For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ! એ કામ સમયસર થયું હોત... .

Updated: Apr 24th, 2024

કાશ! એ કામ સમયસર થયું હોત...                                        .

- "હે ઈન્દ્રદેવ, તમે સાચું કહો છો. જ્ઞાન તપથી નહિ અભ્યાસથી જ પ્રાપ્ત થાય. પણ હું આ વાત ઘણી મોડી સમજ્યો. કાશ કાશ ! 

ગં ગા કિનારે કનખલ પાસે મહર્ષિ ભારદ્વાજ અને મહર્ષિ રૈભ્યના આશ્રમો હતા. બન્ને મિત્રો હતા. રૈભ્ય અભ્યાસી હતા. નિયમિત શાસ્ત્રોનું અધ્યયન કરતા. તેમના બન્ને પુત્રો અર્વાવસુ અને પરાવસુ પણ ગુરૂજનો પાસે શિક્ષા પ્રાપ્ત કરીને વિદ્વાન બન્યા હતા. મહર્ષિ ભારદ્વાજ તપસ્વી હતા. તેમને શિક્ષણ કરતાં તપમાં વધુ રસ હતો. શાસ્ત્રજ્ઞાના હોવાના કારણે તેમની લોકપ્રિયતા રૈભ્યના તોલે ઓછી હતી. ભારદ્વાજના પુત્ર યવકીતને પણ શિક્ષણ કરતાં તપમાં વધારે રૂચિ હતી. પણ તે પિતાનો સમાજ દ્વારા થતો અનાદર સહી શકતો નહોતો. એક તપસ્વીને જે માન મળવું જોઈએ, તે પિતાને મળતું નહોતું. તેથી તે દુ:ખી હતો. છેવટે તેણે નિર્ણય કર્યો. ગુરૂ પાસે થઈને જ્ઞાન મેળવવા કરતાં તપસ્યા કરવી અને વરદાનમાં શાસ્ત્રજ્ઞાન માંગી લેવું. આજના જમાનામાં જેને 'શોર્ટકટ' કહેવાય તેવો ટૂંકો રસ્તો તેણે અપનાવ્યો. તે એકલીન થઈ તપ કરવા લાગ્યો. પંચાગ્નિના તાપથી તેનું શરીર બળવા લાગ્યું, શરીર સૂકાઈ ગયું. તેનું કઠોર તપ જોઈ દેવરાજ ઈન્દ્ર તેની પાસે આવ્યા. તેમણે તપનું કારણ પૂછયું. યવક્રીતે કહ્યું "દેવરાજ, મારા માટે શિક્ષા મેળવવી અઘરી છે પણ મારે શાસ્ત્રજ્ઞા થવું છે. વેદમાં પારંગત થઈ લોકપ્રિય થવું છે." ઈન્દ્રએ કહ્યું "યવક્રીત, તેં ખોટો માર્ગ પસંદ કર્યો છે. શિક્ષા મેળવવાનો કોઈ ટૂંકો માર્ગ નથી. તું ગુરૂ પાસેની સેવા કર અને જ્ઞાન મેળવ." દેવરાજ ઈન્દ્ર ગયા.

પણ યવક્રીત અડગ રહ્યો. તેણે તેથી ચાલુ રાખ્યું. તે હઠીલો હતો. ટૂંકો માર્ગ પસંદ કરનાર જિદ્દી જ હોય છે. ઈન્દ્ર પાછા આવ્યા. તેમણે ફરી સમજાવ્યો "તારૃં આ તપ મનપૂર્વકનું નથી. તને જો આવા તપથી શિક્ષા પ્રાપ્ત થશે તોય તે જ્ઞાન સફળ નહિ થાય ! દુરાગ્રહ છોડીને ગુરૂનું શરણ લે." પણ યવક્રીત અડગ રહ્યો. તપસ્યા ચાલુ રાખી. એટલે દેવરાજ ઈન્દ્રએ યુક્તિ કરી. તેમણે વૃદ્ધ-રોગી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. જે ગંગા નદીના કિનારે યવક્રીત રોજ સ્નાન કરવા આવતો હતો ત્યાં કિનારાની રેતી ખોબે ખોબે ભરીને નદીમાં નાખવા લાગ્યા. યવક્રીતે તેમની મથામણ જોઈ અને કહ્યું "વિપ્રવર, આપ આ શું કરી રહ્યા છો ?" વૃદ્ધે કહ્યું "લોકોને આ નદી પાર કરવામાં મુશ્કેલી પડે છે. હું નદીમાં રેતી નાખીને એક પુલ બનાવી રહ્યો છું. જેથી લોકો સહેલાઈથી ગંગા પાર કરી શકે." યવક્રીત હસવા લાગ્યો "વિપ્રવર, ગંગા નદીનો વેગવાન પ્રવાહ આપના ખોબા જેટલી રેતીથી કેવી રીતે રોકાશે ? તમે પુલ નહિ બાંધી શકો. આ કામ અસંભવિત છે. ત્યારે વૃદ્ધે કહ્યું "જ્યારે તું તપ કરીને વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું અસંભવિત કાર્ય કરી શકે ત્યારે હું ના કરી શકું ? જો તું અશક્ય કામને શક્ય કરી શકતો હોય તો. હું પણ કરી શકું.

