For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

''વ્રત, નિયમ કે સંકલ્પ લીધા પછી...''

Updated: Mar 27th, 2024

Article Content Image

- સંકલ્પ આપણને જીવંત રાખે છે. ચાર્જમાં રાખે છે. આપણી ઢીલાશ, આળસ, બેફિકરાઈ કે અનિયમિતતાને કાબુમાં રાખે છે

મ હાભારતના કર્ણપર્વમાં કૌશિક નામના એક બ્રાહ્મણની કથા આવે છે. બે નદીઓના સંગમ તીરે એક તપોધન બ્રાહ્મણ આશ્રમમાં રહેતા હતા. તે ધાર્મિક જીવન જીવતા. તેમના જીવનનો એક જ સિધ્ધાંત હતો. સત્ય બોલવું. સત્યમય જીવન જીવવું. તેમના આ સત્યવાદી જીવનની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હતી. એકવાર પૂજા પાઠ પતાવીને આશ્રમમાં બેઠા હતા ત્યારે કેટલાક ભરાયેલા, હાંફળા ફાંફળા થયેલા લોકો દોડતા આવ્યા અને આશ્રમની પાછળ ઝાડી-ઝાંખરામાં સંતાઈ ગયા.

થોડીવારમાં ડાકુઓ ત્યાં આવ્યા. ડાકુઓએ કૌશિકને બેઠેલા જોયા. ''મહારાજ, આપે અહીંથી કોઈને પસાર થતા જોયા છે." જોયા હોય તો કૃપા કરીને કહો કે તે ક્યાં ગયા ? કઈ તરફ ગયા ? કૌશિકનું મન ચકરાવે ચઢયું. જે સવાલ ડાકુઓ પૂછી રહ્યા છે. તેનો શો જવાબ આપવો ? પોતે સત્યવાદી હતા. જીવનભર સત્યનું પાલન કર્યું હતું. સ્વપ્નમાં પણ અસત્ય બોલ્યા ન હોતા. હવે શું કરવું ? કસોટીનો કાળ હતો. તેમણે લીધેલો નિયમ, પાળેલું વ્રત, કરેલો સંકલ્પ-અત્યારે તેમને મૂંઝવી રહ્યો હતો. મન એક જ વાત સમજાવતું હતું. સત્ય જ ઈશ્વર છે. સત્ય જ તપ છે. સત્ય જ ધર્મ છે. સત્ય જ ન્યાય છે તે ઊભા થયા, તેમણે આશ્રમ પાછળ ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા તરફ આંગળી ચીંધી. બસ,... હતું તો સંકેત કર્યો હતો એટલામાં તો ડાકુઓ ત્યાં પહોંચી ગયા. અને ત્યાં સંતાયેલા લોકોને મારી નાખ્યા તેમની મરણ ચીસોએ આખા આશ્રમને ગમગીન કરી નાખ્યું. કૌશિક બ્રામણે સારૃં-ખોટું, હિત-અહિત કલ્યાણ-અકલ્યાણ, શુભ-અશુભ કશાનો વિચાર ના કર્યો. પોતે લીધેલા સત્યપાલનના વ્રતને ઝોડની માફક વળગી રહ્યા. પણ તેમના આવા કોરેકોરા સત્યએ અધર્મ અને અન્યાયને પ્રોત્સાહન આપ્યું. એટલે તેમને નરકમાં જવું પડયું.

આપણે લીધેલું વ્રત, લીધેલો નિયમ, સિધ્ધાંત કે લીધેલો સંકલ્પ-જીવનના ઉત્થાન માટે હોવો જોઈએ. બીજાને નુકસાનકર્તા કે અડચણરૂપ ના હોવો જોઈએ. શુભ સંકલ્પ જાગૃતિ લાવનાર, ઉત્સાહ વધારનાર, સુખ-શાંતિ અને આનંદમાં વધારો કરનાર જોઈએ. સંકલ્પ લીધા પછી પરિણામ એવું ના આવવું જોઈએ કે કૌશિક બ્રાહ્મણની માફક પસ્તાવું પડે. ઝાડ કપાવીને પંખીઓને ચણ નાખવાથી પાપ ઘટતું નથી કે પુણ્ય મળતું નથી. Any thing in excess is poison  કોઈપણ જાતનો અંતિરેક ઝેર સમાન છે તે મુશ્કેલી મૂંઝવણ કે દુ:ખ ઊભું કરે છે, જો સંકલ્પ તેની મર્યાદા ઓળંગે તો તેની શુધ્ધતા રહેતી નથી. આપણે લીધેલા નિયમ પ્રત્યે કેટલા પ્રામાણિક છીએ તેના કરતાં શા માટે સંકલ્પ લીધો છે તેની પાક્કી સમજ મનમાં હોવી જોઈએ.

