Dharmlok

પર્યુષણા મહાપર્વ પ્રસંગે કરવા જેવો સંકલ્પ : જીવનમાં સંઘર્ષની નહિ, સમાધાનની વૃત્તિ રાખીએ

By GS Team
9 Sep 20266 mins read
પર્યુષણા મહાપર્વ પ્રસંગે કરવા જેવો સંકલ્પ : જીવનમાં સંઘર્ષની નહિ, સમાધાનની વૃત્તિ રાખીએ
  • અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • પર્યુષણાપર્વના મુખ્ય પ્રવચનગ્રન્થ કલ્પસૂત્ર આગમ (બારસાસૂત્ર)માં સ્વયં પ્રભુમહાવીરદેવનાં આ સાક્ષાત્ વચનો છે કે 'જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા, જો ન ઉવસમઈ તસ્સ નત્થિ આરાહણા.' ભાવાર્થ કે જે આત્મા શાંત-ઉપશાંત થાય તેને આરાધનાનો લાભ થાય, જે ઉપશાંત નથી તેને આરાધનાનો લાભ ન થાય.

પવિત્ર પર્વાધિરાજ પર્યુષણાના પડઘમ ચોતરફ બજી રહ્યા છે. સર્વત્ર આરાધનાનો-અનુષ્ઠાનોનો-તપનો-પ્રવચનશ્રવણનો માહોલ છે. પર્યુષણાપર્વની આ પધરામણીને સાર્થક બનાવવા શાસ્ત્રો એ વાતને વધુ ઘૂંટી ઘૂંટીને જણાવે છે કે ક્ષમાપના પર્યુષણાપર્વનો પ્રાણ છે. જીવમાત્ર સાથે વેરના-વિરોધનાં વળામણાં સાથે વાસ્તવિકપણે જો ક્ષમાપનાની સિદ્ધિ થઈ તો પર્વાધિરાજની પધરામણી આપવા માટે સાર્થક. નહિ તો ઉગ્ર તપ અને લાખો-ક્રોડોનાં દાન પણ નિરર્થક પ્રાય:
પર્યુષણાપર્વના મુખ્ય પ્રવચનગ્રન્થ કલ્પસૂત્ર આગમ (બારસાસૂત્ર)માં સ્વયં પ્રભુમહાવીરદેવનાં આ સાક્ષાત્ વચનો છે કે 'જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા, જો ન ઉવસમઈ તસ્સ નત્થિ આરાહણા.' ભાવાર્થ કે જે આત્મા શાંત-ઉપશાંત થાય તેને આરાધનાનો લાભ થાય, જે ઉપશાંત નથી તેને આરાધનાનો લાભ ન થાય. આ વાસ્તવિકતાના સંદર્ભમાં આપણે પ્રતિવર્ષ પર્યુષણાપર્વ પ્રસંગે અલગ અલગ દ્રષ્ટિબિંદુથી ઉપશમભાવના ઉપાયો વિચારીએ છીએ. આજે આપણે એમાં બે સોપાન આગળ વધીશું :

  • ઉદારતા : સામાન્યપણે આપણે ઉદારતાનો અર્થ આર્થિક દ્રષ્ટિનું ઉદાર વલણ કરીએ છીએ. પરંતુ એ સિવાય પણ ઉદારતાનો એક અગત્યનો અર્થ છે ખરો કે જેના તરફ આપણે લગભગ દુર્લક્ષ્ય ધરાવીએ છીએ. એ અર્થ છે હાર્દિક દ્રષ્ટિનું ઉદાર વલણ. એટલે કે હૃદય એવું ઉદાર હોય કે જેમાં સામી વ્યક્તિ અપરાધી હોય તો પણ એને માફ કરવાનો સહજ અભિગમ હોય.
