં અપરિણતબુદ્ધિ હોય અને કેટલાક યુવાન હોવા છતાં ય પરિણતબુદ્ધિ હોય એવું ય બને. માટે જ આગળ વૃદ્ધની અલગ વ્યાખ્યા પણ આવશે. આમ છતાં બહુલતાએ એમ માની શકાય કે વૃદ્ધોમાં પરિણત બુદ્ધિ નિહાળવા મળે.
ગ્રન્થકારનાં આ વિધાનને સમર્થન આપે તેવી એક કહેવત ગુજરાતી ભાષામાં મળે છે કે 'ઘરડાં ગાડા વાળે.' મતલબ કે ગાડું અવળી દિશાએ દોડવા માંડે-વાત ખોટી દિશામાં ઝડપથી વધી ગઈ હોય ત્યારે યુવાનીનો જુસ્સો એને પરત વાળી ન શકે. વૃદ્ધોનું શાણપણ-અનુભવી દૃષ્ટિ જ એને સહી દિશામાં લાવી શકે. પરિણતબુદ્ધિની આ કમાલ નિહાળવી છે ? તો વાંચો આ મસ્ત કથા:
નગરના નવા સત્તાધીશ બનેલ યુવાન રાજવીને વૃદ્ધો પ્રત્યે અણગમો હતો. આથી એણે રાજસભામાંથી સલાહકાર મંડળમાંથી તમામ વૃદ્ધોને રૂખસદ આપી દીધી હતી. બધે જ યુવાન તરવરિયા ચહેરા. પણ અનુભવના નામે એ સાવ શૂન્ય. યુવાન રાજવીના શાસનકાળની શરૂઆતમાં જ, બાજુના વિશાલ અને શક્તિસંપન્ન દુશ્મન રાજાને વારસાની ગાદી મેળવનાર આ નવા રાજાનું પાણી માપવાનું મન થયું. એણે જાણી-બુઝીને એક વિલક્ષણ સંદેશ પોતાના પ્રતિનિધિમંડળ દ્વારા નવા રાજાને પાઠવ્યો કે 'તમારા નગરની મધ્યમાં એક ઊંડો મીઠા જલનો કૂવો છે. અમારાં રાજ્યમાં મીઠા જલની અછત છે. માટે આ સંદેશ મળતા એ કૂવો તમારે અમારાં રાજ્યમાં મોકલી આપવો. તો આપણી વચ્ચે દોસ્તી જામશે, અન્યથા દુશ્મની.'
યુવાન રાજા અને એના નવલોહિયા રાજદરબારીઓ મુંઝાઈ ગયો કે'કૂવો તે કાંઈ મોકલી શકાતો હશે ? જરૂર આ રાજા આવી વાહિયાત વાત દ્વારા આપણું પાણી માપવા ચાહતો હશે. જો એને ના કહીશું તો યુદ્ધની નોબત બજશે કે જેમાં હાર નિશ્ચિત છે. હા કહીએ તો કૂવાનું સ્થળાંતર શક્ય નથી.' ખૂબ વિમર્શ છતાં તેઓ આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નહિ. મૂઢ બની ગયેલ રાજાએ યુવાન મન્ત્રીને આનો ઉકેલ કાલે લાવવાની જવાબદારી આપી. એ ય મુંઝાતો હતો કે આનો ઉકેલ શક્ય જ ક્યાં છે ? ચિંતાતુર વદને એ ઘરે આવ્યો.
મન્ત્રીના વૃદ્ધ પિતાએ પુત્રની ચહેરાની લિપિ જાણે યથાવત્ વાંચી લીધી હોય એમ મન્ત્રીને પૂછયું : 'તારા દિલ-દિમાગ પર બહુ મોટી ચિંતાનો બોજ હોય એમ લાગે છે. આજે રાજસભામાં કોઈ ચિંતાજનક ઘટના બની છે કે શું ?' પુત્રે સમગ્ર બયાન રજૂ કરીને કહ્યું : 'કૂવો એ રાજાને ત્યાં મોકલવો શક્ય જ નથી અને ના કહેવામાં યુદ્ધનું જોખમ છે. હું આમાં કરી શું શકું ?' અનુભવી અને પરિણતબુદ્ધિના સ્વામી વૃદ્ધ પિતા જાણે કે આ કોઈ સમસ્યા જ ન હોય એમ બે ક્ષણ ખડખડાટ હાસ્ય વેરી રહ્યા. પછી એમણે આ સમસ્યાનું તુર્ત નિરાકરણ કરતા હોય એમ પુત્રનાં કાનમાં રાજસભામાં આપવાનો ઉત્તર કહ્યો. મન્ત્રી આફ્રીન થઈ ગયો પિતાની બુદ્ધિ પર કે આવો ઉત્તર મને કેમ ન સૂઝ્યો?