ગાંધીજી દારૂના વિરોધી હતા. તેમની નજીક રહેતા સૌ દારૂબંધી વિચારથી પ્રભાવિત હતા. આમ તો મોતીલાલ નહેરૂ શરાબ પીતા. પણ તેય ગાંધીજીના વિચારોના પ્રભાવમાં આવી ગયા. તેમણે દારૂ છોડી દીધો. સંકલ્પ પાકો હતો. થોડા દિવસ ઠીક ચાલ્યું. તેમને ગમ્યું. પણ પછી તે બિમાર પડયા. તેમના ડૉક્ટરે સલાહ આપી કે શરાબના બંધાણીએ એક ઝાટકે આમ દારૂના છોડાય પણ હવે શું ? મોતીલાલ ના માન્યા. માંદગી વધી ગઈ. આ વાતની ગાંધીજીને ખબર પડી. તેમણે મોતીલાલને દારૂને દવા સમજીને પીવાની સલાહ આપી. એટલું જ નહિ આગ્રહ કર્યો. ગાંધીજીએ કહ્યું કોઈપણ સિધ્ધાંત, નિયમ કે સંકલ્પ નુકસાન કરે, જીવ પર આવે તો એમાં બાંધછોડની તૈયારી રાખવી જોઈએ. જીવન ટકશે તો ભવિષ્યમાં બીજા નિયમો પણ પાળી શકાશે.

અહીં એવો અર્થ નથી કે માણસે વ્રત, નિયમ, બાધા કે સંકલ્પ ના લેવો. જીવનમાં સંકલ્પની જરૂર છે. સંકલ્પ આપણને જીવંત રાખે છે. ચાર્જમાં રાખે છે. આપણી ઢીલાશ, આળસ, બેફિકરાઈ કે અનિયમિતતાને કાબુમાં રાખે છે. સૈનિકની જેમ શિસ્તબધ્ધ રાખે છે. સંકલ્પ શબ્દમાં કલ્પ છે. કલ્પ એટલે ચિકિત્સા. રોગની સારવાર. આપણી મનોવૃત્તિઓમાં ઘર કરી ગયેલી ખોટી ઈચ્છાઓની સારવાર કરે છે. પ્લાસ્ટિક કે કાગળના ફુલ જેવા શુષ્ક બની ગયેલા જીવનમાં ખુશ્બો ભરી જીવન મહેંકાવી દે છે.

સંકલ્પ ગુલમહોર જેવો હોવો જોઈએ. જીવન જ્યારે આકરા તાપમાં તપી રહ્યું ત્યારે કરમાવા ના દે. આપણને વધુને વધુ ખીલતા રાખે. એટલું પણ યાદ રાખવું કે નાનકડા સંકલ્પને પાર પાડવા આપણી બધી શક્તિ ખર્ચાઈ ના જાય. અને દિવસની નાની-નાની આનંદ ક્ષણો માણવાનું રહી ના જાય.

સંકલ્પ લીધા પછી જ્યારે તેને પૂરો કરવા મથી રહ્યા હોઈએ છીએ ત્યારે સમજાય છે કે આપણે જેના માટે મથામણ કરી રહ્યા છીએ એ કામ તો મજબૂત મનોબળ ધરાવનાર વ્યક્તિ સંકલ્પ લીધા સિવાય પણ પાર પાડી રહી છે.

મતલબ કે સંકલ્પ ત્યારે જ લેવાની જરૂર પડે છે જ્યારે આપણું મનોબળ મજબૂત ના હોય. મજબૂત મનોબળવાળાને નિયમ, બાધા, સિધ્ધાંત સંકલ્પની શી જરૂર ?

- સુરેન્દ્ર શાહ

Gujarat