    નજરે નિહાળાય છે કે વ્યક્તિઓની આર્થિક ઉદારતાનું કદ અલગ અલગ સ્વરૂપનું હોય છે. કોઈ હજારો રૂપિયાનાં દાનની ઉદારતા ધરાવે, તો કોઈ લાખો-ક્રોડો રૂપિયાનાં દાનની ઉદારતા ધરાવે. બરાબર એ જ રીતે વ્યક્તિઓની હાર્દિક ઉદારતાનું કદ પણ અલગ અલગ સ્વરૂપનું હોય. કોઈ વ્યક્તિ વિરોધી માફી માંગવા આવે તો કોઈ ચર્ચા-ખેંચતાણ વિના એને માફી આપે, તો કોઈ વ્યક્તિ માફી માંગવા ન પણ આવે એને ય માફી આપે. અરે ! કોઈ કોઈ હાર્દિક ઉદારતાસંપન્ન વ્યક્તિત્વો વિરોધી સાથે એવો ઉમદા-ઉદાત્ત વ્યવહાર કરે કે એનાથી ખુદ વિરોધી વ્યક્તિય આશ્ચર્યચકિત-અભિભૂત થઈ જાય. એટલું જ નહિ, અપરાધી મટીને અનુયાયી પણ બની જાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ હૃદયસ્પર્શી મસ્ત ઘટના :
    નગરની બહાર એક ખૂબ મોટા ગજાના સંત એમના શિષ્યપરિવાર સાથે પધાર્યા હતા. સંત સાચા અર્થમાં સંત અને શાંત હતા. એમના પ્રત્યે આદર ધરાવનાર વર્ગ આ નગરમાં ય બહોળો હતો. પરંતુ ભલા, વિરોધીઓ તો આ જગતમાં કોના નથી હોતા ? ભગવાનનો ય વિરોધ કરનાર લોકો ભલે જૂજ સંખ્યામાં પણ હોય છે ખરા. તો આ સંતની શી વાત ? આ સંતનો ય એક પ્રખર વિરોધી એ નગરમા ંહતો. એ ગુસ્સાબાજ અને અવિવેકી હતો. અધૂરામાં પૂરું સંતની પધરામણીના પૂર્વ દિવસે જ એના કોઈ ખૂબ દૂરના સ્વજને પરિવારનો વિરોધ છતાં સંતના શિષ્યવૃંદમાં ખાનગી દીક્ષા સ્વીકારી હતી. એથી બળતામાં ઘી હોમાય એમ એ ભાઈ બરાબર ધૂંધવાઈ ગયો હતો.
    ધૂંધવાટની પરાકાષ્ઠાએ એ વ્યક્તિ સંતની સ્થિરતાના સ્થાને ધસી ગઈ. સંત પાસે પહોંચી જઈ એણે ગુસ્સામાં સંત પર અપશબ્દોની-ગાળાગાળીની ઝડી વરસાવી. સંતના શિષ્યો દરમ્યાનગીરી કરવા વચ્ચે દોડી આવ્યા. પરંતુ ખુદ સંતે જ એમને ઇશારાથી કહી દીધું કે તમે કોઈ વચ્ચે ન આવો. એને બોલી લેવા દો. સંતના ઇશારા મુજબ એ સહુ દૂર થઈ ગયા. પેલી વ્યક્તિનો ગુસ્સો માઝા મૂકી રહ્યો હતો. સંત પ્રતીકાર કર્યા વિના માત્ર મૌન રહ્યા. પોણો કલાક ગમે તેમ બડબડાટ કર્યા પછી એ વ્યક્તિ આવેશની-અવિવેકની પરાકાષ્ઠાએ સંતના મુખ પર થૂંકી અને પળવારમાં ભાગી ગઈ.
