Dharmlok

દલીલ કરવાથી દિલ જીતાતું નથી

By GS Team
30 Sep 20265 mins read
દલીલ કરવાથી દિલ જીતાતું નથી
  • લિંકન સાથે કામ કરતા અધિકારીઓ જાણતા હતા કે લિંકન સાચા છે, પ્રામાણિક છે, નિર્દોષ છે. અફવા જૂઠી છે. તેમણે લિંકનને કહ્યું, 'સર, આપ ન્યૂઝ રિપોર્ટરોને બોલાવી જૂઠી વાતોનું ખંડન કેમ નથી કરતા?

શ્રી વલ્લભાચાર્ય એકવાર માતા ઇલ્લામાજી સાથે મામાને ઘરે ગયા. મામાનું નામ સોમેશ્વર પંડિત હતું. તે રાજપુરોહિત હતા. રાજ્યના દાનાધ્યક્ષ પદ પર હતા. શ્રી વલ્લભ મામાને ત્યાં આવ્યા ત્યારે વિદ્યાનગરની રાજસભામાં વિદ્યાવાદવિવાદ ચાલતો હતો. મામાએ કહ્યું, 'વલ્લભ, તું જ્ઞાની છે. હું તને રાજસભામાં લઈ જઈશ. ત્યાં વિદ્વાનોની વચ્ચે જઈશ તો તારી કિર્તીમાં વધારો થશે.' શ્રી વલ્લભે એટલું જ કહ્યું, 'હરિ ઇચ્છા.'
જમવાનો સમય થયો. મામાએ સૌને ભોજન માટે બોલાવ્યા ત્યારે વલ્લભે કહ્યું, 'મામાશ્રી, મારે ઠાકોરજીની સેવા કરી સ્વયં સામગ્રી સિદ્ધ કરી-ભોગ ધરાવ્યા પછી. પ્રસાદ લેવાનો હોય છે. એટલે આપ સૌ જમી લો. હું ઠાકોરજીને ભોગ ધરાવ્યા બાદ પ્રસાદ લઈશ.'
હ્ય્ેંદ્યશ્નખ્તેંણશ્નગ્દણઢદ્ય્ ણગ્દહ્ર્ શ્નદ્રીહ્ર્ટ્ટઝખ્તણશ્ર
શ્રી વલ્લભાચાર્યના ઠાકોરજીને ધરાવ્યા વગર કોઈપણ વસ્તુનો સ્વીકાર ના થાય તેવા નિયમનું રહસ્ય સમજતા ના હોવાથી મામા અકારણ ગુસ્સે થઈ ગયા. 'વલ્લભ, તને ખબર છે, તારા પિતા અને પિતામહ પણ મારે ત્યાં જમતા હતા. તું ક્યારથી ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરવાની વાત કરતો થઈ ગયો ? તું જાણે છે ને કે હું કોણ છું ! વિદ્યાભૂષણ, રાજ્યના દાનાધ્યક્ષ, રાજાનો માનીતો છું. મારી રાજા વગર રાજસભામાં વિદ્યાવિવાદ કરવા કોઈ પ્રવેશી શકતું નથી. !! હવે હું પણ જોઉં છું - કોણ તને વિદ્યાવિવાદ કરવા લઈ જાય છે.' દોષ દર્શનથી મામાનો ગુસ્સો ઇર્ષામાં બદલાઈ ગયો. શ્રી વલ્લભ જાણતા હતા કે મામા પૂજનીય હતા. નાનપણમાં એક ગુરૂને છાજે એમ આત્મપ્રતીતિને ઉજાગર કરાવે તેવી વાણીનો લાભ તેમને મળ્યો હતો. અત્યારે ભલે નારાજ હોય, પણ જો સામસામે વાદ-વિવાદ થશે તો સંબંધ ઘટી જશે. શ્રી વલ્લભ મૌન રહ્યા. માતાજીને પણ ઇશારાથી મૌન રહેવા સમજાવી દીધાં. પણ શ્રીવલ્લભને ત્યાં રહેવું ઠીક ના લાગ્યું. જો મામને ત્યાં રહેશે તો ઠાકોરજીની સેવામાં વિઘ્ન આવશે. તેમણે માતાજીને સમજાવ્યા અને અડધી રાતે દામોદરદાસજી, શિષ્ય કમંડલુ સાથે ઘર છોડી મનોહરકુંડ જતા રહ્યા. સવારે શ્રીવલ્લભે શિષ્ય કમંડલુને રાજસભામાં વિદ્યાવિવાદ અર્થે મોકલ્યો. કમંડલુએ બ્રહ્મ-સ્વરૂપ સચ્ચિદાનંદાકાર છે તે વાતને શ્રુતિઉક્તિ અને તર્કયુક્તિથી સમજાવીને કહ્યું, 'રાજન્, હું તો શ્રીવલ્લભનો નાનકડો શિષ્ય છું. જો શાસ્ત્રોના તત્વનિર્ણયને ગૂઢ રીતે સમજવો હોય તો શ્રીવલ્લભાચાર્યના આત્મકલ્યાણના વિચારો સાંભળવા જોઈએ. આચાર્ય દરેકના પ્રશ્નોનું સંતોષપૂર્વક સમાધાન કરશે.'
