VIDEO: દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ રાત્રે 2 મગર-અજગર અને ખંભાળિયામાં 10 ફૂટના અજગરનું સફળ રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devbhumi Dwarka Bhanvad Khambhalia Crocodile Python Rescue: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વન વિભાગની ટીમે એક જ રાત્રિમાં બે મગર અને એક અજગરનું સફળ રેસ્ક્યૂ કરી તેમને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કર્યા હતા. બીજી તરફ, ખંભાળિયાના સુતરીયા ગામની એક વાડીમાંથી 10 ફૂટના મહાકાય અજગરને પણ પકડવામાં આવ્યો હતો, જેણે ઢેલનો શિકાર કર્યો હોવાથી રેસ્ક્યૂ દરમિયાન તેના પેટમાંથી મૃત ઢેલ બહાર આવી હતી.
ભાણવડ પંથકમાં એક જ રાત્રિમાં બે મગર અને એક અજગરનું સફળ રેસ્ક્યૂ
ભાણવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક જ રાત્રિ દરમિયાન બે મગર અને એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભાણવડના ખરાવાડ અને રૂપામોરા વિસ્તારમાંથી બે મગર તથા ભેનકવડ ગામમાંથી એક અજગર મળી આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ટ્રસ્ટના જાણીતા રેસ્ક્યૂઅર્સ અશોક ભટ્ટની ટીમ સહિત, વન વિભાગના ટ્રેકર તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભારે જહમત બાદ ત્રણેય વન્યજીવોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આ તમામ વન્યજીવોને તુરંત જ બરડાના પ્રાકૃતિક આવાસમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની આ ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક રહીશોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખંભાળિયામાં 10 ફૂટના મહાકાય અજગર દેખાયો
ખંભાળિયા તાલુકાના સુતરીયા ગામે એક રહેણાક વાડીમાં અંદાજે 10 ફૂટ લાંબો મહાકાય અજગર ચડી આવતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાડી વિસ્તારમાં અજગર જોવા મળતા સ્થાનિક ખેડૂતે તાત્કાલિક ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેની માહિતી મળતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલી ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
રેસ્ક્યૂ કામગીરી કરતી વખતે અજગર દ્વારા અગાઉ ઢેલનો શિકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન અજગરના પેટમાંથી ઢેલનો મૃતદેહ બહાર નીકળતા ઘટનાસ્થળે હાજર લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. અંદાજે 10 ફૂટ લાંબા આ મહાકાય અજગરને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેમજ આસપાસના લોકોની સુરક્ષા જળવાઈ રહે તે રીતે સેવકોએ ખૂબ જ સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યૂ ટીમે વન્યજીવને નુકસાન ન પહોંચે અને રહેણાક વિસ્તારમાંથી તેને સુરક્ષિત રીતે દૂર કરી શકાય તે માટે તકેદારી રાખી હતી. અજગરનું સફળ રેસ્ક્યૂ થતાં સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા પંથકમાં રહેણાક વિસ્તારો તેમજ વાડી-ખેતરોમાં અવારનવાર સાપ સહિતના વન્યજીવો જોવા મળતા હોય છે. આવી પરિસ્થિતિમાં લોકો ગભરાઈને વન્યજીવને નુકસાન ન પહોંચાડે અને તાત્કાલિક સક્ષમ રેસ્ક્યૂ ટીમને જાણ કરે તે જરૂરી છે.




