Dharmlok

''આસો નવરાત્રિ: આદ્યશક્તિની આરાધનાનું પાવનકારી પર્વ''

By GS Team
7 Oct 20263 mins read
''આસો નવરાત્રિ: આદ્યશક્તિની આરાધનાનું પાવનકારી પર્વ''

દૈવી શક્તિની ભક્તિ-પૂજા, ભજન-કીર્તન, ગરબાનું ગાન, સાધના-આરાધના એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આ આપણી ભવ્ય વિરાસત, આગવું દર્શન અને દિવ્યતાની પૂજા છે. આપણા ધર્મશાસ્ત્રો, પૌરાણિક ગ્રંથો, વેદો, પુરાણો, ઉપનિષદો તથા મહાભારતમાં શક્તિપૂજાનો મહિમા તથા સાધના જોવા મળે છે.
આપણા ઋષિ-મુનિઓ અને સંત-મહાત્માઓએ શક્તિના સામર્થ્યને બિરદાવ્યું છે. આદિ શંકરાચાર્યે માતાજી (દેવી)ની અનેક દિવ્ય સ્તુતિઓ તથા સ્તોત્રોની રચના કરી છે. મહિષાસુરમર્દિની સ્તોત્રમ્, સૌંદર્યલહરી, ભવાની અષ્ટકમ્, આનંદ લહેરી, લલિતા પંચકમ્, કનકધારા સ્તોત્ર વગેરે દિવ્ય સ્તુતિ-સ્તોત્રોનું અંત:કરણપૂર્વક ગાન કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આદ્યશક્તિની આરાધનાના સંબંધમાં એક બાબત નોંધનીય છે. કુરુક્ષેત્રના યુદ્ધના પ્રારંભ પૂર્વે, ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી અર્જુને વિજય મેળવવા માટે ભગવતી દુર્ગાની આરાધના કરી હતી. આ સમયે અર્જુન દેવીને 'માંડૂક્ય', 'મહાકાળી', 'ભદ્રકાળી', 'કપિલા' જેવા નામોથી પ્રાર્થના કરે છે, અને દેવી વિજય માટે શુભ આશીર્વાદ આપે છે, તદુપરાંત પાંડવોના અજ્ઞાાતવાસ દરમિયાન યુધિષ્ઠિરે દુર્ગા દેવીની સ્તુતિ કરી હતી. આમ, મહાભારતમાં પણ શક્તિની સાધનાના પ્રસંગો જોવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન સામાન્ય રીતે ચાર નવરાત્રિ આવે છે; (૧) માઘી નવરાત્રી, (૨) ચૈત્ર કે વાસંતી નવરાત્રિ, (૩) અષાઢી નવરાત્રિ, (૪) આસો કે શારદીય નવરાત્રિ. જેમાં ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ વિશેષ પ્રચલિત છે. આસો નવરાત્રિએ આદ્યશક્તિની સાધના, આસાધના અને ઉપાસનાનું પાવનકારી પર્વ છે, દિવ્ય ભવ્ય ઉત્સવ છે. આસો માસના શરદ ઋતુના અનેરા પ્રકાર તથા શ્વેત ઓજસની વચ્ચે આદ્યશક્તિના નવલાં નોરતાનું આગમન આસો સુદ એકમથી નોમ સુધી થાય છે. મા ભગવતીની આરાધનાનો આ અલૌકિક અવસર સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગોથી તથા ગરબાઓની રમઝટના દિવ્ય ભાવોથી તરબતર કરી દે છે, ચારે તરફ આનંદનો માહોલ ફરી વળે છે.
આદ્યશક્તિની ભક્તિથી જ્યારે અંતરનો દીપ પ્રગટે છે, ત્યારે માનવ શરીરમાં નૂતન ઉર્જા, આધ્યાત્મિક ચેકના અને ભાવાત્મક પ્રેમનો સંચાર થાય છે. ઉમંગ તથા ઉત્સાહ ખીલી ઉઠે છે. ભક્તિની આ અદ્ભુત ક્ષણો માનવજીવનને અવનવા રંગોથી ભરી દે છે. માનવ સંસારના માયાના બંધનોમાંથી અલિપ્ત બની પરમાત્માના એટલે કે આદ્યશક્તિના અનોખા ઓજસમાં ગરકાવ થઈ જાય છે. માતાજીની દિવ્યજ્યોતિ નજીક પહોંચી જાય છે.
સંક્ષેપમાં, આદ્યશક્તિની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી સંકટો દૂર થાય છે, કોઈપણ ક્ષેત્રમાં વિજય મળે છે, ક્ષણે ક્ષણે રક્ષણ થાય છે, ભય અને ભ્રમ ભાંગી જાય છે, ચિંતાઓમાંથી મુક્તિ મળે છે, મન હળવું તથા પ્રફુલ્લિત બને છે, શાશ્વત પ્રકાશનો અનુભવ થાય છે. આધ્યાત્મિક જાગૃતિ થતાં અજ્ઞાાનનો અંધકાર દુર થાય છે, પ્રેમ અને પવિત્રતા જીવનને શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે. પાપ, તાપ તથા સંતાપને હરે છે અને પ્રજ્ઞાા, પ્રભા તથા પ્રસન્નતાને પ્રગટાવે છે. વિનય, વિદ્યા, વિજય તથા વિભા જેવા વિવિધ સદ્ભાવોની પ્રાપ્તિ માટે આદ્યશક્તિની આરાધના જરૂરી છે. સાત્વિક ગુણોનું સંવર્ધન થતાં જીવનમાં પ્રેમ, પરિતોષ અને પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે.
આદ્યશક્તિ અવિનાશી છે. દૈવી શક્તિ સુખશાંતિ, ઐશ્વર્ય, આરોગ્ય, આયુષ્ય, આનંદ, પરમાનંદ તથા સિદ્ધિને પમાડે છે, વાણીને પવિત્ર તથા પ્રભાવક કરે છે, જ્ઞાાનને સમૃદ્ધ કરે છે, પુરુષાર્થને પ્રબળ કરે છે, દૈવી શક્તિની ભક્તિ માનવને તારે છે, રક્ષે છે.
।। ઁ ઐ હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે ।।