રાજા શ્રી રાય કૃષ્ણદેવજીએ ખૂબ જ આદર અને સન્માનપૂર્વક શ્રી વલ્લભાચાર્યને આમંત્ર્યા. શ્રીવલ્લભે આવીને ત્યાં ઉપસ્થિત સર્વ જ્ઞાની આચાર્યોને વંદન કર્યા અને એક પછી એક દરેકને તેમના બ્રહ્મવિષયક પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા. આ ચર્ચા અઠ્ઠાવિસ દિવસો સુધી ચાલી. શ્રીવલ્લભપ્રભુએ વેદો, અપૌરૂષેય શ્રીકૃષ્ણજીવન રહસ્ય, વ્યાસસૂત્ર અને શ્રીમદ્ભાગવતના ગૂઢ રહસ્યો છતા કર્યા. પરબ્રહ્મ શ્રીકૃષ્ણ જ સચ્ચિદાનંદમય છે, જગત તેમનું કાર્ય છે. આ જીવ તેમનો અંશ છે.
શ્રીવલ્લભાચાર્ય વિદ્યાવિવાદમાં 'દિગ્વિજયી' પદથી સન્માન પામ્યા. રાજા તરફથી તેમની કનકતુલા થઈ. એ સુવર્ણમુદ્રાઓ, ઉપરાંત સેવા અભિષેકમાં ઉપયોગમાં લેવાયેલ સોના-ચાંદીના કિંમતી પાત્રો ભેટ ધરાયાં. પંરતુ તેમણે તે લેવાનો ઇન્કાર કર્યો. એટલું જ નહિ તેમની વિરૂદ્ધ દલીલ કરતા, પોતાનો મત જ સાચો છે તેવો વાદ-વિવાદ કરતા ત્યાં હાજર અનેક વિદ્વાનો, આચાર્યો, વિદ્યાભૂષણ, વિદ્યાવિશારદ જેના ગુરૂજનોને એ સંપત્તિ વહેંચાવડાવી. કોઈના દિલને અંગત રીતે ઠેસ પહોંચાડયા વગર બહુમાન પામ્યા. સૌ જ્ઞાનીઓનો અહમ્, મોટપ અને વડપણ ઓગળી ગયું. શ્રી વલ્લભાચાર્ય એક જ વાત જાણતા હતા કે અંત:કરણની પવિત્ર લાગણી વિવાદી શબ્દોના ભાર નીચે કચડાવી ના જોઈએ.
દલીલ કર્યા વગર જીવવું અશક્ય છે, પણ દલીલ ક્યારે કરવી, કોની સાથે કરવી એનું પ્રમાણભાન માણસનું ભવિષ્ય નક્કી કરે છે, જે વાદ-વિવાદ ઉશ્કેરણીજનક હોય અથવા વાતમાં કંઈ સાર ના હોય એવા વિવાદથી દૂર રહેવું. લિંકન પ્રમુખસ્થાને હતા ત્યારે અમેરિકામાં આંતરવિગ્રહ ચાલતો હતો. યુદ્ધસમિતિના કેટલાક વિઘ્નસંતોષી, દોષ જોનારા લિંકન વિષે જૂઠી અફવાઓ ફેલાવી બદનામ કરવા પ્રયત્નો કરતા. લિંકન સાથે કામ કરતા અધિકારીઓ જાણતા હતા કે લિંકન સાચા છે, પ્રામાણિક છે, નિર્દોષ છે. અફવા જૂઠી છે. તેમણે લિંકનને કહ્યું, 'સર, આપ ન્યૂઝ રિપોર્ટરોને બોલાવી જૂઠી વાતોનું ખંડન કેમ નથી કરતા? એમને સાચી હકીકત જણાવશો એટલે વિરોધીઓ તરત બોલતા બંધ થઈ જશે.' લિંકને કહ્યું, 'તમારી વાત સાચી છે. પણ જો હું આવી નાની નાની વાતો પર સમય બગાડી જાતને બચાવવા દલીલો કર્યા કરું તો દેશના અગત્યના કામો અટકી પડે. મારા માટે દેશના કામ પહેલાં છે પછી જાત બચાવવાની દલીલો.'
