છોડવા જેવી વિગઇ, કરવા જેવું આયંબિલ

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
'ગુરુદેવ ! શાંતિથી મરું એવા આશીર્વાદ આપો..' બોલનાર હતા મૂળ કચ્છના અને તે સમયે મલાડ-મુંબઈમાં રહેતા યુવાન કરસનભાઈ. સાંભળનાર હતા ચેમ્બુરતીર્થ-મુંબઈમાં બિરાજમાન અમારા યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ પૂજ્યપાદ યુગદિવાકર ગુરુદેવ આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ. કરસનભાઈના શબ્દો સાંભળીને તેમને આંચકો લાગ્યો : 'કોઈ વ્યક્તિ આમ મરવાના આશિષ માંગે ? જીવવાના-સુખી થવાના આશિષ માંગે. પણ આમ મરવાના ?' તેમણે પ્રેમથી પૂછયું 'કેમ ભાઈ ! આમ બોલો છો ? આશિષ તો જીવવાના મંગાય અને તમે…'
'ગુરુદેવ ! રક્તપિત્તનો ભયંકર રોગ થયો છે. ડોક્ટરોએ હાથ ધોઈ નાંખ્યા છે. બે-પાંચ દિવસનો મહેમાન છું. એથી મરવાના આશિષ માંગ્યા વિના છૂટકો નથી.' કરસનભાઈ બોલ્યા. આજથી ૬૩ વર્ષ પૂર્વેનો આ વાર્તાલાપ. યુગદિવાકર ગુરુદેવે તુરત આર્દ્ર સ્વરે કહ્યું : 'ભલા ! ડોક્ટરે ભલે હાથ ધોયા, પણ ચેમ્બુરના આદિનાથ પ્રભુએ હાથ નથી ધોયા. જો મરવાની આટલી જ તૈયારી છે તો મારી વાત માનીને છેલ્લી એક આરાધના આ પ્રભુની નિશ્રામાં કરી લો.' અને પરિવાર સાથે હાથ જોડીને બેઠેલા કરસનભાઈને ગુરુવચનોમાં શ્રદ્ધા બેઠી. શરીરમાંથી રક્તપિત્તનાં કારણે લોહી-પરુની ધારા વહેતી હતી. છતાં ય તેમણે યુગદિવાકર ધર્મસૂરિજી મ.ના માર્ગદર્શન પ્રમાણે આદિનાથપ્રભુની નિશ્રામાં ચેમ્બુરમાં વર્ધમાનતપનો પાયો નાંખ્યો. જિનાલયની બહાર બેસીને જાપ પ્રારંભ્યા. એક પછી એક આયંબિલ વીતતા ગયા અને કમાલ !! બે પાંચ દિવસના મહેમાન ગણાતા કરસનભાઈની પંદર આયંબિલ-પાંચ ઉપવાસ સહિતની વીશ દિવસની આરાધના હેમ-ખેમ પૂર્ણ થઈ. કરસનભાઈ જીવી ગયા. એ પછી ડોક્ટરી તપાસ કરાવાઈ. ડોક્ટરોએ આશ્ચર્ય સાથે કરસનભાઈનો રિપોર્ટ જોયો અને જાહેર કર્યું કે ચમત્કારિક ઇશ્વરીય કૃપાથી કરસનભાઈનો રોગ આ વીશ દિવસમાં એંશી ટકા જેટલો નાશ પામ્યો છે. જાણે શ્રીપાલરાજાની ઘટનાનું પુનરાવર્તન થયું. એ પછી કરસનભાઈએ નક્કી કર્યું કે જેના પ્રભાવે રોગ નાશ પામ્યો એ આયંબિલતપ કાયમ જારી રાખવો અને મહાન ઉપકારી આદિનાથ પ્રભુ તેમજ શ્રી ધર્મસૂરિજી મ.ના ૧૦૮ વાર નામસ્મરણપૂર્વક જ દરેક ઓળીને પ્રારંભ કરવો. દોઢ વર્ષ પૂર્વે અમને કચ્છની યાત્રા દરમિયાન આધોઈમાં કરસનભાઈનો ભેટો થયો હતો. ત્રેસઠ વર્ષ પૂર્વેના એ દિવસે બે-પાંચ દિવસના જ મહેમાન મનાતા કરસનભાઈની ઉંમર ત્યારે (એટલે કે ઇ.સ.૨૦૨૫માં ) હતી પૂરા ૮૫ વર્ષ. આ દરમિયાન તેમણે ઉપવાસથી વર્ષીતપ-બે ઉપવાસથી વર્ષીતપ-ત્રણ ઉપવાસથી વર્ષીતપ-સિદ્ધિતપ-શ્રેણિતપ- મહાભદ્રતપ- ૩ માસક્ષમણ અને પંચોતેર વર્ધમાનતપઓળી સહિત અનેક મહાન તપસાધના કરી હતી. આ છે જૈન આયંબિલતપનો મહાન ચમત્કાર.
આસો સુદિ-બીજી સાતમ, તા.૧૮ ઓક્ટોબરથી નવપદની શાશ્વતીઓળીના મહાપર્વસ્વરૂપે આવા ચમત્કારિક આયંબિલ તપની સાધના નવ દિવસ પર્યંત જૈનોમાં લાખોની સંખ્યામાં થઈ રહી છે અને ક્યાંક ક્યાંક જૈનેત્તરો પણ આ તપનું આલંબન લઈ રહ્યા છે ત્યારે આવો, આપણે પણ આ પ્રભાવક તપને આચરણમાં લાવીએ અને તન/મન/જીવન તેમજ આત્માને વિશિષ્ટ ઉર્જા સંપન્ન બનાવવા સાથે યાદ રાખીએ આ સ્લોગન કે છોડવા જેવી વિગઇ, કરવા જેવું આયંબિલ અને મેળવવા જેવું અનાહારી પદ (=મોક્ષ)