    સંતના શિષ્યવૃંદમાં અને પૂરા નગરમાં હાહાકાર મચી ગયો કે હદ થઈ ગઈ આ તો. ગાળો અને થૂંકવું, આ ચાલે જ શી રીતે ? સાંજ પડતાં તો એ વ્યક્તિ પૂરા નગરમાં બદનામ થઈ ગઈ. સૌએ એને કહ્યું કે તેં આ ખૂબ જ ખોટું કર્યું છે. મોડી રાત્રે એને પસ્તાવો થયો કે કાલે માફી માંગી લઉં. બીજા દિવસે બપોરે કોઈ ન જુએ તેમ એ પુન: સંત પાસે પહોંચી ગયો. એણે રડતા રડતા ગઈકાલના તદ્દન ગેરલાયકાતભર્યાં વર્તન બદલ માફી માંગી. એને આવેલ જોતાંવેંત શિષ્યો ત્યાં દોડી આવ્યા. પરંતુ સંતે ગઈકાલની જેમ જ વચ્ચે આવવાની એમને ના કહી. છતાં સૌ મૌન રહી થોડે દૂર ઊભા રહ્યાં.
    સંત અને વિરોધી વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ આરંભાયો. પેલાની માફીની સામે સંતે કહ્યું : 'ભાઈ ! શેની માફી ? મેં તો તમને જોયા જ નથી.' પેલી વ્યક્તિ અને શિષ્યો ચમકી ગયા. એણે કહ્યું : 'ગઈ કાલે હું જ તો આવ્યો હતો. ગાળો બોલવાનું અને થૂંકવાનું દુષ્કૃત્ય મેં જ કર્યું હતું.' સંતે ઓર આશ્ચર્યનો આંચકો આપ્યો : 'ના ના, એ તમે ન હતા. બીજું કોઈ હતું.' હવે તો સહુ રીતસર દિગ્મૂઢ થઈ ગયા.
    સંતે પોતાની વાતની મસ્ત સ્પષ્ટતા કરી કે, 'ભાઈ ! તમે એ હતા જ નહિ. કારણ કે ગઈ કાલે જે હતો તે તો ગુસ્સાથી લાલચોળ હતો, જ્યારે તમે તો આંસુથી તર-બ-તર છો. ગઈકાલે જે હતો એના મુખમાં ગાળો હતી, જ્યારે તમારા મુખમાં તો માફીના નમ્ર શબ્દો છે. ગઈ કાલે જે હતો એનામાં ભયાનક અવિવેક હતો, જ્યારે તમે તો હાથ ડજોડી આદરણીય વિવેક દર્શાવો છો. એથી ગઈ કાલવાળા તમે નથી જ. શારીરિક દ્રષ્ટિએ તમે ભલે એ જ લાગતા હો, પરંતુ માનસિક દ્રષ્ટિએ તમે એ નથી.' પેલી વ્યક્તિ અને શિષ્યો આફરિન પોકારી ગયા સંતના આ ઉદાત્ત-ઉદાર અભિગમ પર.
    સંતના આ હાર્દિક ઉદાર અભિગમનું ગજબનાક પરિણામ એ આવ્યું કે તે વ્યક્તિ બદલાઈ જઈને રાતોરાત સંતની ચાહક-અનુયાયી બની ગઈ. એટલું જ નહિ, આદરની પરાકાષ્ઠાએ થોડા જ દિવસોમાં એ સ્વયં, સંતનો શિષ્ય બની ગયા !
    ઉપશમભાવનું-સમતાનું વાતાવરણ સર્જવામાં હાર્દિક ઉદારતા કેવો રામબાણ ઉપાય બને છે તે આ ઘટનામાં હૂ-બ-હૂ પ્રતિબિંબિત થાય છે…
  • સમાધાન : ઉપશમભાવનાં સર્જનનું અન્ય સોપાન છે સમાધાન. જૈન પરંપરા આધ્યાત્મિક સાધનાની અતિ મહત્વની બાબત દર્શાવે છે સમાધિ. સમાધિની પ્રાપ્તિ જ સદ્ગતિ અને સિદ્ધિગતિ સુધીની પરંપરા સર્જી શકે, તો સમાધિ જ વર્તમાન જીવનમાં સંક્લેશમુક્ત અવસ્થા ઉપલબ્ધ કરાવી શકે. સમાધિ આટલું અગત્યનું પરિબળ હોવાથી જ પરમાત્મા પાસે પ્રાર્થનારૂપે જૈન પરંપરા આ પંક્તિ આપે છે કે 'સમાહિવરમુત્તમંદિંતુ'. ભાવાર્થ કે હે પ્રભુ ! મને ઉત્તમ સમાધિ આપો.
