દેવભૂમિ દ્વારકા: નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરિંગ, આધેડ ઈજાગ્રસ્ત, પોલીસે 12 લોકોને રાઉન્ડ અપ કર્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Crime News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનની જૂની અદાવતમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જેમાં આધેડ ગંભીર રીતે ઈજગ્રસ્ત થયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બે જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ બાદ ફાયરિંગ!
મળતી માહિતી અનુસાર, નાવદ્રા ગામે લાંબા સમયથી ચાલી રહેલા જમીનના વિવાદે બુધવારે (15મી જુલાઈ) ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બે પક્ષો વચ્ચે સામસામે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો હિંસક બન્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર, આ અથડામણ દરમિયાન હવામાં આશરે પાંચેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવામાં આવી રહ્યો છે કે, લખમણ કરમુરને નિશાન બનાવીને સીધું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લખમણને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ એક્શન મોડમાં
જાહેરમાં ગોળીબારની ઘટનાને પગલે કલ્યાણપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક નાવદ્રા ગામે દોડી ગયો હતો. પોલીસે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોના આધારે તપાસ તેજ કરી છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને આશંકાના આધારે આશરે 12 જેટલા શખસોને રાઉન્ડ અપ કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે હાલ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફાયરિંગમાં વપરાયેલા હથિયારો જપ્ત કરવા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