બીજે દિવસે હકડેઠઠ ભરાયેલ રાજસભાની નજર યુવાન મન્ત્રી પર હતી કે એ ઉપાય શોધી શક્યા છે યા નહિ. યથાસમયે મન્ત્રીએ મસ્ત ઉપાય દર્શાવતા શત્રુરાજાના પ્રતિનિધિમંડળને કહ્યું : 'અમે દોસ્તીની તક ઝડપી મીઠો કૂવો તમારા નગરમાં મોકલવા તૈયાર જ છીએ. પણ આ અમારો કૂવો ખૂબ શરમાળ હોવાથી અજાણી ભૂમિ પર જવાને રહેવા તૈયાર નથી. આના ઉકેલ માટે તમારા નગરનો એક કૂવો પહેલા અહીં મોકલો. અમારા કૂવા સાથે એની દોસ્તી જામવા દો. પછી અમે એ બન્ને કૂવાને વાજતે-ગાજતે તમારે ત્યાં મોકલીશું.'
પૂરી રાજસભા ઝૂમી ઉઠી આ 'ટાઢે પાણીએ ખસ કાઢવી' જેવા ઉપાયથી…
ગ્રન્થકાર વૃદ્ધ વ્યક્તિની બીજી વિશિષ્ટતા એ જણાવે છે કે તે પાપાચારથી નિવૃત્ત હોય.
સામાન્યત : એવું નિહાળવા મળે છે કે વ્યક્તિ યુવાવસ્થામાં જેટલી આસક્તિથી અબ્રહ્મસેવન-વિષયસેવન આદિમાં જોડાય એવી આસક્તિભરી વિષયપ્રવૃત્તિ વૃદ્ધાવસ્થામાં ન હોય. યુવાવસ્થામાં વ્યક્તિ જેટલી તીવ્ર ધનલાલસાથી અઢારે ય પાપસ્થાનકોનાં સેવનપૂર્વક વ્યવસાયાદિ કરે તેવી તીવ્ર ધનલાલસા કે તીવ્ર પાપાચરણો સાથેનાં વ્યવસાયાદિ વૃદ્ધાવસ્થામાં ન કરે. વૃદ્ધાવસ્થામાં પ્રાય : વ્યક્તિના વિચારો એવા હોય કે 'જતી જિંદગીએ નવાં નવાં પાપોનાં પોટલાં નથી બાંધવાં. શક્ય હોય તેટલી ધર્મારાધના દ્વારા પરલોકનું ભાતું બાંધવું છે. ' આથી ગ્રન્થકારે બીજી વિશિષ્ટતામાં લખ્યું કે તે પાપાચારથી નિવૃત્ત હોય.
અલબત્ત અમે જ નહિ ગ્રન્થના ટીકાકાર મહર્ષિ પણ એવું માને છે કે બધાં વૃદ્ધો કાંઈ આવા શુભભાવયુક્ત અને પાપાચારથી નિવૃત્ત હોય એવું નથી હોતું. એથી ટીકાના અનેક પૈકી એક શ્લોકમાં વૃદ્ધત્વની નવી વ્યાખ્યાની સરસ પ્રસ્તુતિ એવી કરે છે કે :
તપ : શ્રુતધૃતિધ્યાન-વિવેક્યમસંયમૈ,
યે વૃદ્ધાસ્તેડત્ર શસ્યન્તે,
ન પુન: પલિતાંકુરે :
ભાવાર્થ કે જેઓ તપ-શ્રુત-ધૈર્ય-ધ્યાન-વિવેક-વ્રત - સંયમથી વૃદ્ધિ પામ્યા હોય તેને અહીં વૃદ્ધ સમજવા. મસ્તકે શ્વેત વાળ આવી ગયા હોય એટલામાત્રથી વ્યક્તિને વૃદ્ધ ન સમજવી! આ શ્લોક ટીકામાં વાંચતા અમને એક એવી વ્યક્તિ યાદ આવી ગઈ કે જે સફેદ વાળની દૃષ્ટિએ- સમાજદૃષ્ટિએ વૃદ્ધ હતી, પરંતુ શાસ્ત્રની ઉપરોક્ત દૃષ્ટિએ વૃદ્ધ ન હતી. એ ભાઈની ઘટના આવી હતી:
ઇ.સ.૨૦૧૭. મુંબઈ-ઘાટકોપર (પૂર્વ)ના સંઘમાં અમારી નિશ્રામાં સામૂહિક માસક્ષમણો એકસો પંદર થયા હતા. એમાંના બે પુણ્યાત્માના અતિશય આગ્રહથી પર્યુષણાપર્વ બાદ એમનાં ઘરે પગલાં માંડવા જવાનું બન્યું. ત્યાં એમની નીચેના મજલાના એક બેન આવીને ભાવુકતાથી કહેવા માંડયા : 'સાહેબજી! મારા પતિ ભયાનક માંદગીગ્રસ્ત છે. એમને રૂમમાંથી બહાર આવવાની ડોક્ટર્સની મનાઈ છે. મારું ઘર નીચે જ છે. આપે પગલાં કરવા જ પડશે.' અમે એમની ભાવના સ્વીકારી એ ઘરે ગયા. માનસિક કલ્પના એવી હતી કે એ ભાઈ સાવ પથારીગ્રસ્ત હશે, મનમાં નવકારમન્ત્ર ગણતા હશે. પરંતુ રૂમનું દૃશ્ય જોઈ અમે ચકિત થઈ ગયા. ભાઈ હાથમાં 'રીમોટ' રાખી પલંગમાં બેઠા હતા અને ટી.વી. પર બિભત્સ ફિલ્મ જોઈ રહ્યા હતા!
અમે માંગલિક-વાસક્ષેપ કરી બહાર આવ્યા બાદ બેન સામે પ્રશ્નાર્થ નજરે જોયું કે આવું કેમ ? બેન ખિન્નતાથી બોલ્યા : 'એમનો જીવ જ એવો છે કે પ્રભુભક્તિગીતો-નવકારસ્મરણ કે સારાં પુસ્તકોનું વાંચન પણ એમને ગમતું નથી. રાત-દિવસ અશ્લીલ ફિલ્મો જ જોયા કરે છે. કોઈનું સાંભળવા ય એ તૈયાર નથી.'
ગ્રન્થકારની વાત આવા વૃદ્ધજનોને લાગુ ન પડે એ સમજી શકાય તેમ છે. ટીકાકાર ભગવંતે વૃદ્ધત્વની વ્યાખ્યાના જે અવનવા શ્લોકો આપ્યા છે એમાંનો એક ઓર શ્લોક ટાંકવા જેવો છે કે :-
હેયોપાદેયવિકલો,
વૃદ્ધોડપિ તરુણાગ્રણી :
તરુણોડપિ યુતસ્તેન,
વૃદ્ધૈર્વૃદ્ધ ઇતીરિત :
જેને શું કરાય- શું ન કરાય શું, ત્યાજ્ય- શું ગ્રાહ્ય આવો વિવેક નથી, એ વયમાં વૃદ્ધ હોય તો ય સમજદૃષ્ટિએ સાવ નાનો તરુણ છે અને જેનામાં ઉપરોક્ત વિવેક છે તે વયમાં તરુણ હોય તો ય સમજદૃષ્ટિએ પીઢ છે- વૃદ્ધ છે. જે વ્યક્તિ શાણપણ-ધૈર્ય-વિવેક-સ્થિતપ્રજ્ઞાતા- ધર્મ આદિથી વિભૂષિત છે તેવી વૃદ્ધ વ્યક્તિનો સંસર્ગ-સંપર્ક જીવનમાં શાણપણ-ધૈર્ય વગેરે ગુણોની ઉપલબ્ધિ કરાવે. એક સંસ્કૃત સુભાષિત એમ કહે છે કે ' જે વ્યક્તિ અભિવાદનશીલ છે અને નિત્ય વૃદ્ધોના સંસર્ગમાં છે તેમનામાં આયુષ્ય-વિદ્યા-યશ અને બલની વૃદ્ધિ થાય છે.'
છેલ્લે એક વાત : વૃદ્ધોના સંસર્ગના આ ગુણનાં કારણરૂપે ગ્રન્થકારે સરસ વિધાન કર્યું છે કે જેવો સંસર્ગ હોય તેવા ગુણો આવે. આપણે એ માટે યાદ રાખીએ આ વાક્ય કે 'હાથમાં અત્તર હોય તો હાથ સુવાસિત થાય. જીવનમાં સારી વ્યક્તિઓ હોય તો જીવન સુવાસિત થાય.'