    હવે વિચારીએ સંસ્કૃત વ્યાકરણના સંદર્ભમાં આ સમાધિની વાત. વ્યાકરણ શુદ્ધ શબ્દના અર્થની દ્રષ્ટિએ સામ્ય દર્શાવતી એક પંક્તિ મળે છે કે 'સમાધાનં સમાધિ:' અર્થાત્ સમાધાન એ સમાધિ છે. અર્થને એકદમ સ્પષ્ટ કરતાં અમે કહીશું કે જીવનમાં જેટલી સમાધાન કરવાની વૃત્તિ રાખશો એટલી સમાધિ અંકે થશે. અપ્રિય ઘટના બને કે આકસ્મિક ઘટના બને, આપણો સમજણપૂર્વકનો વિરોધ થાય કે આંખો મીંચીને આંધળો વિરોધ થાય : દરેક બાબતે આપણી માનસિક-વ્યવહારિક પ્રતિક્રિયા સમાધાનભરી હોવી જોઈએ. પ્રતિક્રિયા જો આ સમાધાનસભર હોય તો આકસ્મિક-અપ્રિય ઘટનામાં ય વ્યક્તિ કેવી સ્વસ્થ-સમતાસંપન્ન રહી શકે એ જાણવું હોય તો વાંચો આ નાનકડી ઘટના :
    વિરોધી વ્યક્તિઓ વચ્ચેની સભામાં ખૂબ શાંત-પરિણત વક્તા એવી પ્રભાવશાળી રીતે વક્તવ્ય રજૂ કરી રહ્યા હતા કે જેમ જેમ પ્રવચન આગળ વધતું ગયું તેમ તેમ વિરોધીઓ એમની તરફેણમાં આવતા ગયા. વિરોધીઓના આવા હાવભાવ નિહાળી એકદમ કટ્ટર આઠ-દશ વિરોધીઓએ વિચાર્યું કે આમ જ ચાલશે તો પ્રવચન પૂર્ણ થતાં સુધીમાં આપણા સિવાય તમામ બદલાઈ જશે. આવું ન બને તે માટે એમણે કોઈ પણ રીતે વક્તાને તત્કાલ 'ડિસ્ટર્બ' કરવાનો પેંતરો રચ્યો અને વક્તા પર જોડો ફેંક્યો. જોડો વક્તાથી ચાર ફીટ મંચ પર જ પડયો. સમગ્ર સભા ચોંકી ગઈ કે 'આ શું ? આવી રીતે અપમાન ન જ કરાય. ચોક્કસ હવે આ વક્તા નારાજ-ગુસ્સે થઈ જશે.'
    પરંતુ વક્તાએ પૂર્ણ શાંતિથી કહ્યું : 'જોડો ફેંકનારને વિનંતી કે બીજો જોડો પણ આવવા દો. કેમકે એક જોડો તમને કે મને, બેમાંથી એકેયને કામ નહિ આવે !' વક્તાના આ ઉત્તરથી સભા એમની મજબૂત ટેકેદાર થઈ ગઈ. આ સમાધિ-શાંતિ મનને સમાધાન આપવાનું પરિણામ હતું.
    પર્યુષણા મહાપર્વને પામી આપણે સંકલ્પબદ્ધ થઈએ કે જીવનમાં સંઘર્ષને નહિ, સમાધાનનો સ્થાન આપીએ, તો શાંતિ-સમાધિ હાથવેંતમાં જ છે…