એક ઝળહળતી સંસ્કારજ્યોત : સાધ્વીપ્રવરા વિશ્વમિત્રાશ્રીજીને હાર્દિક સ્મરણાંજલિ

અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
જીવનની સફલતાનો માપદંડ દર્શાવતા ગની દહીંવાલાએ મજાનો શેર લખ્યો છે કે :-
જીંદગીનો એ જ સાચે-સાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે…
વિદાય પછી પણ જેનાં નામ બોલાય કરે એવી વ્યક્તિઓની પણ પર્સનાલીટી બે પ્રકારની હોય છે : (૧) બલ્બપર્સનાલીટી અને (૨) કેન્ડલપર્સનાલીટી. બલ્બ પર્સનાલીટી એ છે કે જે ચકાચૌંધ થઈ જાય તેવો ભારે પ્રકાશ ફેલાવે. પણ એક અપ્રકાશિત બલ્બને એ પ્રકાશિત ન કરી શકે. આની સામે કેન્ડલપર્સનાલીટી એ છે કે જે ચકાચૌંધ થઈ જવાય તેવો ભારે પ્રકાશ ભલે ન પાથરે, માત્ર એકાદ ખંડ (રૂમ) પ્રકાશિત થાય તેટલો પ્રકાશ પાથરે. પરંતુ એની મોટી વિશેષતા એ છે કે તે બીજી સો-સો અપ્રકાશિત કેન્ડલને-મીણબત્તીને પોતાની જ્વલંત જ્યોતથી પ્રકાશિત કરી શકે. જેઓ સમાજને ચકાચૌંધ થવાય એ રીતે આંજી દે, પરંતુ કોઈની ભીતરમાં સંસ્કારોનો દીવડો ન પ્રગટાવી શકે તે વ્યક્તિઓ છે બલ્બપર્સનાલીટીનું વ્યક્તિત્વ ધરાવનાર. જેઓ ભલે સમાજને ચકાચૌંધ થઈ જવાય એ હદે આંજી ન દે. પરંતુ પોતાના ઉત્તમ આચારો દ્વારા અને ઉત્તમ ઉપદેશો દ્વારા અનેકોનાં હૈયે સંસ્કારોની ઝગમગતી જ્યોત પ્રગટાવે તે છે કેન્ડલપર્સનાલીટી ધરાવનાર વ્યક્તિ.
આજે આ લેખમાં આપણે નિહાળીશું કેન્ડલપર્સનાલીટી ધરાવનાર વ્યક્તિત્વને. એ છે તાજેતરમાં નિજ જેઠ શુદિ-પૂનમ, તા.૨૯-૬-૨૦૨૬ના સમાધિમય કાલધર્મ પામેલ અમારા સાંસારિક બહેન સાધ્વીપ્રવરા વિશ્વમિત્રાશ્રીજી. જીવનકાળ દરમ્યાન સુડતાળીસ વર્ષો વિવિધ સંઘોમાં ચાતુર્માસો-ઉપદેશો દ્વારા તો એમણે વિશાલ વર્ગમાં ધર્મસંસ્કારોની જ્યોત પ્રગટાવી જ છે, ઉપરાંત દશ શિષ્યા-પ્રશિષ્યાવૃંદને સર્વવિરતિના પથિક બનાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. એમના જીવનના એવા પ્રસંગો આપણે અહીં નિહાળીશું કે જે સ્વયં ઉપદેશથી અધિક પરિણામ આપીને વાચકનાં જીવનમાં સંસ્કારોની-સદાચારોની જ્યોત ઝળહળાવે.
