દ્વારકામાં 93 કરોડના ખર્ચે ભગવાન કૃષ્ણનું મ્યુઝિયમ તૈયાર કરાશે, 9 થીમ ગેલેરી જોવા મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shri Krishna Museum Dwarka Project : ભગવાન શ્રીકૃષ્ણના જીવનદર્શન, દિવ્ય લીલાઓ, માનવમૂલ્યો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા દ્વારકામાં 92.70 કરોડ રૂપિયાના ખર્ચે શ્રીકૃષ્ણ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરથી આશરે 1.6 કિલોમીટરના અંતરે તૈયાર થઈ રહેલા આ સંગ્રહાલયમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો અને તેમના તત્ત્વજ્ઞાનને નવ અલગ-અલગ થીમ આધારિત ગેલેરીમાં રજૂ કરવામાં આવશે.
કૃષ્ણજન્મથી મહાભારત સુધીના પ્રસંગો જોવા મળશે
શ્રીકૃષ્ણ સંગ્રહાલયમાં ભગવાનના જન્મથી શરૂ થતી જીવનયાત્રાને વિવિધ ગેલેરીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. તેમાં બાળલીલાઓ, ગોકુળ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલાનો સમાવેશ થશે. આ ઉપરાંત મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની નિર્ણાયક ભૂમિકા પણ મુલાકાતીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તુતિઓ દ્વારા કૃષ્ણના જીવનના વિવિધ તબક્કાઓ અને તેમના ઉપદેશોને સમજવાનો અવસર મળશે.
3D પ્રોજેક્શન અને ડિજિટલ ટેક્નોલોજીથી મળશે નવો અનુભવ
સંગ્રહાલયમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મુલાકાતીઓને કૃષ્ણના જીવનપ્રસંગોનો વિશિષ્ટ અનુભવ કરાવવાનું આયોજન છે. તેમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરેક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર આધારિત અનુભવોનો સમાવેશ થશે. આ સુવિધાઓના માધ્યમથી મુલાકાતીઓ માત્ર પ્રસંગો નિહાળી શકશે એટલું જ નહીં, પરંતુ વિવિધ ડિજિટલ પ્રસ્તુતિઓ દ્વારા તેમની સાથે વધુ નજીકથી જોડાઈ શકશે.
લેન્ડસ્કેપ ગાર્ડન અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બનશે આકર્ષણ
શ્રીકૃષ્ણ સંગ્રહાલયના પરિસરમાં વિશેષ લેન્ડસ્કેપ ગાર્ડન, કમળ તળાવ અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન શોનું પણ આયોજન છે. આમ, દ્વારકામાં તૈયાર થઈ રહેલું શ્રીકૃષ્ણ સંગ્રહાલય ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેક્નોલોજી સાથે રજૂ કરતું સ્થળ બનશે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો, માનવમૂલ્યો અને ગીતાના સંદેશને એક જ સ્થળે જાણવાની તક મળશે.




