For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

"ભજ ગોવિન્દમ" .

Updated: Apr 24th, 2024

"ભજ ગોવિન્દમ"                                                           .

- રટણ અને ગોખણપટ્ટી ભલે એકસરખા લાગતા હોય, પણ વાસ્તવમાં  એ બે વચ્ચે મોટો તફાવત છે. રટણ હમેશાં પ્રિય વસ્તુનું થાય છે

'કા શી' એટલે વિદ્વાનોની નગરી પોળે પોળે પંડિતોની પાઠશાળાઓ ચાલે. એક યુવાન સંન્યાસી એક પોળ પાસેથી પસાર થતો હતો ત્યાં સંસ્કૃતના રૂપો ગોખતા વિદ્યાર્થીનો સ્વર કાને પડયોને સંન્યાસીના પગ ત્યાં ને ત્યાં જ થંભી ગયા. એક નાને ઓટલે બેસીને એ વિદ્યાર્થી સંસ્કૃતના રૂપો ગોખી રહ્યો હતો. એની વાણીમાં કર્કશતા હતી. કંઈ ભાવ વિના પોપટની માફક એકધારુ રટણ કરી રહ્યો હતો. 

વિદ્યાર્થીની આ ગોખણપટ્ટીએ સંન્યાસીને જબરો આઘાત લગાડયો.  સંસ્કૃત એટલે દેવભાષા શબ્દે શબ્દે મધ જરે પણ આ છોકરો તો આંકના ઘડિયા ગોખતો હોય એમ યંત્રવત મોટે સ્વરે ગોખ્યે જતો હતો. સંન્યાસી ત્યાં જ ઊભા રહી ગયા. આગળ જવાનો ઉત્સાહ ન રહ્યો.

વ્યાકરણમાં મધુરતા આવે તો આ શુષ્કતા આપોઆપ ચાલી જશે. એને માટે કંઈક કરવું પડશે. એમણે વિચાર કર્યો કે એક ચિત્તે સમજીને બે પાંચ વાર બોલી જાય તો ગોખવું ન પડે. સંન્યાસીએ યુવાનો સામે દૂરથી દૃષ્ટિ કરી. પણ એ તો ઊંધુ ઘાલી ગોખણપટ્ટીમાં જ પડયો હતો. કોકે એના મનમાં એવું ઠસાવી દીધું હતું કે સંસ્કૃતના આ રૂપો તું પાકા કરી નાખીશ તો મહાન વિદ્વાન થઈ જઈશ.

રટણ અને ગોખણપટ્ટી ભલે એકસરખા લાગતા હોય, પણ વાસ્તવમાં  એ બે વચ્ચે મોટો તફાવત છે. રટણ હમેશાં પ્રિય વસ્તુનું થાય છે. પ્રિય વસ્તુનું રટણ વારંવાર કરવા મન પણ ઉત્સુક રહે છે. આ રૂપોનું સુંદર સ્તોત્ર બહુ જ સરળતાથી કંઠસ્થ થઈ જશે. સંસ્કૃત ભાષા સારી રીતે શીખવવાની એને બહુ જ હોંશ થશે. સંસ્કૃત ભાષા પ્રત્યે એને સારી એવી રૂચિ પ્રગટશે.

અને એ સંન્યાસીનાં મુખમાંથી એ જ વખતે રૂપોથી ગૂંથેલી સુંદર પંક્તિઓ વહેતા ઝરણાની માફક કલહલ કરતી પ્રગટી ઉઠી.

'ભજ ગોવિન્દમ, ભજ ગોવિન્દમ, ભજ ગોવિન્દમ' મધુર સ્વરે ગવાતો આ શ્લોક સાંભળી પેલો વિદ્યાર્થી અટકી ગયો.

જાણે એની ગોખણપટ્ટીની જડવૃત્તિ થંભી ગઈ. એને આ શ્લોક બહુ જ ગમી ગયો. રૂપો ગોખવાના પડતા મૂકીને એ ઊભો થઈ ગયો અને એક પછી એક શ્લોક ગાઈ રહેલા સંન્યાસી પાસે એ વિદ્યાર્થી દોડી આવ્યો. મંત્રમુગ્ધ બનીને પોતાની પાસે ઊભેલા વિદ્યાર્થીને ખભે હાથ મૂકી, સ્નેહભર્યે સ્વરે કહ્યું 'ભાઈ, આમ જોવા જાવ તો દુનિયામાં ઘણી જડતા ભરેલી છે. કવિઓ, કલાકારો ને ચિત્રકારો જડતામાંથી પણ ચૈતન્ય પ્રગટાવે છે. ત્યારે તું તો વિદ્યા જેવા પ્રાણદાયી પ્રદાર્થમાંથી પણ ચૈતન્ય ગ્રહણ કરવાને બદલે નરી જડતા જ ભેગી કરી રહ્યો છે. તારી આ જડતાને તોલે જગતની બીજી કોઈ જ જડતા આવી શકે નહી.

વિદ્યાર્થી બોલ્યો, 'સ્વામીજી ! પંડિતજીએ રૂપો ગોખવા આપ્યા હતા તે ગોખતો હતો.' સ્વામીજી બોલ્યા, 'ભાઈ, આમ તો તું સો વર્ષ સુધી પોપટની જેમ પઢયા કરીશ તો પણ તને ગોખણપટ્ટી સિવાય બીજુ કંઈ જ મળશે નહી. વિદ્યા ગ્રહણ કરતી વખતે તારે તારા પ્રાણતત્વને એમાં ભેળવી એને રસમય બનાવવી જોઈએ. સંન્યાસીની વાત વિદ્યાર્થીને હૈયે સ્પર્શી ગઈ તેણે 'ભજ ગોવિન્દમ્'નું પૂરું સ્તોત્ર કંઠસ્થ કરી લીધું. વ્યાકરણ જેવા શુષ્ક વિષયને સ્તોત્રમાં ગૂંથી વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતમાં રૂચી જગાડનારા એ સ્વામીજી હતા. ભગવાન આદ્ય શંકરાચાર્ય આદ્ય શંકરાચાર્યએ ધર્મનો પણ ફેલાવો કર્યો હતો.

- ચેતન એસ. ત્રિવેદી

Gujarat