૧) આજ્ઞાંકિતતા : ભારતીય સંસ્કૃતિ 'માતૃદેવો ભવ' જેવાં સૂત્રો દ્વારા માતા-પિતાને દેવ જેવા ગણી એમની આજ્ઞાને સહર્ષ સ્વીકારવાના સંસ્કાર આપે છે. દિવગંત સાધ્વીજી ગૃહસ્થાવસ્થામાં ડભોઈતીર્થે માતા-પિતાની છત્રછાયામાં વસતા હતા ત્યારની વાત. જયા એમનું નામ. રૂપરૂપનો અંબાર અને સાવ નાની વય : એટલે બાલપરી જેવા લાડ મળે. પરંતુ પિતા મફતભાઈ સંસ્કરણલક્ષી. એક દિવસ બાલપરીને એમણે પૂછયું : ' ધાર્મિક સૂત્ર કયું ભણે છે ? ' ઉત્તર મળ્યો : 'લોગસ્સ સૂત્ર.' પંદર દિવસ બાદ વળી એક સાંજે આ જ પ્રશ્ન પુછાયો અને આ જ ઉત્તર આવ્યો. પિતા સમજી ગયા કે નાની વયના લાડનું પરિણામ છે કે અભ્યાસ આગળ વધ્યો નથી. એમણે કડક આજ્ઞા કરી કે 'આજે જ લોગસ્સ સૂત્ર પૂર્ણ કરી આપવાનું છે.' નાની વય છતાં જયાએ તે આજ્ઞા શિરોધાર્ય કરી અને બે-અઢી કલાક મહેનત કરી એ સૂત્ર કંઠસ્થ કરીને આપ્યું. આવું થોડાં વર્ષો બાદ અજિતશાંતિસ્તોત્ર માટે બન્યું. ત્યારે જયાની ત્રીજા ધોરણની વાર્ષિક પરીક્ષા નિકટ હતી અને એ કારણે અજિતશાંતિસ્તોત્રનો અભ્યાસ લંબાતા પિતાનું ફરમાન આવ્યું કે ' ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ, બન્ને પર ધ્યાન આપવાનું છે. પરીક્ષાની તૈયારી વચ્ચે ચાર દિવસમાં અજિતશાંતિસ્તોત્ર કડકડાટ મુખપાઠ જોઈશે.' આઠ વર્ષની જયાએ બન્ને કાર્યો સંપૂર્ણ કરી વડિલોનાં આજ્ઞાપાલનનો સરસ આદર્શ આપ્યો.
૨) શુભનો સ્વીકાર અને સાધનનો પુરુષાર્થ : આપણી આસપાસ તો શુભ બાબતો સેંકડો સર્જાતી હોય છે. પરંતુ આપણી ખામી હોય છે એના સ્વીકારની તત્પરતાનો અભાવ. જયામાં આ ખામી ન હતી. એથી જ ઇ.સ.૧૯૭૭માં એની બે સગી બહેનોનો દીક્ષાપ્રસંગ અને ઇ.સ.૧૯૭૮માં અગીયારવર્ષીય સગા નાનકડા ભાઈનો દીક્ષામહોત્સવ નજરે નિહાળ્યા પછી જયાનું અંતર વૈરાગ્યરંગે રંગાયું. બી.કોમ. થયા બાદ તુર્ત બાવીશ વર્ષની ભરયુવાન વયે એણે ઇ.સ.૧૯૮૦ના પ્રારંભે સંયમપંથ સ્વીકાર્યો અને સાંસારિક માસી પ્રવર્તિની સાધ્વીજી વસંતપ્રભાશ્રીજીના શિષ્યા સા.વિશ્વરત્નાશ્રીજીના શિષ્ય સા. વિશ્વમિત્રાશ્રીજીરૂપે પ્રસિદ્ધ થયા. આના દ્વારા એમણે શુભના સ્વીકારનો સરસ સંદેશ સૌને આપ્યો કે દીક્ષા માત્ર નિહાળવાની યા અનુમોદનાની બાબત નથી, બલ્કે આત્મસાત્ કરવાની બાબત છે. દીક્ષા બાદ તેઓએ હજારો કિલોમીટરના પદયાત્રા વિહાર સાથે શત્રુંજય-ગિરનાર-શંખેશ્વર- કચ્છ- આબુ- અચલગઢ- જીરાવાલા- જેસલમેર-રાણકપુર- નાકોડા-પાટણ-ખંભાત-બલસાણા વગેરે અનેકાનેક તીર્થોની યાત્રાથી દર્શનશુદ્ધ કરી, તો દશવૈકાલિકઆગમ- પ્રકરણો- ભાષ્યો- છ કર્મગ્રંન્થો- બૃહતસંગ્રહણી-ક્ષેત્રસમાસ- તત્ત્વાર્થશાસ્ત્ર (આ તમામ અર્થસહિત) અન્ય અનેક સૂત્રો-સંસ્કૃત બે બુક-ઉપદેશમાળા અને યોગશાસ્ત્રાદિની ટીકાનું વાંચન વગેરે દ્વારા તેઓ જ્ઞાનયોગમાં ઉજમાળ બન્યા. શારીરિક પ્રકૃતિ તપને અનુકૂળ જરા ય ન હોવા છતાં બે વાર અટ્વાઈ-દીવાળીમાં એક લાખના જાપ સાથે પાંચ છટ્વ-વીશસ્થાનક તપ- વર્ધમાન તપની પ્રારંભિક ઓળીઓ-૧૦૮ શત્રુંજયનામ+૧૦૮ પાર્શ્વનાથ+૧૫૮ કર્મપ્રકૃતિ એકાસણાદિ તપશ્ચર્યાઓ કરીને રત્નત્રયીસાધનાનાં ક્ષેત્રે પ્રબળ પુરુષાર્થ કર્યો.