યવક્રીત સમજી ગયો. તેણે ભૂલ સ્વીકારી. માફી માગી "હે ઈન્દ્રદેવ, તમે સાચું કહો છો. જ્ઞાન તપથી નહિ અભ્યાસથી જ પ્રાપ્ત થાય. પણ હું આ વાત ઘણી મોડી સમજ્યો. કાશ કાશ ! શિક્ષા મેળવવા જેવું પવિત્ર કામ મારાથી સમયસર થયું હોત તો કેટલું સારું થાત."

જીવનના ઘણા કામો આપણે સમયસર કરી શકતા નથી. નજર સામેથી ઘણું બધું પસાર થઈ જાય છે. આપણે જોતાં રહીએ છીએ. કારણ કે ટૂંકા ગાળામાં વધુ લાભ ખાટી જવા ટેવાયેલી બુદ્ધિ મળેલા માનવજીવનના અણમોલ ખજાનાને પારખી શકતી નથી. કિનારા પર પડેલાં છીપલાં વીણવામાં તળિયે પડેલાં સાચાં મોતી મેળવવાનું ચૂકી જઈએ છીએ. જોવાનું જોતા નથી. સાંભળવાનું સાંભળતા નથી. અનુભવવાનું અનુભવતા નથી. કહેવાનું કહેતા નથી. કાલિદાસે કહ્યું છે "વિવિક્ષતં હિ અનુકતં અનુતાપં જરમતિ" જે કહેવાનું હોય તે ના કહીયે તો પાછળથી પસ્તાવાનો વારો આવે છે.

ન્યુયોર્કમાં માઈકલ ગોડમેને છત્રીસ વર્ષ પહેલા મિત્રોને ઈમ્પ્રેસ કરવા મજાક મજાકમાં કલાઉટ સોફેલના 'બસનો પાસ' ઝૂંટવી લીધો હતો. એ વાત મિત્રો તો ભૂલી ગયા. પણ માઈકલ ના ભૂલી શક્યો. તેને ભારોભાર પસ્તાવો થયો, તેની ઊંઘ હરામ થઈ ગઈ. આવું મારાથી કેવી રીતે થઈ ગયું ! તેણે સોફેલને શોધવાના પ્રયત્નો કર્યા. તેના જીવને શાંતિ મળે એટલા માટે વીસ વર્ષો તેણે પરોપકાર અને સદ્કાર્યોમાં પસાર કર્યા. વર્ષો વીતી ગયાં. એક દિવસ અચાનક ફેસબુક પર તે કોમેન્ટ  કરી રહ્યો હતો ત્યારે તેણે સોફેલનું નામ વાંચ્યું. શું આ એ જ સોફેલ છે ? તેણે તેને આખી ઘટના યાદ દેવડાવી. 'મ્યુઝિયમ' પાસે ઊભા હતા ત્યારે 'બસપાસ' ઝૂંટવી લીધો હતો તે યાદ અપાવ્યું. પછી સોફેલને પણ એ બનાવ યાદ આવ્યો. માઈકલે ભીની આંખે સાચા હૃદયથી પ્લીઝ... પ્લીઝ... કરીને તેની વારંવાર માફી માગી. બન્ને ગળગળા થઈ ગયા. સોફેલે તેને માફી આપી. એ પળે માઈકલે જાણે હવામાં પીંછું લહેરાતું હોય એવી હળવાશ અનુભવી. કેટલાય વર્ષે તેનો જીવ શાંત થયો. છતાં તે ક્યારેક તેની પત્નીને કહેતો "કાશ ! માફી માંગવાનું કામ સમયસર થયું હોય તો સારૃં થાત.

મનમાં આળસ કે બેહોશી હશે ત્યાં સુધી કોઈ કામ સમયસર નહિ થાય. કારણ કે આળસ એ અફસોસ કરવાની પૂર્વ તૈયારી રૂપે હોય છે. જીવનમાં દુ:ખો કર્યાનો અફસોસ જીવને જંપવા દેતો નથી. ગાંધીજી પણ પુત્ર હરિલાલને સમયસર સમજાવી ના શક્યા તેને અફસોસ છેલ્લે સુધી કરતા હતા.

કદાચ જિંદગી બદલવા સમય મળી જાય પણ સમય બદલવા જિંદગી મળતી નથી. જે કર્મ કર્યા પછી અફસોસ કરવા જેવું કસું ના બચે એ જ કર્મનું ભાતું બંધાય છે. માણસને ખોટું કર્યાનો રજમાત્ર પણ પસ્તાવો થાય તો સમજવું છે તે હજુ માણસ તરીકે જીવે છે. બાકી મનમાં થતાં પાપને જોખવાનું કોઈ ત્રાજવું બજારમાં મળતું નથી. 

 - સુરેન્દ્ર શાહ 

Gujarat