ડ્ઢર્િૅ ંરી જેહ્વદ્ધીષ્ઠં ુરીહ અર્ે ષ્ઠટ્વહર્હં ટ્વખ્તિીી. ્રીિી ૈજ ર્હ હીીઙ્ઘ ંર્ હ્વી હ્વૈંંીિ, હ્વીષ્ઠટ્વેજી અર્ે ાર્હુ અર્ે ટ્વિી િૈખ્તરં.
જ્યારે આપણે કોઈ વાતથી સહમત ના થઈ શકીએ ત્યારે એ વાત પડતી મૂકવી. કોઈ પ્રત્યે કડવા બનવાની જરૂર નથી. કારણ કે આપણને ખબર છે કે આપણે સાચાં છીએ. ખોટી દલીલ મીણ જેવી હોય છે. સત્યના સૂરજનું એક કિરણ તેને ઓગળવા પૂરતું છે. દલીલ ઉપેક્ષા પેદા કરે છે, અનાદર પેદા કરે છે. ઘણીવાર આપણે જ સાચાં છીએ એવું માની ઊંચા અવાજે વાદવિવાદ કરી અણગમતું વર્તન કરીએ છીએ. બીજો પણ સાચો હોઈ શકે એવું ભાગ્યે જ વિચારીએ છીએ, જો તર્કથી સાબિત પણ થાય કે આપણે સાચા છીએ તો પણ છેવટે નુકસાન જ થાય છે. માન ગુમાવીએ છીએ, પ્રેમ ગુમાવીએ છીએ. સમભાવ ગુમાવીએ છીએ, બે આંખોની શરમ ગુમાવીએ છીએ.
એકવાર 'લવમેરેજ' કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા. પતિને ઇન્ક્રીમેન્ટ્સ મળ્યા પછી તેની ઓફિસની જવાબદારી વધી ગઈ હતી. ઘણીવાર તે ઘરે મોડો આવતો. પત્ની રાહ જોઈને કંટાળતી, ખિજાતી, ફરિયાદ કરતી. બહાર ક્યાંય ફરવા જવાતું નથી. સવાર સાંજ વોક પર જવાનું બંધ થઈ ગયું છે. સવારની ચા પણ સાથે બેસીને નિરાંતે પીવાતી નથી. છેવટે બોલચાલ બંધ થઈ ગઈ. પાડોશમાં રહેતા એક રિટાયર્ડ પ્રિન્સિપાલ બહેન આ બધું જોતાં. તેમણે ઉપાય બતાવ્યો. 'તમે બન્ને એક કાગળ પર જે જે ફરિયાદ હોય તે લખી જણાવો. પછી ડ્રોઈંગરૂમમાં બેસી એકાંતમાં તેનું સમાધાન જાતે શોધો.' પત્નીએ ફૂલસ્કેપ કાગળ ભરી ફરિયાદો લખી. પતિએ એક નાનો કાગળ લખ્યો. બન્ને ડ્રોઈંગરૂમમા બેઠાં. પહેલાં પત્નીની ફરિયાદો વંચાઈ પછી પતિનો કાગળ પત્નીએ વાંચ્યો. 'હું જાણું છું, જ્યારથી ઇન્ક્રીમેન્ટ્સ મળ્યું છે ત્યારથી ઓફિસમાં કામનો બોજ વધ્યો છે. હું તને પહેલાં જેટલો સમય નથી આપી શકતો. પણ ઓફિસનું કામ કાયમી નથી. થોડા દિવસોમાં બોજ ઘટી જશે. છતાંય હું દિલથી ચાલું છું, તારા જ વિચારો કરું છું, તારા વગરની જિંદગી હું કલ્પી શકતો નથી. રીયલી, આઈ લવ યુ.' પત્નીની આંખો ભીની થઈ ગઈ, ગુસ્સો ઠંડો પડી ગયો. તેણે પતિનો હાથ હાથમાં લઈ કહ્યું, 'સોરી, એન્ડ યસ, આઈ લવ યુ.'
સંવાદમાં દલીલની જગ્યાએ ટહુકાની મિઠાશ હોય તો સંબંધ ટકે. સંબંધના કેનવાસ પર લાગણીનો મેઘધનુષી રંગ જ શોભે.

  • સુરેન્દ્ર શાહ