૩) તહત્તિભાવ : પોતાના વડિલ ગુરુવરો હો કે યોગ-ક્ષેમકારક આચાર્યભગવંત હો : એમની કઠિન પણ ભાવનાને કોઈ જ વિકલ્પ વિના તહત્તિ કરવી આ એમનો ઉમદા ગુણ હતો. એમના આ ગુણના બે પ્રસંગો નિહાળીએ. એક, આચાર્યપદારોહણ બાદ અમારી સૂરિમન્ત્રચતુર્થપીઠિકાસાધના ડભોઈતીર્થે શરૂ થઈ. પ્રારંભદિને અચાનક અમારા તારક ગુરુદેવ આ.ભ.શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે વિશ્વમિત્રાશ્રીજીને કહ્યું : 'આજે તમારા ભાઈમહારાજે પીઠિકાસાધના શરૂ કરી છે તો તમે અટ્વાઈ કરો.' તેઓ નવકારશી પચ્ચક્ખાણ માટે જ આવ્યા હતા. વળી શારીરિક ક્ષમતા જરા ય નહિ. છતાં તહત્તિભાવે એકેક ઉપવાસનાં પચ્ચક્ખાણે આગળ વધ્યા અને અટ્વાઈ- સળંગ આઠ ઉપવાસ કર્યા ! બીજો પ્રસંગ બન્યો પ્રવચનસંંબંધી. અમદાવાદમાં વડિલની સેવા માટે જે સંઘમાં સ્થિરતા કરવાની હતી ત્યાં સળંગ એક વર્ષ પ્રવચન આપવાના હતા. એ પૂર્વે પ્રવચન આપવાનું બન્યું ન હતું. પરંતુ એમના ગુરુજીએ કહ્યું કે 'હિંમત કરો. બધું સારું થશે.' એમણે તહત્તિભાવ રાખ્યો અને પૂરું એક વર્ષ એક જ સંઘમાં સતત પ્રવચનો આપી ધર્મસિંચન- સંસ્કારસિંચન કર્યું. એમના આ પ્રસંગો સમજાવે છે કે 'તહત્તિ કરો અને સિદ્ધિ વરો.'
૪) પરિષહમાં પ્રસન્નતા : 'કર્મોની નિર્જરા માટે સંયમીઓએ પરિષહોને (કષ્ટોને) સમતાથી સહન કરવા જોઈએ.' આ શાસ્ત્રવચનને સાધ્વીજીએ ખૂબ સરસ આત્મસાત્ કર્યું હતું. ઇ.સ.૨૦૧૨માં એક અકસ્માત એમને નડયો. જો કે અકસ્માત ભયાનક ન હતો. પણ એનાથી એક પગે નુકસાન થયું. ત્યારથી સ્વાસ્થ્યની સમસ્યાઓ ધીમે ધીમે વધતી ગઈ. પરંતુ તેઓ પ્રસન્નતા માટે ખૂબ જાગરૂક હતા. આમ પણ એમના સ્વભાવનાં માધુર્યે ખૂબ મોટા વર્ગને પ્રભાવિત કર્યો હતો. એ માધુર્ય અકસ્માત્થી અંતિમ ક્ષણ સુધીના ચૌદ વર્ષ અકબંધ રહ્યું. એમની આરાધનાની વિગતો જાણીએ તો સમજાય કે આ પરિષહ એમની પ્રસન્નતાને-અપ્રમત્તાતાને જરા ય નુકસાન ન કરી શક્યો હતો. ચારિત્રપદનો સિત્તેર લાખ જાપ, ત્રણ પ્રભુના અલગ અલગ સવા લાખ જાપ, નિત્ય નવકારમંત્રની પાંચ માળા, અન્ય અનેક જાપ, છત્રીશ હજાર ચૈત્યવંદનો અને કાઉસ્સગ્ગ-ખમાસમણની મોટી સંખ્યા અલગ. અમે સહુએ ઇ.સ. ૨૦૨૪માં સિદ્ધક્ષેત્ર-પાલિતાણામાં સમૂહ ચાતુર્માસ કર્યું ત્યારે તેઓ નિત્ય પ્રભાતે શિષ્યાઓ સાથે ચૈન્નઈભવનની બહાર બેસી સિદ્ધિગિરિરાજની દીર્ઘકાલ તન્મય ભક્તિ કરતા. આ દ્વારા એમણે આદર્શ આપ્યો કે 'સહન કરો અને સાધના કરો.'
પરંતુ તેઓ મક્કમ રહ્યા કે હવે જીવનમાં આ મહાતીર્થોની યાત્રાનો યોગ ફરી ક્યારે આવશે ? ઓક્સિજનના બોટલ સાથે ડોળીમાં બન્ને તીર્થોની યાત્રા કરી ! બન્ને તીર્થોની યાત્રામાં એમના શિષ્યાવૃંદે પ્રભુભક્તિનાં ઉત્તમ સ્તવનો-ગીતોની ધૂન મચાવી એમને ભક્તિતરબોળ બનાવ્યા. ગિરનારતીર્થમાં તો દાદા નેમિનાથની સાથે સહસ્ત્રામ્રવનની પણ યાત્રા કરી ! પ્રભુભક્તિની પ્રતિબદ્ધતા કેવી હોય તેનો આદર્શ આ વિકટ વ્યાધિની યાત્રામાં નિહાળાય છે.
૬) અંતરનો એક્સરે : ઇ.સ.૨૦૨૬માં તેઓ અમારી સાથે વિહાર કરી માર્ચ મહિને મુંબઈ આવ્યા. એપ્રિલથી એમનું સ્વાસ્થ્ય ગંભીર થતું ગયું. બે વાર હોસ્પિટલમાં સારવાર અપાઈ. તે પછી તેઓ જે ઉપાશ્રયમાં હતા ત્યાં ચારે તરફ તીર્થો-તીર્થાધિનાયક પ્રભુની આહ્લાદક તસવીરો લગાવાઈ. સાથે સતત સમાધિસ્તોત્રો- ભક્તિગીતો- મહાવ્રતઉચ્ચારણાદિ આરાધનાઓ કરાવાઈ. અમે, અમારા સાંસારિક બહેનો સા. વિશ્વરત્નાશ્રીજી-વિશ્વધર્માશ્રીજી, એમના પરિવારના સત્તાવીશ શ્રમણીઓ અને એમાં સૌથી વિશેષ એમના બે મુખ્ય શિષ્યા સા.પ્રિયમિત્રાશ્રીજી- નિ:સંગમિત્રાશ્રીજીએ ખૂબ સંભાળ લીધી. એ દરમ્યાન એમના અંતરના ભાવોનો એક્સરે કહી શકાય તેવી બે ઘટના ખાસ ઉલ્લેખનીય બની. એક, હોસ્પિટલમાં એક રાત્રે અઢી કલાક કોમામાં ગયા. ડોક્ટરોના ખૂબ પ્રયાસથી ભાનમાં આવતાવેંત તેઓ સંથારાપોરિસીની 'ખમિઅ ખમાવિઅ.' ગાથા બોલ્યા. બે, એક પ્રભાતે હોસ્પિટલમાં તેઓ ખૂબ ખુશ દેખાયા. કારણ પુછાયું તો કહે : ' આજે રાત્રે સ્વપ્નમાં મને શ્રી સીમંધરસ્વામી દેખાયા. એમણે સ્વહસ્તે મને સમવસરણમાં દીક્ષા આપી અને મારું નામ સમ્યગ્મિત્રાશ્રીજી રાખ્યું ! તનના વ્યાધિ વચ્ચે મનની સમાધિ કેવી હતી તે આ બે ઘટનામાં હૂ-બ-હૂ નિહાળાય છે… છેલ્લે, એક સંવેદનશીલ પંક્તિ દ્વારા સમાપન કરીએ કે :
જાનેવાલે કભી નહિ આતે હૈ,
સિર્ફ ઉનકી યાદ આતી હૈ…









